________________
પ્રવચન-૭૩ ]
( ૪૯૫ અરે ! તને તારું સ્વરૂપ જોવાની પણ નવરાશ નથી? ઓઝલમાં રહેતી રાણીનું મોટું જોવાનું તને કુતૂહલ થાય છે એ તો પુદ્ગલ છે તેમાં જોવા જેવું કાંઈ નથી અને જેને જોવાથી સુખનો પાર નથી એવા નિકપ્રભુને જોવાનું તને કુતૂહલ થતું નથી? વિકલ્પની આડમાં ઓઝલમાં જે અનાદિથી પડેલો છે તેને જોવાનું મન થતું નથી? સમયસારમાં કુતૂહલ' શબ્દ વાપર્યો છે. જેના આટલાં વખાણ થાય છે એવા આત્માને જોવાનું એકવાર કુતૂહલ તો કર ! શાંતચિત્ત થઈને એકવાર તો જો ! ભગવાનને જોવાનો એકવાર મોહ એટલે સાવધાની કર ! ત્રણલોકમાં જે સુખ નથી એવું સુખ આત્મ ભગવાનને જોવા માત્રથી તને પ્રાપ્ત થશે. બાકી બીજે ક્યાંય કોઈ પણ રીતે એવું સુખ મળવાનું નથી.
આ સુખ કેવું છે?—કે જે નિર્વિકલ્પ વીતરાગ પરમ આનંદરૂપ શુદ્ધાત્મભાવ છે જેની જોડ જગતમાં કયાંય નથી. આ સુખ રાગ અને વિકલ્પ વિનાનું છે. આ સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? તેની અંતરમાં શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ કરવાથી આ સુખ પ્રાપ્ત થાય છે. તે કેવું છે !—નિર્વિકલ્પ વીતરાગી પરમ આનંદરૂપ સુખ છે. શુભ અશુભ વિકલ્પની ચિંતાજાળમાં તો રાગ અને દુઃખ છે જ્યારે આત્માની ચિંતામાં એટલે એકાગ્રતામાં વિકલ્પ વિનાનું વીતરાગી સુખ છે.
આવો મહાન આત્મા ક્યાં સંતાઈ ગયો?—એમ એને થાય છે. પણ તું જો તો દેખાય ને! વિચાર કર તો ખ્યાલમાં આવે ને ! પણ તેં તારી દરકાર જ કરી નથી, પોતાની કિંમત જ આંકી નથી, બીજાની કિંમત જ આંક્યા કરી છે. હીરાની કિંમત આંકતા આવડતી ન હોય તો શીખવા જાય અને હીરામાં કેટલું પાણી છે તે તપાસી લે પણ તપાસનારની કિંમત કરતાં એ શીખ્યો જ નથી.
ભગવાન આત્મા તો અતીન્દ્રિય પૂર્ણાનંદરસથી ભરેલું તત્ત્વ છે. એક ક્ષણમાત્ર પણ તેની દૃષ્ટિ કરતાં નિર્વિકલ્પ વીતરાગ પરમભાવરૂપ દશા પ્રગટે છે તેને “સુખ' કહેવામાં આવે છે. તેને જ “ધર્મ” કહેવામાં આવે છે. શુભરાગ એ કાંઈ ધર્મ નથી. આત્માની સુખરૂપદશા જેણે પ્રાપ્ત કરી તે જ સુખી છે, તે જ ધર્મી છે.
શું કરતા થકાં તે સુખને પામે છે?—કે ત્રણ ગુપ્તિરૂપ સમાધિમાં આરૂઢ થતાં થકાં ધ્યાની પુરુષ જ સુખને પામે છે. ધર્મીને જ ધર્મનું ધ્યાન કરતાં ધર્મના પરિણામમાં સુખ થાય છે. અનંતગુણરૂપ આત્મતત્ત્વ વિના તે સુખ ત્રણલોકના સ્વામી ઈન્દ્ર આદિને પણ પ્રાપ્ત થતું નથી. અનંત એટલે જેનો અંત નથી એવા તત્ત્વમાં અનંત ગુણો છે, સંખ્યાએ અનંત શક્તિ તેમાં રહેલી છે. જાણવું, દેખવું, શ્રદ્ધવું, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, સ્વચ્છત્વ, કર્તા, કર્મ, કરણ આદિ અનંત શક્તિ આત્મામાં રહેલી છે માટે તેને અનંતદેવ પણ કહેવાય છે.
ભાઈ ! તું અનંતદેવ છો ! કેમ કે તારામાં સંખ્યાએ ગણી ન શકાય એટલા અપાર