________________
વળી ઉપધાન, ચારિત્રગ્રહણ, જેવા અન્ય મહત્ત્વના ધર્મારાધનામાં પણ કાયોત્સર્ગ - કાઉસગ્ગની વિશેષતા હોય છે. ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા વડે કર્મક્ષયનું તેમાં પ્રાધાન્ય છે. કાઉસગ્ગ કેવળ ક્રિયાના અર્થમાં નથી પરંતુ ચિત્તની એકાગ્રતા માટેનું આરાધન છે. આથી સાધકો ઘણા પ્રકારે કાઉસગ્ગનું આરાધન કરે છે. જે જે તપમાં જે જે પદ હોય તેના ભેદની ગણત્રી સાથે કાઉસગ્ગની ગણત્રી જોડવામાં આવે છે. આમ આરાધકને આરાધનાના ક્ષેત્રે કાઉસગ્ગ એ જાણે પ્રાણ હોય તેમ જણાય છે.
મુનિચર્યાના દૃષ્ટાંતોમાં પણ વારંવાર ઉલ્લેખ આવે કે મુનિ જંગલમાં કાઉસગ્ગ ધ્યાનમાં હતા અને ઉપસર્ગ થયા. અગર રાજા વગેરે વંદન કરવા લાગ્યા, વન્ય પ્રાણીઓ પણ ત્યાં શાંતિથી વાસ કરતાં. આમ કાઉસગ્ગ એ મુનિના જીવનનું અખંડ આરાધન હોવાથી મુક્તિ દ્વાર છે. અહો
! જૈનદર્શનનું પ્રભુત્વ અદ્ભુત છે.
એક એક આવશ્યક અનુષ્ઠાનો પરંપરાએ કે અનંતર મોક્ષદાતા છે, આચાર્ય ભગવંતોએ એ રહસ્ય ખોલીને સાધકોને માર્ગની - સાધન દ્વારા સાધ્યની સરળતા દર્શાવી છે.
પૂ. આચાર્યશ્રી વિજ્ય કલાપૂર્ણ, મ.સા. ‘સર્વજ્ઞ કથિત પરમ સામાયિક ધર્મમાં'' કાયોત્સર્ગ વિષે અનુભવયુક્ત પ્રકાશે છે કે કાયોત્સર્ગ પાંચમું આવશ્યક છે. અને છઠ્ઠું આંતરિક તપ છે.
“સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સમસ્ત સંઘને નિત્ય અને નિયમિત અવશ્ય કરવા યોગ્ય હોવાથી તે ‘આવશ્યક’' કહેવાય છે.
તીર્થના પ્રવર્તક તીર્થંકર પણ સર્વસંગ પરિત્યાગ કરીને કેવળજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહીને ધ્યાન કરે છે. અને મુક્તિ પણ કાયોત્સર્ગ અવસ્થામાં પ્રાપ્ત કરે છે. અરે ! ગણધરાદિ સૌ કઠિન કર્મોનો નાશ કાયોત્સર્ગ દ્વારા કરે છે. આવું માહાત્મ્ય કાયોત્સર્ગનું છે.
કાયોત્સર્ગ અર્થાત દેહભાવ - મમત્ત્વથી મુક્ત થવું, ત્યાગ કરવો. દેહાધ્યાસ છૂટતા સાધક શુદ્ધધર્મની પ્રાપ્તિ કરે છે. આત્મા અને પરમાત્માનું મિલન થાય છે, આત્મા સ્વંય પરમાત્મસ્વરૂપે પ્રગટ થાય છે. કાયોત્સર્ગ સમાધિ સ્વરૂપ છે.”
૧૪૯