________________
અંતરમાં પરમાત્માની શોધ કર ||
CT N e >
(સળંગ પ્રવચન . ૧૩) त्रिभुवनवन्दितं सिद्धिगतं हरिहरा ध्यायन्ति यमेव । लक्ष्यमलक्ष्येण धृत्वा स्थिरं मन्यस्व परमात्मानं तमेव ॥१६॥ नित्यो निरञ्जनो ज्ञानमयः परमानन्दस्वभावः ।
य ईदृशः स शान्तः शिवः तस्य मन्यस्व भावम् ॥१७॥ શ્રી પરમાત્મપ્રકાશમાં પરમાત્માનું સ્વરૂપ કેવું છે તેનું આ વર્ણન ચાલે છે. પરમાત્માનું સ્વરૂપ જાણીને પરમાત્મા સમાન પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું–અનુભવ કરવો એમ અહીં તાત્પર્ય બતાવે છે.
ભગવાન સિદ્ધ પરમાત્મા દ્રવ્યાર્થિકનયે-વસ્તુસ્વભાવે અવિનાશી છે. ભગવાનની વર્તમાન પર્યાયમાં મલિનતાનો અભાવ છે. નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે. વળી, ભગવાન રાગાદિ અને કર્મમળના અંજનથી રહિત છે, માટે નિરંજન છે અને જેવા સિદ્ધ છે તેવો જ આત્મા છે. સિદ્ધને પર્યાયમાં કર્મ અને વિકારનો નિમિત્ત સંબંધ છૂટી ગયો છે. આ જીવને પર્યાયમાં કર્મ અને વિકાર સાથે નિમિત્ત સંબંધ છે પણ સ્વભાવમાં એ સંબંધ નથી.
સિદ્ધ ભગવાન કેવળજ્ઞાનથી પરિપૂર્ણ છે, તેમ આ આત્મા પણ સ્વભાવથી જ્ઞાનમયી છે, કેવળજ્ઞાનસ્વરૂપથી પરિપૂર્ણ છે. વિકલ્પ કે શરીર, વાણી, મનની સાથે આત્માને સંબંધ નથી.
સિદ્ધ પરમાત્મા કેવી રીતે થયા? કે શુદ્ધસ્વરૂપ પરમાત્મસ્વભાવમાં એકાગ્રતારૂપ ભાવના કરવાથી ભગવાન વીતરાગ પરમાનંદથી પરિણત-સિદ્ધ થયા છે. આ આત્મા પણ એવો જ છે તેથી શુદ્ધાત્મભાવના વડે વીતરાગ પરમાનંદ પ્રગટ કરીને સિદ્ધ થઈ શકે છે.
શ્રોતા :-આત્મા જાગૃત થાય ત્યારે ખબર પડે ને કે એ સિદ્ધ જેવો છે?
પૂજ્ય ગુરુદેવશ્રી :–આત્માને જાગૃત કરે ત્યારે થાય કે એની મેળે થાય? આ શરીર, વાણી, મનમાં આત્મા નથી. શરીર તો અનેક આવ્યા અને ગયા. ભગવાન આત્મા તેનાથી જુદો છે. અનંતકાળે ભવનો અભાવ કરવા માટે આ મનુષ્યભવ મળ્યો છે, તેમાં પણ આ શરીર મારુ, રાગ મારો એમ કરીને મૂઢ ચાર ગતિમાં ભ્રમણ કરવાનો માર્ગ કરે છે.
શરીર તો જડ રજકણનો પિંડ છે, વાણી અને મન પણ જડ છે. તેનાથી ભિન્ન એવો આત્મા કોણ છે?—કે આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ વસ્તુ છે. જેમ સાકર શબ્દ વાચક છે