________________
ભગવાનની દિવ્યધ્વનિથી પણ અગોચર ભગવાન આત્મા
(સળંગ પ્રવચન નં. ૧૬)
वेदैः शास्त्रैरिन्द्रियैः यो जीव मन्तुं न याति । निर्मलध्यानस्य यो विषयः स परमात्मा अनादिः ||२३|| શ્રી પરમાત્મપ્રકાશની આ ૨૩મી ગાથા ચાલે છે. તેમાં યોગીન્દ્રદેવ શું કહે છે? કે—આત્મા ભગવાનની દિવ્યધ્વનિનો પણ વિષય નથી.
પરમ બ્રહ્મ શુદ્ધ આત્મા સાક્ષાત્ કેવળીભગવાનની વાણીનો પણ વિષય નથી. કારણ કે ભગવાનની વાણી પરદ્રવ્ય છે. પરદ્રવ્યના લશે ઊઠતાં વિકલ્પનો પણ આત્મા વિષય બનતો નથી. તો પછી પ્રશ્ન થાય કે આત્મા દિવ્યધ્વનિનો વિષય નથી તો ભગવાનની વાણી તો નિરર્થક ગઈ ને! ભાઈ ! સાંભળવાનો વિકલ્પ નિમિત્તરૂપે હોય. તેનો નિષેધ નથી પણ વાણી સાંભળવાનો વિકલ્પ નિજ સ્વભાવને પકડવાનું સાધન નથી એમ કહેવું છે.
ભગવાન આત્મા નિરાકુળ ચૈતન્યદેવ વાણીનો વિષય બને એવો તેનો સ્વભાવ નથી અને વાણીનું સામર્થ્ય નથી કે એ ભગવાન આત્માને વિષય બનાવી શકે. સ્વભાવની નિર્વિકલ્પ શ્રદ્ધા, નિર્વિકલ્પ જ્ઞાન, નિર્વિકલ્પ શાંતિ અને સમાધિનો જ આત્મા વિષય છે. આત્મા પરમાત્મા સમાન છે તે દિવ્યધ્વનિનો વિષય કેમ બને ? એ તો પોતાના શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ અને સમાધિનો વિષય છે.
લોકો મશ્કરી કરે કે જુઓ તો, શાસ્ત્રથી પણ આત્મા ન સમજાય એમ કહે છે. ભાઈ ! શાસ્ત્રમાં જ આવે છે કે શાસ્ત્રમાં રમતી બુદ્ધિ વ્યભિચારિણી છે. તો લોકો કહે જુઓ વાણીને વ્યભિચારી કહે છે. અરે, વાણી વ્યભિચારીણી નથી. વાણી પર છે તેના તરફ લક્ષ જાય છે એટલો શુભ વિકલ્પ છે તે વ્યભિચાર છે. સ્વભાવની જાત નથી.
ભગવાન આત્મા મન અને ઇન્દ્રિયોનો પણ વિષય નથી. મનમાં ઊઠતાં વિકલ્પો કે મૂર્તિક જડ ઇન્દ્રિયો વડે આત્મા જાણી શકાય નહિ.
પહેલાં શ્રદ્ધામાં બરાબર ચોક્કસ નિર્ણય તો કરો કે ભગવાન આત્મા વાણી, શાસ્ત્ર, મન કે ઇન્દ્રિયાદિનો વિષય નથી, એ તો માત્ર નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન, શાંતિની પર્યાયનો વિષય છે.