________________
અનુભવ સંજીવની
૨૭૯
પરમગુરુ શ્રી તીર્થંકર સર્વજ્ઞદેવ અને નિગ્રંથ ગુરુ ભાવલિંગિ સંત - આ બે પદ ઉપદેશકનાં છે. અંતરબાહ્ય દશાને લીધે તેઓનો ઉપદેશ અને દશા બંન્ને અવિરોધપણું પામે છે. – તેમ જ્ઞાની ધર્માત્મા જાણે છે, પોતે માર્ગ જોયો હોવાથી ધર્માત્મા નીચેના ગુણસ્થાનેથી માર્ગ (જિજ્ઞાસુને) દર્શાવે છે. પરંતુ ઉપદેશકપણું કરતા નથી. તો પછી જે મુમુક્ષુ હજી માર્ગથી અજાણ છે, ને જે હજી ઉપદેશ લેવા પાત્ર છે, તે ઉક્ત મર્યાદાના અજ્ઞાનને લીધે ઉપદેશક થઈ વર્તે તો, સ્વચ્છંદી થઈ, પોતાને મોટું નુકસાન કરે તે નિઃસંદેહ છે. વિદ્વાન વક્તાએ નુકસાનથી બચવા માટે આ વાત ગંભીરતાથી વિચારણીય છે.
(૧૦૦૯)
ભાવુકતા અને આત્મકલ્યાણની ખરી ભાવનામાં અંતર છે. શુદ્ધ અંતઃકરણથી જે સંસારથી મુક્ત થવા માગે છે, તે ક્યાંય ભૂલો પડતો નથી. પરંતુ ભાવુકતામાં કોઈ મુમુક્ષુ સત્સંગ – અસત્સંગનો વિવેક ચુકી જાય છે, તો કોઈ સિદ્ધાંત જ્ઞાનના અભાવે ભૂલે છે અને પર્યાયબુદ્ધિને દઢ કરી લ્યે છે. પરિણામે આત્મહિતથી વંચિત રહી જાય છે. તેથી ભાવુકતાનો બાહ્ય દેખાવ સારો હોવા છતાં તે વિશ્વસનીય નથી. તેમાં પ્રયોજનની દૃષ્ટિ સૂક્ષ્મ / તીક્ષ્ણ થતી નથી. પરંતુ ખરી ભાવનાથી પ્રયોજનની દૃષ્ટિ સૂક્ષ્મ થાય છે. મુમુક્ષુજીવને આ વિચારવા યોગ્ય છે.
(૧૦૧૦)
ભાવુકતાનો પ્રકાર આવેશના ઉભરા જેવો છે, તે પ્રકૃતિગત છે, શીઘ્ર ઉત્પન્ન થઈ, શીઘ્ર લય પામે છે અથવા દીર્ઘ કાળ લંબાતી નથી. છતાં તેમાં કોમળતા અને રસ પ્રાગટયનો/ વીર્યોલ્લાસનો ગુણ છે. તે કેવળ અવગુણનો પ્રકાર નથી, તેનો પ્રતિપક્ષ શુષ્કતા અને કઠોરતા, શિથિલતા અવગુણ છે. પરંતુ અંતરની ભાવનામાં તો સ્વભાવ પ્રગટવાનું મૂળ છે. તેનો પ્રકાર પ્રતિદિન વૃદ્ધિગત થવાનો છે. વિભાવરસની તે નિષેધક છે. સાધ્યની શક્તિ, ભાવનામાં, અનંત હોવાથી જ તેની નિષ્ફળતા અસંભવિત છે. ખરા મુમુક્ષુનું હૃદય ભાવનાના રસથી હંમેશા ભીંજાયેલું હોય છે. એવું જ્ઞાનીપુરુષનું વચનામૃત છે.
(૧૦૧૧)
-
અનાદિથી જીવ ભેદવાસિતબુદ્ધિ છે. તે સ્થિતિમાં પરલક્ષી ક્ષયોપશમ વિશેષ પ્રમાણમાં થાય તો તે ક્ષયોપશમના સામર્થ્ય વડે અનેક ન્યાય, વસ્તુનાં અનેક પડખાં (સિદ્ધાંતબોધ) અને ઉપદેશબોધની અનેક યુક્તિ જાણવામાં આવે છે. ત્યાં ભેદ પ્રધાનતા રહી જવાથી મંદકષાય સહિત તેવું જ્ઞાન વૃદ્ધિગત પામે તોપણ ભેદની દૃષ્ટિને લીધે, ભેદની મુખ્યતા / મહિમા રહે છે. અને અખંડ અભેદ સ્વરૂપ પોતાનું જાણવું – અનુભવવું રહી જાય છે. તત્ત્વ-અભ્યાસ કરતાં પણ આવી સૂક્ષ્મ વિધિની ભૂલ રહી જાય છે વા થઈ જાય છે. જ્ઞાનીપુરુષની વાણીમાં તો અભેદ સ્વરૂપની પ્રધાનતારૂપ આશય રહીને ભેદનું જ્ઞાન કરાવવા ઉપદેશ/વચન હોય છે. આથી વિદ્વતજને તત્ત્વ પ્રતિપાદન કાળે