________________
મહાવીરનાં ધણાં ભક્તો આર્થિક સમૃદ્ધિથી સંપન્ન હતાં. આનંદ શ્રાવકની વાત કરીએ તો તેની પાસે હજારો વીધા જમીન, હજારો ગૌશાળા, સેંકડો વહાણો, હજારો ધાન્યના કોઠારો અને કરોડોની સંપત્તિ વ્યાપારમં લાગેલી હતી. તે વ્રતધારી શ્રાવક હતો. અર્થોપાર્જનમાં અપ્રમાણિક સાધનોનો ઉપયોગ નહોતો કર્યો. પરિગ્રહ પરિમાણનું વ્રત હતું. વધારાની સંપત્તિનો સદવ્યય કરતાં. સંપત્તિ તેને લાગેલી હતી. તે સંપત્તિ નહોતા લાગ્યા તેના ચિત્તમાં સંપત્તિ પ્રત્યે લેશમાત્ર આસિક્તિ નહતી.
વ્યક્તિ, કુટુંબ, રાજયો કે રાષ્ટ્રોમાં આ માલિકીભાવ, પરિગ્રહ જ હિંસા અને અશાંતિનું કારણ બને છે. અશુદ્ધ સાધનો દ્વારા મેળવેલી સંપત્તિ, સાધનો કે ભૌતિક સુખ અંતે અશાંતિ કે દુઃખમાં જ પરિણમે છે. એ વાત સમાજ, રાજય કે શાસનને લાગુ પડે છે.
કોઇ રાજય જુગાર, લોટરી, કી-કલબો, અભદ્ર વિડીયો ચેનલો કે ફિલ્મો વિ. ના વ્યવસાય કે એવી જ અન્ય પ્રવૃત્તિઓ પર કરવેરા દ્વારા આવક મેળવી તે પ્રવૃત્તિને પોષશે તો તે દ્વારા એકઠી કરેલી સંપત્તિ પ્રજાનું કલ્યાણ તો નહિ કરી શકે પરંતુ નેતિક આધઃપતન જ કરાવશે. જે રાજયો દારૂ અને પાન મસાલા જેવા નશીલા. અને ઝેરી દ્રવ્યોને કરવેરાની આવક મેળવવા માટે પ્રતિબંધિત નથી કરતા તે રાષ્ટ્ર પ્રજાની શારિરીક સંપત્તિ અને આરોગ્યની પાયમાલી કરે છે. માનસિક સ્વસ્થતા અને પારિવારિક સંતુલનને હાનિ કરે છે.
શ્રીમદ્ રાજચંદ્રના સહવાસને કારણે ગાંધીજીએ પણ સાધનશુદ્ધિના વિચારના મહત્ત્વનું સ્થાન આપ્યું હતું. ભગવાન મહાવીરનું અર્થશાસ્ત્ર અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંત પર રચાયેલું છે. આધુનિક અર્થશાસ્ત્ર ઇચ્છાઓ વધારવાની, જરૂરિયાતો વધારવાની હિમાયત કરે છે. ઇચ્છાઓ, જરૂરિયાતો વધવાથી શોધો વધશે, પ્રવૃત્તિઓ વધશે પરંતુ ભગવાને આ વૃત્તિનું વિશ્લેષણ કરી, અલ્પઇચ્છા દ્વારા ઇચ્છાજયી બનવા કહ્યું. તેથી જીવનમાં ધીરે ધીરે વિકલ્પો ઓછા થતાં જશે. અર્થોપાર્જનની આધુનિક વિચારધારા આ પ્રવૃત્તિને, વ્યક્તિના લાભાર્જનના સંદર્ભે મૂલવે છે. જેમાં કોઇ લાભ નથી, તે વહેવારનું, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કોઇ મૂલ્ય નથી. સામેની વ્યક્તિની સ્થિતિ માણસની પ્રકૃતિની કે પરિસ્થિતિની બિલકુલ ઉપેક્ષા કરવામાં આવે છે. ભગવાન મહાવીરે ભોગ ઉપભોગ લક્ષી નહીં પણ ઉપયોગલક્ષી સંસ્કૃતિની હિમાયત કરી છે.
ભગવાન મહાવીર અને સંયમજીવન )