________________
અનુભવ સંજીવની
૩૨૯
વીર્ય ઉછળે છે, ત્યાં ચૈતન્યદેવ પરમ પ્રસન્ન થઈ, અમરત્વનું વરદાન આપે છે. મૃત્યુનું સદાને માટે મૃત્યુ થાય છે, અનંતગુણોની પરિણતિ સ્વાનુભવના મહોત્સવમાં નૃત્ય કરે છે. (૧૨૦૩)
નિશ્ચય સ્વરૂપ સદાય મુખ્ય રહીને, વ્યવહાર પ્રસંગમાં જે તે ભાવો, જે તે કાળે યથાપદવી ગૌણ મુખ્ય રહ્યા કરે (છે.) તેમાં ઉત્કૃષ્ટની મુખ્યતા અને અનુષ્કૃષ્ટની ગૌણતા સહજ થવા યોગ્ય છે. સીડીના ઉપર ઉપરના પગથીયે ચડનારની જેમ.
દૃષ્ટિનો વિષય પરમોત્કૃષ્ટ હોવાથી જ્ઞાનમાં – અભિપ્રાયમાં સદાય મુખ્ય રહી જાય છે. તેમાં કોઈ ભંગ-ભેદ નથી. વ્યવહાર ભાવોના ભેદોમાં ‘આશય’ અનુસાર મુખ્ય—ગૌણ થવું ઘટે.
(૧૨૦૪)
સત્શાસ્ત્રોમાં આત્મકલ્યાણ અર્થે અનેક વિધ ભેદે જીવના ભવરોગનું નિદાન કર્યું છે, અને તેની નિવૃત્તિ અર્થે અનેક વિધ ભેદે ઉપદેશ અને માર્ગદર્શન પણ બોધ્યું છે. તેમાંથી જે જીવ પોતાનું પ્રયોજન સધાય તે પ્રકારે નિદાન અને ઉપાયનું અનુસંધાન કરી શકે તે મુક્ત થાય છે. ઘણું કરીને રોગી સ્વયં તેમ કરવા અસમર્થ હોવાથી, સદ્ગુરુની કૃપા અનુગ્રહથી (જે જીવ) તથા પ્રકારે અનુસંધાન (Co-Ordination) સમજી શકે છે, તે સદ્ગુરુને ઓળખી શકે છે અને સર્વાર્પણબુદ્ધિએ સત્સંગની ઉપાસના કરી તરી જાય છે. સર્વાર્પણબુદ્ધિને લીધે સરળતા સહજ ઉત્પન્ન હોય છે. આત્મકલ્યાણના લક્ષે સરળતાએ ઉપાસેલો સત્સંગ પ્રાયઃ નિષ્ફળ જતો નથી. ભક્તિ અને વૈરાગ્યનો સાથ સહજ હોવા યોગ્ય છે. (૧૨૦૫)
જીવને જ્યાં સુધી વર્તતા વિભાવમાં દુઃખ લાગતું નથી, ત્યાં સુધી, જીવને સુખની ભ્રાંતિ મોળી પડી નથી. એટલેકે દર્શનમોહ મોળો પડ્યો નથી; તેથી મોક્ષાર્થીપણું હોવા રૂપ પાત્રતામાં પણ ઓછપ છે. પાત્રતા વિશેષ થવાથી સુખાભાસમાં અને મંદકષાયરૂપ શુભ વિકલ્પોમાં પણ દુઃખ લાગે છે, જેથી જીવનો ત્યાંથી સહજ ખસવાનો ઉદ્યમ થાય, તેવી સ્થિતિમાં આવે છે. આમ થયા વિના નિજ સુખાનુભૂતિ સંભવ નથી. (૧૨૦૬)
=
શુભની રુચિ – મંદ કષાયની રુચિ સુખાભાસને ઉત્પન્ન કરે છે, તે દુઃખમાં સુખની ભ્રાંતિ છે. – આ દર્શનમોહનો પ્રભાવ છે. જ્યાં સુધી દર્શનમોહથી આત્મા આ પ્રકારે આવરિત છે, ત્યાં સુધી સ્વસંવેદન થવામાં અવરોધ છે. સુખાભાસ નિજમાં નિજ – વેદન ગ્રહણ થવામાં વિઘ્ન છે.
(૧૨૦૭)