________________
બીજા મકાનમાં ન જાય. વધારે કામળી વાપરીએ તો પડિલેહણ કરવાના કારણે સ્વાધ્યાયમાં વ્યાઘાત થાય. માટે સાધુ ઠંડી સહન કરે, પ્રતિકાર ન કરે. શિયાળાના દિવસોમાં મકાનમાં રહેલા કામળી ઓઢીને બેઠા હોય જ્યારે સવારે બહાર વહોરવા ગયેલા મકાનમાં આવે તો કામળી કાઢીને વાપરવા બેસે, શ્રી મહાવીરપરમાત્માએ દીક્ષા લીધા પછી ઠંડી કેવી રીતે વેઠી હતી તે આચારાંગસૂત્રમાં જણાવ્યું છે. જયારે ઠંડી લાગે ત્યારે ભગવાન મકાનની બહાર જઇને થોડી વાર કાઉસ્સગ્રુધ્યાનમાં રહી પાછા મકાનમાં આવીને કાઉસ્સગ્રુધ્યાનમાં રહેતા. તેના કારણે મકાનની ઠંડી માફકસરની થઇ જાય. વધુ દુ:ખ વેઠીને પૂર્વનું દુ:ખ હળવું લાગે એવું કરવું. સ0 ભગવાનનું તો પહેલું સંઘયણે હતું.
તમારું છેવટું સંઘયણ છે – એ બરાબર, પરંતુ છેવટ્ટા સંઘયણમાં પણ તમે સુખ ભોગવવાનું કામ ચાલુ રાખ્યું છે ને ? છેવટ્ટામાં અર્થકામની સાધના થાય માત્ર ધર્મની સાધના જ ન થાય ! – ખરું ને ? તમે તમારી શક્તિ અને સંઘયણબળને અનુરૂપ દુ:ખ વેઠો એની ના નથી, પરંતુ દુ:ખ આવવા પહેલાં જ તેના પ્રતિકાર માટે સજજ થઈને બેસો એ ચાલે ? શરીર દુ:ખ વેઠવા સમર્થ હોય ત્યાં સુધી તો દુ:ખ વેઠશો ને ? સ0 લાભાલાભ જોઇને કામ કરીએ.
ભગવાનની આજ્ઞા મુજબ દુ:ખ વેઠવામાં લાભ છે અને આજ્ઞાથી ઉપરવટ થઇ દુઃખ ટાળવામાં અલાભ છે. સ0 રાત્રે ઠંડીના કારણે ઊંઘ ન આવતી હોય તો ?
તો તો વધારે સારું. સ્વાધ્યાય વધારે થશે. હકીકતમાં તો ઠંડીના કારણે ઊંઘ નથી આવતી એવું નથી, શ્રમ કર્યો નથી માટે ઊંઘ નથી આવતી. શ્રમ જો કર્યો હોય, થાક લાગ્યો હોય તો ગમે તેવી ઠંડીમાં અને ગમે તેવી જગ્યામાં પણ ઊંઘ આવી જાય.
- સાધુપણામાં દુ:ખ વેઠવા માટે જ આવ્યા છીએ તો હવે દુ:ખનો પ્રતિકાર કરવાની જરૂર જ નથી. સુખ ભોગવવાના કારણે જ દુ:ખ ઊભું કર્યું છે. એ દુ:ખ હવે દુ:ખ ભોગવ્યા વિના નહિ જાય. જેઓ દુઃખ આવ્યા ૨૩૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પછી દુ:ખનો પ્રતિકાર કરે છે તેઓ નવું દુ:ખ ઊભું કરવાનું કામ કરે છે – એ પ્રમાણે આચારાંગસૂત્રમાં જણાવ્યું છે. દુઃખ ભોગવવાના બદલે સુખ ભોગવવાનો અધ્યવસાય જાગે અને સુખ ટાળવાના બદલે દુ:ખ ટાળવાનો અધ્યવસાય જાગે તો તમે ધર્મ કરવા છતાં અને અમે સાધુપણું પાળવા છતાં કશું પામી નહિ શકીએ. આપણે શાતાનો ઉદય થાય એ માટે મહેનત કરીએ છીએ, શાસ્ત્રકારો ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પેદા કરવા માટે મહેનત કરવાનું જણાવે છે. સ0 સુખ ભોગવવાનું ન હોય તો શાસ્ત્રમાં પાને પાને જણાવ્યું શા માટે ?
શાસ્ત્રમાં પાને પાને સુખની વાત આવે છે, પણ તે મેળવવા માટે નહિ, ટાળવા માટે જણાવ્યું છે. ગુલાબના ફૂલ સાથે કાંટા પણ હોય જ. પરંતુ એ કાંટા રાખવાના કે વાગી ન જાય તે રીતે કાઢી નાંખવાના ? કેરી સાથે ગોટલા આવે જ, ગોટલા વગરની કેરી ન હોય, પણ કેરીનો રસ વાપરો, ગોટલો તો નાંખી દો ને ? તેમ સંસારમાં સુખ છે, તે ભોગવવાની જરૂર નથી, કાઢવાની જરૂર છે. સુખ ભોગવવાનો અધિકાર તો તેને છે કે જેને સુખ ભોગવતાં આવડે. સુખ અડી ન જાય તે રીતે ભોગવતાં આવડે એ સુખ ભોગવે તો વાંધો નહિ. રેશમી વસ્ત્રો પહેર્યા હોય તો પણ તેને પરસેવો, ધૂળ અડી ન જાય તેની જેમ કાળજી રાખે તેમ આત્માને સુખ અડી ન જાય તેની કાળજી રાખે તેને સુખ ભોગવવાનો અધિકાર છે. આપણે એ અખતરો નથી કરવો. સુખ નિર્લેપપણે ભોગવવું એના કરતાં સુખ છોડી દેવું સારું. બાકી સુખ ભોગવવા જતાં અડી જવાનું છે માટે એવું જોખમ નથી ખેડવું.
દુઃખ ભોગવવા માટે તૈયાર થયેલા સાધુને ઠંડી લાગે તો તે સહન કરી લે. સ્વાધ્યાયનો વ્યાઘાત ન થાય તે રીતે ઠંડી વેઠી જ લેવાની. આ બધું જિનેશ્વરભગવંતે કહ્યું છે. તેમના શાસન-વચનને સાંભળીને આ રીતે ઠંડી સહન કરવાનું કામ કરે. અમારા આચાર્ય ભગવંત ધાબળો વાપરવા દેતા નહિ, કારણ કે પોતે શીતપરીષહ વેઠી નિશ્રાવર્તાને પણ એ વેઠવાનો જ ઉપાય બતાવે. આપણને ગમે કે ન ગમે આચાર્યભગવંતો શાસ્ત્રના જાણકાર હોવાથી પરીષહ વેઠવાની જ હિતશિક્ષા આપે. અનુશાસન ગમે કે ન ગમે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૩૧