________________
૪૯૮
[ પરકાશ પ્રવચનો અને વિષયોના રાગમાં રોકાય જાય છે તેથી મહામુનિઓને જે અતીન્દ્રિય સુખ અને આનંદ અનુભવમાં આવે છે તે આનંદ ઈન્દ્રને ઈન્દ્રાસનમાં પણ આવતો નથી.
આત્મા વીતરાગી આનંદસ્વરૂપ છે. તેને જે વીતરાગી દૃષ્ટિ અને વીતરાગી સ્થિરતા દ્વારા ધ્યાવે છે એવા પરમ તપોધન મુનિને અતીન્દ્રિય સુખ એ જ એમનું ધન છે. મુનિની દિશા ઉત્કૃષ્ટ છે તેની વાત કરી છે પણ સમ્યગ્દષ્ટિને પણ અતીન્દ્રિય આનંદ હોય છે. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ છૂટી ગયું છે અને અનંતાનુબંધી કષાય છૂટી ગયો છે એટલા પ્રમાણમાં અસ્થિરતા છૂટી ગઈ છે અને આત્મામાં એકાગ્રતા થઈ છે. એટલા પ્રમાણમાં તેને પણ અતીન્દ્રિય આનંદ હોય છે. તેનું જ નામ ધર્મ છે.
મિથ્યાત્વશલ્યને છોડી, સમ્યફ એવી નિઃશલ્યવૃત્તિને પ્રગટ કરી, સ્વભાવ સન્મુખતામાં સમ્યગ્દષ્ટિને જે આનંદ આવે છે એવો આનંદ જગતના કોઈ વિષયમાં નથી. સમ્યગ્દષ્ટિને એવો આનંદ હોય છે પણ અહીં તો મુનિરાજના આનંદ સાથે ઇન્દ્રોના આનંદની મેળવણી કરી છે. હું મારા સિવાયના અન્ય દ્રવ્યોના કાર્ય કરી શકું છું એવો અભિપ્રાય અને રાગ તથા રાગની ક્રિયાથી મને લાભ થાય એવો અભિપ્રાય મિથ્યાર્દષ્ટિને હોય છે તે શલ્ય છે. એવા શલ્યથી રહિત સમ્યગ્દષ્ટિ આત્માના અતીન્દ્રિય આનંદને પામે છે.
આ ધર્મની કથા કહેવાય છે હો ! મિથ્યા અભિપ્રાય અને રાગ-દ્વેષના પરિણામ અધર્મ છે. સમ્યફ અભિપ્રાય અને આત્મસ્થિરતા દ્વારા જે અતીન્દ્રિય આનંદનો અંશ પ્રગટ થાય છે. તેને ભગવાન ધર્મ અને મોક્ષનો માર્ગ કહે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે. મુનિને આ ત્રણેય એકસાથે છે તેમાં પણ સ્વરૂપમાં લીનતા વિશેષ જામી છે–પરિણતિમાં ભગવાન બિરાજ્યા છે તેથી જે આનંદ આવે છે તેની પાસે ઇન્દ્રના ઇન્દ્રાણીના સુખ તો ઝેર સમાન છે.
સુખિયા જગતમાં સંત, દૂરિજન દુખિયા રે... આત્માને પકડીને અતીન્દ્રિય આનંદને વેદે છે અનુભવે છે તે જીવ જ સુખી છે. તે સિવાય મિથ્યાશલ્ય અને રાગ-દ્વેષમાં રમી રહ્યા છે તે દુર્જનો દુઃખી છે. જુઓ ! આમાં શેઠિયાઓને શેમાં ગણવા? સુખીયામાં કે દુઃખિયામાં!
જેણે અનંતગુણરૂપ સત્ સમાજને નિશ્ચિત થઈને દૃષ્ટિમાં લીધો તે “સંત” છે. અહીં તો ચારિત્ર સહિતની વિશેષ ઉગ્રતા બતાવવી છે પણ સમ્યગ્દષ્ટિ પણ જઘન્ય સંત છે. મુનિરાજ તો ચારિત્ર સહિત અનંતસુખને અનુભવે છે. “અનંતસુખ” કહ્યું છે. અહો ! ચારિત્ર સહિતના સુખનું શું કહેવું! અનંતસુખ એટલે ધર્મ એ જ મોક્ષનો માર્ગ છે. મોક્ષના માર્ગમાં આનંદ છે, દુઃખ નથી. આચાર્યદેવે મુનિના આનંદ અને સુખથી વાત ઉપાડી છે.