________________
જૈન યુગ
ઑગસ્ટ ૧૯૫૦
જેમ જેમ માનવીના મન ઉપર પોતાની વ્યક્તિગત, માનવનિર્મિત અને કુદરતે સર્જેલી મુસીબતોની ભીંસ વધતી ગઈ, અસહ્ય બનતી ગઈ અને એકલે હાથે એની સામે ઝઝમીને ટકી રહેવાનું કે એનું નિવારણ કરવાનું એને પોતાના ગજા બહારનું કે અશક્ય લાગતું ગયું તેમ તેમ એના મનમાં સાથીઓના, સહકારીઓના, સહાયકોના અને છેવટે સમૂહજીવનના વિચારોનો જન્મ થતો ગયો હોય એમ લાગે છે. એ મનોમંથનની પ્રક્રિયા પણ પેઢીઓ સુધી ચાલુ રહી અને છેવટે સમૂહજીવન એ જ માનવજીવનનો મુખ્ય માર્ગ બની ગયો. સમૂહજીવનની આ ભાવનાના વિકાસે જ, સમય જતાં, માનવીને સામાજિક પ્રાણી તરીકે ઓળખાવ્યો હોય તો ના નહીં.
સમૂહ જીવનની ભાવનાનો જેમ જેમ વિકાસ થતો ગયો, તેમ તેમ, એક યા બીજે નિમિત્તે માનવીઓના નાના મોટા સમૂહો, જ્યો, સંઘો કે સમાજ રચાતા ગયા. આગળ જતાં જ્ઞાતિઓ અને નાનાં-મોટાં રાજયોની રચનાની પાછળ પણ મુખ્યત્વે સમૂહ જીવનની ભાવના કે ઝંખનાએ જ પ્રેરક બળ તરીકે કામ કર્યું હોવું જોઈએ. આમ છતાં વર્ણવ્યવસ્થાને આના એક અપવાદ તરીકે લેખી શકાય એમ છે. વર્ણવ્યવસ્થા મૂળે તો સમાજજીવન સુચારુ રીતે ચાલી શકે એવી કાર્યવહેંચણી અને કાર્યવ્યવસ્થા માટે જ નિર્માણ થઈ હતી. પણ વખત જતાં એમાં એવી તો વિકૃતિ પ્રવેશી ગઈ કે એ સમાજજીવનને સુવ્યવસ્થિત અને સંગઠિત બનાવવાને બદલે માનવસમૂહોમાં ભેદભાવનું સર્જન કરનારી નીવડી ! એણે ઊંચ-નીચપણના વિઘાતક બળોને જન્મ આપીને સંગઠિત માનવજીવનને જાણે જીર્ણશીર્ણ બનાવી દીધું; દુ:ખી દુ:ખી બનાવી દીધું!
વળી, જૂથરચના કે સંધરચનાની આ પ્રક્રિયા અત્યારે હવે બંધ પડી ગઈ છે કે અટકી પડી છે, એમ પણ કહી શકાય એમ નથી; અત્યારે પણ એ, ભલે જુદા રૂપે પણ, ચાલુ જ છે. આ યુગમાં પણ જુદા જુદા દેશોમાં જુદાં જુદાં સમાન હિતો ધરાવતા માનવીઓ પોતાના સંધો કે મંડળો રચે જ છે. વેપારી મંડળો, ઉદ્યોગપતિ મંડળો, ગુમાસ્તા મંડળો, શિક્ષક-અધ્યાપક મંડળો, મજૂર મંડળો, ખેડૂત મંડળો વગેરે આનાં જ ઉદાહરણો છે. કદાચ એમ જ કહી શકાય જૂથભાવના કે સમૂહભાવનાનો વિકાસ અત્યારે જેટલો થવા લાગ્યો છે એટલો પહેલાં ભાગ્યે જ થયો હતો. ભવિષ્યનો ઈતિહાસકાર કદાચ આ યુગને સમૂહભાવનાના
વિકાસની ચરમ કોટિના યુગ તરીકે પણ ઓળખાવવા પ્રેરાય તો ના નહીં. મોટા મોટા રાષ્ટ્રોના ધોરણે પણ અત્યારે આ જ ભાવનાને વેગ અપાઈ રહ્યો છે, એમ લાગ્યા વગર નથી રહેતું. અને તેથી સમૂહભાવના એ આ યુગનું એક વિશિષ્ટ લક્ષણ બની ગયું હોય એમ લાગે છે.
અહીં આ બધું આટલા વિસ્તારથી કહેવાનો અર્થ એ છે કે આવી પડતી દરેક જાતની મુશ્કેલીઓનો સફળતાપૂર્વક સામનો કરવાને માટે અને માનવજીવનનો વ્યક્તિગત અને સામૂહિક વિકાસ થાય એ માટે જુદા જુદા માર્ગો શોધવા માટે અને જુદા જુદા ઉપાયો અજભાવવા માટે જ માનવજૂથો કે માનવસમાજની રચના કરવામાં આવી હતી-કરવામાં આવે છે; અને એમ કરવામાં જ એ જૂથો કે સમાજોની ઉપયોગિતા અને ચરિતાર્થતા રહેલી છે, સમૂહજીવનને માટે જુદા જુદા નિયમો અને રીત-રિવાજોની રચનાની પાછળ પણ એક માત્ર એ જ ઉદેશ હતો કે માનવીનું સમૂહજીવન કેવી રીતે વ્યવસ્થિત, સંગઠિત અને સરળ બને, અને વ્યક્તિગત રીતે પ્રત્યેક માનવી કેવી રીતે સુખી બને અને શાંતિ પૂર્વક પોતાનું જીવન વિતાવે.
એટલે કોઈપણ નિયમ, રીત-રિવાજ કે રૂટિની ઉપયોગિતા ત્યાં લગી જ સમજવી ઘટે કે જ્યાં લગી એ તેને માનવસમાજને અને સાથોસાથ તે સમાજના પ્રત્યેક માનવીને વિકાસને માર્ગે દોરે કે વિકાસની તક પૂરી પાડે. જે ક્ષણે એ આવું કામ કરવાની શક્તિ ગુમાવી બેસે અને વ્યક્તિ અને સમાજ બન્નેને માટે ભારરૂપ બની જાય ત્યારે એ બકરાના ગળાનાં આંચળની જેમ તદ્દન નિરુપયોગી જ નહીં, બોજ અને ઉપાધિરૂપ પણ બની જાય છે.
ક્યા નિયમો, કયા રીતરિવાજો અને કઈ રૂટિઓ વ્યક્તિ અને સમાજને માટે નિરપયોગી અને કેવળ ભારરૂપ બની ગયેલ છે, એ જાણવાનું અને એ જાણીને એને દૂર કરવાની હિંમત દાખવવાનું કામ સમાજના દૂરદર્શી આગેવાનો અને ધુરંધરોનું છે. એમ કરવામાં જ એમની આગેવાનીની શોભા અને સફળતા છે. પણ સવાલ એ થાય છે કે આવી હિંમત અને આવી દૂરદશિતા દેખાડી શકે એવા આગેવાનો આપણે ત્યાં છે કેટલા ? સૌને ચાલું ચીલે ચાલવામાં જ સાર લાગે છે;