________________
હે જીવ! તારી મૂળ મૂડી સંભાળી લે
(સળંગ પ્રવચન . ૫૨) छिद्यतां भिद्यतां यातु क्षयं योगिन् इदं शरीरम् । आत्मानं भावय निर्मलं येन प्राप्नोषि भवतीरम् ।।७२॥ कर्मणः संबन्धिनः भावाः अन्यत् अचेतनं द्रव्यम्। जीवस्वभावात् भिन्नं जीव नियमेन बुध्यस्व सर्वम् ।।७३।। आत्मानं मुक्त्वा ज्ञानमयं अन्यः परः भावः।
तं त्यक्त्वा जीव त्वं भावय आत्मस्वभावम् ।।७४।। જુઓ ! આ પરમાત્મપ્રકાશની ૭૨મી ગાથામાં શું કહે છે !
હે જીવ! શરીર છેદાઈ જાય, ભેદાઈ જાય, ક્ષય થઈ જાય તોપણ તું ભય ન કર ! તું તારા આત્માનું ધ્યાન કર. શરીરની અવસ્થા સાથે તારે શું સંબંધ છે !
શરીર છેદાઈ જાય એટલે કે ટુકડા થઈ જાય તો કાંઈ આત્માના ટુકડા થતાં નથી. હું તો આત્મા છું એમ જાણીને તું આત્મામાં સમતા રાખ. તું શરીરનો માલિક નથી. શરીરના ટુકડા થતાં મારા ટકડા થયા એમ જેને લાગે છે તે મિથ્યાષ્ટિ છે કેમ કે શરીર તો આત્માથી જુદી ચીજ છે તેને જ મારી માની લીધી એ મોટી વિપરીત, દૃષ્ટિ છે.
શરીર ભેદાઈ જાય એટલે કે શરીરમાં કાણાં પડી જાય તો તું ગભરાઈ ન જા, ભય ન પામ. કેમ કે એ તો જડના રજકણોની અવસ્થા છે, તારી અવસ્થા નથી. તેને તું મારી માનીને દુઃખી થા છો એ તારી મૂઢતા છે. તું તો જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મા છો. તેને ભૂલેલો તે શરીરને જ પોતાનું માને છે એજ દુઃખનું કારણ થાય છે.
શરીર ક્ષય થાય એટલે કે શરીરનો સંયોગ છૂટી જાય તોપણ તું ખેદ ન કર ! પોતાના નિર્મળ આત્માનું ધ્યાન કર ! હું તો શરીરથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ છું એનું લક્ષ કરીને તેને ધ્યેય બનાવીને તેનું ધ્યાન કર. શરીરને મારું માનીને મિથ્યાષ્ટિપણે હેરાન થાય છે તે બધું છોડી દે.
આત્મા કેવો છે ! આત્મા દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ રહિત નિર્મળ શુદ્ધ ચિદાનંદ સ્વભાવે વીતરાગમૂર્તિ છે. નોકર્મ એટલે શરીર, દ્રવ્યકર્મ એટલે આઠ કર્મ અને ભાવકર્મ જે રાગાદિ વિકારી ભાવ તેનાથી આત્મા રહિત છે અને વીતરાગ જ્ઞાનાનંદથી ભરપૂર છે. આવા આત્માનું તું ચિંતવન કર ! તેને ધ્યેય બનાવ ! તેનું લક્ષ બાંધ ! તેને પોતાનું સ્વરૂપ જાણીને તેની દષ્ટિ કર!