________________
સમ્યક્–ચારિત્રનું મહત્ત્વ :
ચારિત્ર એ માનવજીવનની અમૂલ્ય મૂડી છે, સમ્યક્ચારિત્ર એ મોક્ષમાર્ગમાં પ્રધાન છે. જે આત્મા સમ્યચારિત્રને પ્રાપ્ત કરે છે તેનામાં અજબ કોટીની ગરિમા પ્રગટે છે, પણ તે આત્મામાં જ સમાતી હોવાથી આત્મ લક્ષ્ય વિનાના આત્માઓની દૃષ્ટિમાં આવતી નથી. જે મુનિ ચારિત્રમાં પૂર્ણ હોય છે તે થોડા અભ્યાસી હોય તોપણ દશપૂર્વના જ્ઞાતા કરતાં ચઢિયાતા હોય છે, અર્થાત્ તે ચારિત્રની પૂર્ણતાથી મોક્ષ મેળવી શકે છે અને ચારિત્રના અભાવે દશપૂર્વના અભ્યાસી પણ સંસારમાં પરિભ્રમણ કરે છે. કહેવાનો ઉદ્દેશ એ છે કે જ્ઞાનમાત્રથી ઇષ્ટસિદ્ધિ નથી. જ્ઞાનને અનુરૂપ સમ્યઆચરણ ન હોય તો બધું નકામું છે. જ્ઞાનથી વિદ્વત્તા મેળવાય છે, જ્યારે સમ્યચારિત્રથી વીતરાગતા મેળવાય છે. ચારિત્ર વિના મુક્તિ નથી. ચારિત્રધર્મ આટલો મહિમાવંત હોવાને કારણે સમ્યચારિત્રનું પાલન કરતાં મુનિવરોનાં ચરણમાં દેવો પણ નમસ્કાર કરે છે. રાજા હોય કે રંક, ચારિત્રનો સ્વીકાર કરીને પૂજનીય, વંદનીય બની શકે છે અને આત્મસાધના કરી મોક્ષ મેળવી શકે છે.
સમ્યક્ચારિત્રનો સ્વીકારનાર મુનિ આત્મગુણોમાં સ્થિર થાય છે. સંપૂર્ણ આરંભ-સમારંભનો ત્યાગ કરી, જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની આરાધના કરનાર સાધુ સમ્યક્ચારિત્રી દિવસે દિવસે પોતાનાં પરિણામોમાં, વિશુધ્ધિ મેળવતા અનુપમસુખો મેળવે છે. ‘ઉત્તરાધ્યયન' સૂત્ર માં કહ્યું છે, ‘જે પુરુષ પ્રત્યેક માસે દશ દશ લાખનું દાન કરે છે તેના કરતાં કંઇ પણ દાન નહીં કરતા એવા સંયમી સભ્યચારિત્ર પાળનાર શ્રેષ્ઠ છે'. સ્વરૂપરમણતાની અનુભૂતિ કરાવનાર મહામૂલા સંયમ જીવન વિષે શબ્દોમાં વર્ણન શક્ય નથી.
સમ્યક્તપ : કર્મનિર્જરાનું અમોધ સાધન
તપ જૈનસાધનાપધ્ધતિનો પ્રાણ છે. જૈન ધર્મની પ્રત્યેક ક્રિયામાં અહિંસા, સંયમ અને તપનું ગૌરવવંતુ સ્થાન છે. દરેક ક્રિયામાં તપ કેન્દ્ર સ્થાને રહે છે તપ એ સાધનાનું તેજ છે, શક્તિ છે. તપશૂન્ય સાધના નિષ્પ્રાણ છે. સાધનાનો ભવ્ય મહેલ તપના સુદ્રઢ પાયા પર રચાય છે. તપસાધનામાં જ્ઞાનયુક્ત તપને જ
૨૨
ભગવાન મહાવીર અને સંયમજીવન