________________
૨૦૮
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો પર્યાયની યોગ્યતા અનુસાર સંકોચ-વિસ્તાર થવાનો તેનો સ્વભાવ છે પણ તેમાં શરીરનામકર્મ નિમિત્ત છે તેથી તેને મુખ્ય કરીને અહીં વાત કરી છે. મુક્તદશા એટલે શક્તિમાં જેવી શુદ્ધતા અને આનંદ હતા તે અંતર એકાગ્રતા વડે પર્યાયમાં શુદ્ધતા અને આનંદ પ્રગટ થયા એવી મુક્તદશામાં જીવને શરીરનામકર્મનો સંબંધ રહેતો નથી તેથી તેના પ્રદેશો સંકોચ-વિસ્તારને પામતા નથી. પરંતુ ચરમશરીરથી કંઈક ન્યૂન-ઓછા પુરુષાકારે જ રહે છે.
જેમ લાકડાના બીબામાં સાકરની પૂતળી બનાવે છે ને ! તે બીજું કાઢી લેતાં એકલી સાકરની પૂતળી રહી જાય છે તેમ શરીરના બીબામાંથી બહાર નીકળી ગયેલા સિદ્ધ ભગવાન એકલા અતીન્દ્રિય, શુદ્ધ આનંદના મૂર્તિ છે. સાકર જેમ સફેદ અને મીઠી છે તેમ આત્મા શુદ્ધ અને અતીન્દ્રિય આનંદમય મૂર્તિ છે. બીબામાંથી સાકરની મૂર્તિ કાઢી લીધા પછી તેમાં કાંઈ ફેરફાર થતો નથી તેમ દેહ છૂટ્યા પછી સિદ્ધ આત્માને જેવો આકાર છે તેમાં પછી સાદિ અનંતકાળ કાંઈ ફેરફાર થતો નથી.
અરે ! અજ્ઞાનીને દાગીનાના આકાર, કપડાના આકાર, તોરણના આકાર, નાળિયેર આદિ બધી ચીજના આકારની ખબર હોય પણ પોતાનો આકાર કેવો છે તેની ખબર ન હોય. કેમ કે એણે કોઈ દી હું કોણ છું? ક્યાં છું? કેવડો છું? મારો આકાર કેવો છે? તેનો વિચાર જ કર્યો નથી.
હવે અહીં શિષ્યને પ્રશ્ન થાય છે કે જેમ દીવાને માથે ઢાંકણ હોય ત્યાં સુધી તો તેનો પ્રકાશ બહાર ફેલાતો નથી પણ ઢાંકણ નીકળી જતાં પ્રકાશ ચારે તરફ ફેલાય છે તેમ જીવને આવરણ છે ત્યાં સુધી તો તે શરીઅમાણ રહે છે પણ શરીરનો સંયોગ છૂટી જતાં મુક્ત અવસ્થામાં તો જીવના પ્રદેશો આખા લોકમાં ફેલાવા જોઈએ ને? શરીપ્રમાણ જ કેમ રહી જાય છે? તેનું સમાધાન આ છે કે, દીવાના પ્રકાશનો વિસ્તાર તો સ્વભાવથી જ થાય છે કોઈ પરદ્રવ્ય વડે થતો નથી. તેના પ્રકાશનો વિસ્તાર તો હતો જ, તે આવરણ વડે ઢાંકવામાં આવ્યો હતો તેથી આવરણ દૂર થતાં પ્રકાશ બધી જગ્યાએ ફેલાય જાય છે પણ જીવના પ્રદેશો તો અનાદિકાળથી સંકોચાયેલા જ છે. તે પહેલાં લોકપ્રમાણ ફેલાયેલા હતાં અને પછી શરીપ્રમાણ થયા એમ નથી. લોકપ્રમાણ ફેલાવું એવો જીવના પ્રદેશોનો સ્વભાવ નથી. તે તો જેવું શરીર મળે તે પ્રમાણે જ ફેલાય છે અને સંકોચ પામે છે.
નાના બાળકોને બાળલકવા થાય છે તો એના પગ પાતળા પડી જાય છે ત્યાં આત્માના પ્રદેશો પણ સંકોચાયેલો હોય છે અને જાડાં માણસના શરીરમાં જીવના પ્રદેશો એ પ્રમાણે વિસ્તરેલા હોય છે. પ્રદેશોની સંખ્યા તો દરેકને સરખી જ હોય તેમાં વધઘટ ન થાય પણ જેમ જાજમ પાથરેલી હોય તો મોટા વિસ્તારમાં રહે અને ઘડી કરેલી હોય તો ઓછા ક્ષેત્રમાં રહી જાય પણ જાજમ નાની-મોટી થઈ જતી નથી તેમ જીવના પ્રદેશો શરીર પ્રમાણ સંકોચ-વિસ્તાર પામે છે પણ પ્રદેશોની સંખ્યામાં ઘટ-વધ થતી નથી.