________________
પ્રવચન-૬૬ ]
| ૪૩૩
છોડીને એ પણ આત્માનું ધ્યાન કરીને મુક્તિ પામ્યા. એ જ રીતે ‘સગર' પણ ચક્રવર્તી હતા તેણે પણ ભગવાનના શાસનમાં દીક્ષા લીધી હતી. આવા બધાં મહાપુરુષોએ પણ મુનિપણું લઈને બાર અંગનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને બાર અંગ ભણવાનું ફળ જે નિશ્ચયરત્નત્રયસ્વરૂપ શુદ્ધ પરમાત્માનું ધ્યાન તેમાં લીન થયા હતા.
મહાપુરુષોએ પણ આ રીતે મુનિદશામાં આત્માનું ધ્યાન કર્યું હતું. માટે, વીતરાગ સ્વસંવેદનજ્ઞાનથી પોતાના આત્માને જાણવો એ જ સાર છે. શબ્દથી કે શાસ્ત્રજ્ઞાનથી આત્માને જાણવો એ સાર નથી પણ અંતરમાં ભાવશ્રુતજ્ઞાનથી આત્માને જાણવો-અનુભવવો તે સાર છે. આ રીતે આત્માને જાણવાથી તેનું બધું જાણવું સફળ થાય છે. માટે, જેણે પોતાના આત્માને જાણ્યો તેણે બધુ જાણ્યું. આત્માને જાણ્યા વિનાનું કાંઈ સફળ નથી અને આત્માને જાણ્યો તેનું બધું જ્ઞાન સફળ છે. આ એક બોલ થયો. જેણે આત્માને જાણ્યો તેણે બધું જાણ્યું' તેના આવા ચાર બોલ કહેશે.
બીજો બોલ-નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થયેલો જે પરમાનંદ સુખરસ-તેનો આસ્વાદ થતાં જ્ઞાની પુરુષ એમ જાણે છે કે મારું સ્વરૂપ જુદું છે અને દેહ, રાગાદિક મારાથી જુદાં છે, મારા નથી. માટે પોતાના આત્માને જાણવાથી બધું ભેદ જણાય જાય છે. જેણે પોતાને જાણ્યો તેણે પોતાથી ભિન્ન બધાં પદાર્થને જાણ્યાં.
પહેલાં બોલમાં એમ કહ્યું કે આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું. હવે બીજા બોલમાં કહે છે કે આ આત્મા આનંદસ્વરૂપ છે તે હું છું, આ દેહ અને રાગાદિ તે હું નથી એવી શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ થયો તેણે આત્મા અને તેનાથી ભિન્ન એવા સર્વ ભેદોને જાણી લીધા. આ અતીન્દ્રિય આનંદમય આત્મા તે હું એમ જેણે જાણ્યું તેણે રાગાદિ સર્વ વિકલ્પ દુઃખરૂપ છે તે મારાથી ભિન્ન છે એ પણ બરાબર જાણી લીધું. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે વિકલ્પ ઊઠે છે તેમાં આકુળતા છે માટે તે મારા આનંદમય આત્માથી ભિન્ન છે.
આ ચોથા ગુણસ્થાનથી માંડીને બધી વાત છે હો ! ચોથા ગુણસ્થાને સમ્યગ્દષ્ટિને આવું આત્માનું જ્ઞાન અને ભેદોનું જ્ઞાન હોય છે. આત્માને જાણવાથી બધાં ભેદોનું જ્ઞાન થઈ જાય છે.
આ સ્ત્રી, પુત્ર, પરિવાર, મકાન આદિ મને ઠીક છે એવો ભાવ છે તે રાગ છે, દુઃખ છે. તેનાથી રહિત આત્મા અતીન્દ્રિય આનંદમય છે એવું ભાન થતાં, આ અતીન્દ્રિય આનંદમય આત્મા તે હું છું અને તેનાથી ભિન્ન જે વિકલ્પ ઊઠે છે તે રાગ, શરીર અને ધનાદિ સંયોગ તે બધું મારાથી જુદું છે. અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવતાં આ જ હું અને તેનાથી જે ભિન્ન છે એ કાંઈ મારું નથી એમ એક આત્માને જાણતાં તેનાથી ભિન્ન સર્વ ભેદોનું પણ જ્ઞાન થઈ જાય છે. એકને જાણતાં બધાં ભેદો જણાઈ ગયાં.