________________
૪૦. વિશેષ ભાવશુદ્ધિ માટે ઃ તસ્સ ઉત્તરી સૂત્ર
કાયોત્સર્ગ અને સામાયિકને અન્યોન્ય આશ્રય સંબંધ છે, તે અન્યોન્યથી સિદ્ધ થાય છે.
વિશેષ શુદ્ધિ માટે ચાર ક્રિયાઓ બતાવી છે. ૧. ઉત્તરીકરણ સ્વનિંદા વડે આત્માને શુદ્ધ કરવો.
૨. પ્રાયશ્ચિત્તકરણઃ પાપ નાશ કરવા માટે કાયોત્સર્ગ નામનું પ્રાયશ્ચિત કરવું. ચિત્તનું શોધન કરી સાવધાની કેળવવી તથા ગુરુજનો પાસે પ્રાયશ્ચિત લેવું.
૩. વિશોધીકરણ આલોચના, નિંદા કરીને જીવ હવે વિચારે છે કે ચિત્તની વિશેષ શુદ્ધિ મારે કરવી છે. સંસારના પરિભ્રમણનો પરિહાર કરવા મેં જે ચારિત્ર (આરાધના) સ્વીકાર્યું છે તેમાં દોષ ન લગાડવા. ઉપયોગપૂર્વક સર્વ ક્રિયાઓનું પાલન કરીશ. સદ્ગુરુના મુખે ધર્મનું શ્રવણ કરી પુનઃ પુનઃ આત્મસ્વરૂપનું ચિંતન કરીશ. - કાયોત્સર્ગ વડે મનને એકાગ્ર કરીશ. અને સર્વ દુઃખ અને કર્મનો ક્ષય કરવા માટે પુનઃ પુનઃ કાયોત્સર્ગ - ધ્યાનમાં રહીશ.
૪. વિસલ્લીકરણ ? વળી મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને નિદાનશલ્ય જેવા દૂષણથી દૂર રહીશ. હું જે સંયમ પાળું છું તેની શ્રેષ્ઠતાની મને સંપૂર્ણ શ્રદ્ધા છે. મારા વ્રતમાં હું નિર્દભ રહેવા ઉદ્યમશીલ છું. વળી મારા વ્રતાદિના બદલામાં મને પૌલિક સુખની સ્પૃહા નથી. આમ ત્રણે દોષ રહિત ચારિત્ર પાળીશ. સામાયિક કરીશ.
આમ શલ્યરહિત થઈ ભાવશુદ્ધિ વડે મોક્ષની સાધના પરિપૂર્ણ થાય છે. પાપકર્મોના નાશ માટે આ ચાર વિધાન છે. જો જીવ પાપની આલોચના કે નિંદા કરતો નથી તો પ્રાયશ્ચિત વગર મનનો મેલ જતો નથી. અર્થાત્ સાચું પ્રાયશ્ચિત થતું નથી, પ્રાયશ્ચિત વડે પવિત્ર થયેલો સાધક વિશેષ શુદ્ધિ કરી શકે છે. ત્યાર પછી આત્મપ્રદેશ પર રહેલા શલ્યના સૂક્ષમ સંસ્કારને શોધીને તે કાઢે છે. આમ સર્વ પ્રકારે શુદ્ધિનો ઉદ્યમ કર્યા પછી તે સાધક કાયોત્સર્ગનું યથાર્થ પાલન કરી શકે છે. અને પાપનો સમૂળ નાશ કરે છે.
૧૪૬