________________
૧૯૨ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો વ્યવહાર કહેવામાં આવે છે. અત્યારે પણ શરીરને જાણતું જ્ઞાન શરીર સાથે તન્મય થઈને શરીરને જાણતું નથી, રાગને જાણતું જ્ઞાન રાગમાં એક થઈને રાગને જાણતું નથી. અજ્ઞાની ભલે એમ માને કે રાગમાં હું તન્મય છું પણ જ્ઞાન તેમાં તન્મય નથી. રાગથી ભિન્ન રહીને જ્ઞાન રાગને જાણે છે. તન્મય થતું નથી માટે રાગને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. તે જ રીતે કેવળજ્ઞાનની પર્યાયમાં લોકાલોક જણાય છે તે વ્યવહાર છે કેમ કે, જ્ઞાનની પર્યાય લોકાલોકમાં તન્મય થતી નથી. જો તન્મય થઈ હોય તો તો લોકાલોકના સુખ-દુ:ખ પણ વેદનમાં આવવા જોઈએ પણ એમ તો બનતું નથી.
લોકાલોકને કેવળજ્ઞાન વ્યવહારથી જાણે છે તેનો અર્થ એ કે તન્મય થઈને નથી જાણતું. પણ જાણવું જ નથી થતું એમ નથી. કેમ કે તન્મય થવાનો તો એનો સ્વભાવ નથી પણ સ્વ–પર–પ્રકાશકપણે પૂર્ણ જાણવાનો તો એનો સ્વભાવ છે. નિશ્ચયથી તો જ્ઞાન જ્ઞાનને જાણે છે. કેવળજ્ઞાનનો પર્યાય જ્ઞાનને જાણે છે, પોતે પોતાને જાણે છે.
અત્યારે પણ શરીર અને રાગને જાણતું જ્ઞાન શરીર અને રાગને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે, પરને જાણવું જે પોતામાં છે તેને જાણવું તે નિશ્ચય છે.
ચૈતન્યપ્રભુ આત્મા જ્ઞાનનો સૂર્ય છે. એ સૂર્ય પ્રકાશી રહ્યો છે તેનો પ્રકાશ પરને અને રાગને પ્રકાશે છે તે વ્યવહાર છે. સ્વમાં તન્મય થઈને જ્ઞાન જ્ઞાનને પ્રકાશે તેનું નામ નિશ્ચય છે. “સ્વાશ્રિત તે નિશ્ચય અને પરાશ્રિત તે વ્યવહાર'.
આ રીતે જ્ઞાનની અપેક્ષાએ વ્યવહારનયથી આત્મા સર્વગત છે. સર્વને જાણવું એવો વર્તમાન સ્વભાવ ત્રિકાળ છે પણ જ્યારે તે સ્વભાવ પર્યાયમાં પ્રગટ્યો ત્યારે પૂર્ણપણે સર્વને જાણે છે એ અપેક્ષાએ આત્મા સર્વગત છે પણ પ્રદેશોની અપેક્ષાએ આત્મા સર્વગત નથી. કેમ કે આત્માનું જ્ઞાન પોતાના પ્રદેશ છોડીને પરમાં ગયું નથી. જ્ઞાન પોતાની મર્યાદા છોડીને રાગને કે શરીરને અડતું નથી. જો જ્ઞાન રાગ અને શરીરને અડે તો તો જ્ઞાન અચેતન થઈ જાય કેમ કે રાગ અને શરીર તો અચેતન છે. સમજાણું કાંઈ !
જ્ઞાનમય ચૈતન્યની જે અતિ તેમાં પ્રકાશનું જ્ઞાન શરીર અને રાગાદિને જાણે કે “આ છે પણ જ્ઞાન પોતાના ક્ષેત્રમાં અથવા પોતાના ભાવમાં રહીને જાણે છે. જ્ઞાન શરીર કે રાગરૂપ થઈને તેને જાણતું નથી. છતાં તે રાગાદિભાવોનું જ્ઞાન નથી એમ નથી. જ્ઞાન તો થાય છે પણ તે વ્યવહાર છે અને જ્ઞાનને જ્ઞાનનું જાણવું તે નિશ્ચય છે, પોતાને પોતે જાણવું તે નિશ્ચય છે.
વિકાર છે તે નિશ્ચયથી અચેતન છે, તો ચૈતન્યનો પ્રકાશ અને અચેતન એવો વિકાર બે એક ક્યાંથી થાય! બંને એક થાય તો અડ્યા કહેવાય. પણ એક તો કદી થતાં નથી. તેમ આ શરીરની હાલવા-ચાલવા આદિની ક્રિયાને આત્મા જાણે છે પણ કરતો નથી અને