________________
મેરે-ક્રિસ્ટે ટાપુ ઉપર
૭૯ તે પ્રમાણે આગળ ચાલતાં તેણે જોયું કે, બધી નિશાનીઓ એક ગળમટોળ ખડક આગળ પૂરી થતી હતી. તેની પછી ઊંચી કરાડ જ શરૂ થતી હતી.
એ ખડકની નીચે કે પાછળ કંઈક અંદર પેસવાની ગોઠવણ હશે એવું તેને લાગ્યું. પણ તેને માટે વધુ નિરાંતે તપાસ કરવી જોઈએ. વધુ મોડું થાય તો તેને ભૂલો પડેલો માની તેના સાથીદારો કે જેકોપ જ તેને શોધવા ત્યાં આવી પહોંચે. તેથી તે તરત પાછો ફર્યો. જરા ઊંચી કરાડ ઉપરથી જોયું તો તેના સાથીદારો તાપણાં કરી ખાવાની તૈયારીઓ કરતા હતા. ડાન્ટેએ આનંદનો અવાજ કરી જરા જોરથી નીચે ઊતરવા માંડ્યું. તેના સાથીદારો અને ખાસ કરીને જેકપોએ તેને સંભાળીને ઊતરવા કહ્યું. પણ એટલામાં તો તેમને બીક હતી તે જ થયું: ડાન્ટને પગ લપસ્યો, અને એક ભારે ચીસ પાડી, ઢગલો થઈને તે નીચે પડયો. બધા તેની પાસે દોડી ગયા. તેને ઉપાડવા જતાં જ ભયંકર વેદનાથી તે બૂમાબૂમ પાડવા લાગ્યો. બધાને ખાતરી થઈ કે તેની પાંસળીઓ ભાંગી ગઈ છે.
કપ્તાને લાચારીથી ડાન્ટના કહ્યા મુજબ તેને માટે થોડું ખાવાપીવાનું તથા દારૂ સાથે બંદૂક વગેરે સાધન પાછળ મૂક્યાં અને છ દિવસ બાદ પાછા ફરતાં તેને વહાણ ઉપર લેતા જવાનું ગોઠવ્યું.
જેકોએ પોતાના ભાગને નફે ગુમાવીને પણ ડાન્ટની સારવાર માટે તેની સાથે જ રહેવા આગ્રહ કર્યો, પણ ડાન્ટેએ તેને સમજાવ્યો કે, એક વધુ ખલાસી ઓછો કરવો એ કપ્તાનને આવા ભારે કામકાજના વખતમાં મુશ્કેલીમાં મૂકવા જેવું થાય. જેકપો ખિન્ન મને વિદાય થયો; પણ ડાન્ટની આંખમાંથી એ ભલા માણસને સદ્ભાવ જોઈને બે આંસુ નીકળી પડ્યાં.
વહાણ દૃષ્ટિમર્યાદામાંથી દૂર થયું, એટલે તરત ડાન્ટ હસતે હસતે કપડાં ખંખેરીને ઊભો થયો તથા પોતે રખાવેલાં બંદૂક-દારૂ વગેરે સાધનો લઈને પેલા ગોળ ખડક આગળ જઈ પહોંચ્યો.