________________
૨૫૫
અનુભવ સંજીવની છે. તોપણ ખરેખર તે પ્રયત્ન સાધ્ય છે. અંતરની ભાવના વગર જીવ વિચારમાં અટકે છે. અથવા વિચાર દ્વારા સ્વરૂપને પામવા ચાહે છે. પરંતુ તેમ થવું અશક્ય છે. અંતરની ભાવના / રુચિ જીવને પ્રયોગ - પ્રયત્નમાં જોડે છે અને પ્રયત્નવંત જીવને પ્રયત્ન કાળે આરાધના કેમ કરવી ? તેનો પ્રયોગ (- વિધિ) સમજાય છે. તે સિવાઈ આરાધનાની રીત સમજવાનો અન્ય કોઈ ઉપાય નથી. તેમ છતાં અન્ય ઉપાય કરનાર જીવ વિધિની ભૂલ કરે છે. અર્થાત્ કલ્પિત ઉપાય કરી ગૃહિત મિથ્યાત્વમાં આવી પડે છે. અને સાચી – વાસ્તવિક રીતથી દૂર થઈ જાય છે. આવી ભૂલ ઉપર–ઉપરની ભાવનાવાળા જીવને થવા સંભવ છે. (૯૧૧)
શ્રદ્ધા અને જ્ઞાન વચ્ચે અત્યંત મૈત્રી છે. અર્થાત્ ઘનિષ્ટ નિમિત્ત - નૈમિત્તિક સંબંધ છે. યથા : (૧) જેમ જેમ જ્ઞાનમાં ભાવભાસન થતું જાય છે, તેમ તેમ દર્શનમોહ શિથિલ થતો જાય છે વા દર્શનમોહનો અનુભાગ ઘટતો જાય છે.
(૨) દર્શનમોહ મંદ પડવાથી જ્ઞાનમાં નિર્મળતા થાય છે, અને નિજસ્વરૂપ અવભાસે તેવી ક્ષમતા પ્રાપ્ત થાય છે.
(૩) સ્વાનુભવમાં અનુભવમાં (જ્ઞાનમાં) આવેલા સ્વરૂપની પ્રતીતિ થાય છે કે ‘હું આવો જ
છું'.
(૪) પોતાના દ્રવ્ય - સ્વરૂપમાં દૃષ્ટિ તાદાત્મ્ય થતાં જ જ્ઞાન પ્રમાણ થઈ જાય છે, તે સિવાઈ જ્ઞાનને પ્રમાણતા પ્રાપ્ત થતી નથી. ભલે અંગ - પૂર્વનું જ્ઞાન હોય તો પણ.
આમ હોવાથી કદી જ્ઞાનની મુખ્યતાપૂર્વક, તો કદી શ્રદ્ધાની મુખ્યતાપૂર્વક–વચન પ્રયોગ થાય છે. ત્યાં વસ્તુ - સ્વરૂપના જ્ઞાતાને સંદેહ કે ભ્રમ ઉપજતો નથી. તેમજ બેમાંથી કોઈ એકને છોડી બીજાનો પક્ષ કે એકાંત કરવા યોગ્ય નથી. પોત પોતાના સ્થાનમાં પ્રત્યેકનું મૂલ્ય સમજવા યોગ્ય છે. પુરુષાર્થની દિશા સમ્યક્ થવામાં શ્રદ્ધા જ્ઞાન કારણ છે, અને તેથી જ સ્વરૂપ એકાગ્રતારૂપ ચારિત્ર પ્રગટ થાય છે..
(૫) સંસાર અવસ્થામાં પરરુચિથી જ્ઞાન-વિવેક નિર્બળ થઈ, બીડાય છે, સૂંઢાય છે. (૯૧૨)
-
માર્ચ - ૧૯૯૨
માત્ર વિચાર કરતા રહેવાથી, પ્રયોગ કરવાની સમજ આવતી નથી. પરંતુ અવલોકનથી પ્રયોગ સમજાય છે, કારણકે પરિણમનમાં ઉલટો પ્રયોગ ચાલી રહ્યો છે તે અવલોકવાથી સમજાય છે અને સુલટો પ્રયોગ થવાની સૂઝ તેથી આવે છે. વળી, સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વભાવ વિચારરૂપ સ્થૂળ જ્ઞાનમાં ગ્રહણ થતો નથી. અવલોકનના અભ્યાસથી સ્વભાવનું ભાસન થઈ શકે છે, તેથી અવલોકન પ્રયોગનું અંગ છે, તેમાં જ્ઞાનની પ્રયોજનભૂતપણે સૂક્ષ્મતા કેળવાય છે. (૯૧૩)