________________
૨૩૮
આગમ કથાનુયોગ-૧
બીજા વલયમાં છે, જેમાં તેના સામાનિક દેવો, મહર્તિક દેવી, ગુરુ સ્થાનીય દેવો, મિત્ર
સ્થાનીય દેવો, કિંકર દેવો અને સાત સેનાનાયકો રહે છે. ત્રીજા વલયમાં અંગરક્ષક દેવોના ૧૬,૦૦૦ કમળો છે. એ રીતે ચોથા, પાંચમા અને છઠા વલયમાં અત્યંતર, મધ્ય, બાહ્ય આભિયોગિક દેવોના કમળો છે. આવી રીતે પરિવાર સહિત તે લક્ષ્મીદેવી મૂળ કમળ સ્થાન પર બેઠેલા છે.
તે લક્ષ્મીદેવી પ્રશસ્ત રૂપવતી હતા. તેણીના ચરણ યુગલ સુસંસ્થિત સુવર્ણમય કાચબા જેવા ઉન્નત હતા. તેણીના અંગુઠા અતિ ઉન્નત અને પુષ્ટ હતા. તેણીના નખ રંગ્યા હોય તેવા, પુષ્ટ, મધ્ય ભાગમાં ઊંચા, બારીક, રક્તવર્ણા અને સ્નિગ્ધ હતા. હાથ અને પગ કમળ સમાન કોમળ હતા. આંગળીઓ કોમળ અને શ્રેષ્ઠ હતી. પગની પિંડીઓ કુરુવંદના આવર્ત સમાન, વર્તુળાકાર, પહેલા પાતળી અને પછી અનુક્રમે જાડી-જાડી થતી એવી હતી. બંને ઘુંટણ શરીરની પુષ્ટતાને લીધે બહારને દેખાય તેવા ગુપ્ત હતા. જાંઘ ઉત્તમ હાથીની સૂંઢ જેવી પરિપુષ્ટ હતી.
તેણીની કમર રમણીય, સુવિસ્તૃત અને સુવર્ણમય કંદોરાથી યુક્ત હતી. રોમરાજી ઘુંટેલ અંજન, ભ્રમર અને મેઘસમૂહ સમાન શ્યામ વર્ણવાળી, સરસ, સીધી, આંતરા રહિત, બારીક, સુંદર, મનોરમ, પુષ્પાદિ સુકોમળ પદાર્થ કરતા પણ વધુ કોમળ અને રમણીય હતી. તેનું જઘન–કમ્મરની નીચેનો આગળનો ભાગ તેણીના નાભિમંડળને કારણે અતિ સુંદર, વિશાળ અને સારા લક્ષણોથી યુક્ત હતું. ઉદર-કમરનો ભાગ મુઠ્ઠીમાં આવી જાય તેવો પાતળો, સુંદર અને ત્રિવલીયુક્ત હતો. અંગોપાંગ વિવિધ પ્રકારના મણિઓ, સુવર્ણ, રત્નો તથા નિર્મળ લાલ સુવર્ણના આભરણ અને આભુષણોથી સુશોભિત હતા.
તેણીના બંને સ્તનો સુવર્ણના કળશની માફક ગોળ, કઠ્ઠણ અને પુષ્ટ હતા. તે મોતીના હારથી મનોહર, મચકુંદ આદિ પુષ્પમાળાથી વ્યાપ્ત અને દેદીપ્યમાન લાગતા હતા. યથાસ્થાને રહેલા, મરકતના પાનાં વડે શોભિત અને દૃષ્ટિને આનંદકારી મોતીઓના ગુચ્છા વડે ઉજ્વલ એવા મોતીઓના હાર વડે તેણી શોભતી હતી. હૃદય સુવર્ણમાળા વડે અને કંઠ રત્નમય દોરા વડે શોભતા હતા. કાનોમાં ચમકદાર, શોભાયુક્ત અને સમીચીન કાંતિવાળા દીતિ સ્વરૂપ કુંડળો પહેર્યા હતા જે તેણીના ખભા સુધી લટકતા હતા. જેમ રાજા તેના સેવકોના સમૂહ વડે શોભે છે તેમ તેણીનું મુખ પણ દીતિલક્ષણ ગુણ સમૂહ વડે શોભી રહ્યું હતું.
તેણીના નેત્રો નિર્મળ, વિશાળ અને રમણીય હતા. તેણીના બંને હાથોમાં દેદીપ્યમાન બે કમળ હતા. જેમાંથી મકરંદના બિંદુઓ ટપકી રહ્યા હતા. તેણીને ફક્ત આનંદ ખાતર વિંઝાતા પંખા વડે તે સુશોભિત હતા. તેણીનો કેશ–પાશ, પૃથકૂ–પૃથક, ગુચ્છા વગરના તથા કાળા, સઘન, બારીક, સ્નિગ્ધ અને કમર સુધી લંબાયેલ હતો. તેણીનો નિવાસ પૂર્વવર્ણિત એવા પદ્ધહના કમળ ઉપર હતો. તેણીને હિમવાનું પર્વતના શિખર ઉપર દિગગજેન્દ્રોની લાંબી અને પુષ્ટ સૂઢો વડે અભિષેક કરાતો હતો. એવા પ્રકારની ભગવતી–ઐશ્વર્યાદિ ગુણયુક્ત લક્ષ્મીદેવીને ત્રિશલા ક્ષત્રિયાણી ચોથા સ્વપ્નમાં જુએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org