Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 5
________________ છેલ્લા ચાર શ્લોકોથી પ્રકરણાર્થનું સમાપન કરતી વખતે ગ્રંથકારશ્રીએ દિગંબરોને માર્મિક ટકોર કરી છે. કેવલીપરમાત્માના વલાહારમાં કોઈ પણ બાધક ન હોવા છતાં ‘પરમાત્માને ખાવાનું શાનું હોય ?’ આવા પ્રકારની લજ્જા અનુભવાતી હોય તો ‘પરમાત્માને નૃદેહ કઈ રીતે હોય ?' આવા પ્રકારની લજ્જાના અનુભવથી તો અશરીરી અને અનાદિશુદ્ધ સદાશિવાદિની જ ઉપાસના કરવી જોઈએ. આ રીતે સ્વદર્શનનો ત્યાગ કરી નૈયાયિકાદિના દર્શનમાં પ્રવેશવાનો પ્રસઙ્ગ આવશે. પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વિના પરમાત્માના દોષની વાત કરવાથી ભયંકર કોટિનાં પાપોનો બંધ થાય છે. પાપના ભયથી પણ પરમાત્માની અવજ્ઞાથી દૂર રહેવું જોઈએ. અવાસ્તવિક દૂષણના ઉદ્ભાવનથી વસ્તુત: પરમાત્માને કોઈ જ અપાય નથી. જે કોઈ પણ અપાય છે તે દોષનું ઉદ્ભાવન કરનારાને છે. સૂર્ય ઉપર ધૂળ ઉડાડવાથી તે ધૂળ સૂર્ય સુધી તો પહોંચતી જ નથી, પણ ધૂળ ઉડાડનારના આંખમાં જાય છે. આ રીતે દિગંબરોની એક માન્યતાનું વિસ્તારથી નિરાકરણ થવાથી શ્વેતાંબરોની માન્યતાની નિર્દોષતા સિદ્ધ થાય છે. તેથી પરમાનંદને પામેલા શ્વેતાંબરોથી જૈનશાસન શોભાને પ્રાપ્ત કરી જયવંતું વર્તે છે. દિગંબરોની માત્ર એક જ માન્યતાનું અહીં વિસ્તારથી નિરૂપણ કર્યું છે. બીજી પણ કેટલીક તેમની માન્યતાઓનું નિરાકરણ અન્ય ગ્રંથોમાં કર્યું છે. એ બધાનું વ્યવસ્થિત રીતે અધ્યયન કરવામાં આવે તો આપણા શાસ્ત્રકાર પરમર્ષિઓએ જે અનુગ્રહ કર્યો છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. આપણે અજ્ઞાનાદિથી ઉન્માર્ગગામી બની જઈએ નહિ–એ માટેનો એ મહાપુરુષોનો આ પ્રયત્ન છે. એને અનુરૂપ સાચી વસ્તુને સમજવા આપણે પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા... ચંદાવરકરલેન, બોરીવલી, મુંબઈ-૪૦૦ ૦૯૨. વૈશાખ વદ ૧૨ : શુક્રવાર : તા. ૭-૬-૨૦૦૫ આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 58