________________
કરવામાં વાંધો નથી આવતો. પણ ધર્મ કર્યા પછી પણ દુઃખ આવે ને સુખ મળે નહિ તો શ્રદ્ધા ડગવા માંડે. આપણી શ્રદ્ધાની કસોટી દુ:ખમાં જ થાય, સુખમાં ન થાય. લોકમાં પણ કહેવાય છે કે કષ્ટમાં જ કસોટી થાય છે. ધર્મ કરતી વખતે દુઃખ આવે એટલે તરત એમ થાય કે ધર્મ કરનારને પણ દુ:ખ આવતું હોય તો ધર્મ નકામો જ ગયો. ધર્મ કરનારને ભૂતકાળના પાપના ઉદયે કદાચ દુ:ખ આવે તોપણ તે ધર્મનું ફળ નથી. આ તો વિચારે કે “ધર્મ કરનારાને પણ દુઃખ આવતું જ હોય તો તો ધર્મ નકામો ગયો. તેથી ચોક્કસ છે કે પરલોક છે જ નહિ, તપ કરનારને ઋદ્ધિ મળે છે એ વાત પણ ખોટી છે, તેથી પરલોકની સાધના માટે લીધેલું સાધુપણું પણ નકામું જ છે. તેથી સાધુ થઇને હું ઠગાઇ ગયો. કારણ કે ગૃહસ્થપણામાં સુખ હોવા છતાં તે છોડી દીધું અને સાધુ થયો, જયારે આ સાધુપણાનું તો કોઇ ફળ જ નથી.’ આવો વિચાર સાધુ ન કરે – એ પ્રમાણે અહીં જણાવ્યું છે. ધર્મ કરતી વખતે એટલું વિચારવાનું કે ધર્મ કરનારને વર્તમાનમાં દુઃખ આવશે, પણ ભવિષ્ય સુધરશે; હવે પછી તેને દુ:ખ ભોગવવાનો વખત નહિ આવે. અત્યારે જે દુ:ખ આવ્યું તે તો ભૂતકાળના અધર્મનું જ ફળ છે. શાસ્ત્રકારોએ એવું કહ્યું જ નથી કે ધર્મ કરનારાને દુઃખ આવતું નથી. તેથી આપણે એવી અશ્રદ્ધા કરવાની જરૂર જ નથી. ધર્મ કરનારને ભવિષ્યમાં દુઃખ નહિ આવે – એટલી વાત નક્કી. પરલોક જેવી ચીજ છે કે નહિ ? ભગવાનનું દર્શન કરનારને પરલોક છે એ સમજાવવાની જરૂર છે ? દર્શનથી પાપનો નાશ થાય છે, પુણ્ય બંધાય છે – આવું બોલનારને પુણ્ય-પાપના ફળ ભોગવવા માટે પરલોકમાં જવાનું છે, આટલી શ્રદ્ધા હોય ને ? પાપના ફળરૂપે નરક છે, પુણ્યના ફળરૂપે દેવલોક છે, મનુષ્ય-તિર્યંચગતિ તો પ્રત્યક્ષસિદ્ધ છે. આ ચાર ગતિને છોડીને કર્મરહિત અવસ્થારૂપ પંચમગતિ છે. આવું માનનારને ધર્મ કરવાનું, સાધુ થવાનું મન થયા વિના ન રહે ને ? પરલોક નથી – આવી અશ્રદ્ધા ક્યારે ય કરવી નહિ. પરલોક છે એવું માને અને સાધુપણામાં કરેલા તપ વગેરેનું ફળ ચોક્કસ મળવાનું છે – એવું માને ૩૯૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
તેનું સમ્યગ્દર્શન મજબૂત છે. ધર્મનું ફળ માત્ર દુ:ખનો વિયોગ અને સુખની પ્રાપ્તિ છે - એવું માનીએ તો ધર્મની શ્રદ્ધા ડગવાનો વખત આવે. પણ ધર્મનું ફળ કર્મની નિર્જરા છે અને વિષયકષાયની પરિણતિ શાંત થવી તે છે - એવું માને તેને અશ્રદ્ધા થવાનું કોઇ કારણ જ નથી. જેનું સમ્યગ્દર્શન મજબૂત હોય તેને તો સાધુપણા સિવાય ઉદ્ધાર નથી - એમ લાગે, સાધુપણામાં ઠગાયા – એવું ન લાગે. અત્યાર સુધી આપણે જે પાપ કર્યા છે તેનાથી છૂટવા માટે સાધુપણા જેવો એક ઉપાય નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે એક દિવસમાં આ સંસારમાં એટલું પાપ થાય છે કે આ આખા જંબુદ્વીપમાં જેટલા પર્વતો છે તે સોનાના થઇ જાય, જેટલી રેતી છે તેના હીરા થાય તે બધાની માલિકી આપણી થાય અને ત્યાર બાદ એનો ભોગવટો કરવાના બદલે એ બધું જ સાતક્ષેત્રમાં દાન આપી દઇએ તોપણ એક દિવસના પાપથી છૂટાય નહિ. અત્યાર સુધીમાં આપણું આયુષ્ય કેટલું ગયું અને એમાં પાપ કેટલું કર્યું તે નજર સામે આવે તો એમ થાય ને કે આ પાપથી બચવા માટે સાધુપણા સિવાય બીજો કોઇ ઉપાય નથી !
આગળ જણાવે છે કે - ભૂતકાળમાં અનંતા તીર્થંકરભગવંતો થઇ ગયા છે, વર્તમાનમાં સંખ્યાતા છે, ભવિષ્યમાં પણ અનંતા થવાના છેઆવું શાસ્ત્રમાં કહ્યું છે તે ખોટું છે : આવું ક્યારેય સાધુ ન વિચારે. અહીં સાધુને ઉદ્દેશીને વાત કરી છે માટે ‘સાધુ ન વિચારે' એમ કહ્યું. બાકી શ્રાવક પણ આવું ન જ વિચારે – એટલું યાદ રાખવું. શ્રાવક સમ્યકત્વ ન પામ્યો હોય અને માર્ગાનુસારીપણું પાળનારો હોય - એવું ય બને. જયારે સાધુભગવંતો નિયમા સમકિતી જ હોય. જે સમકિતી ન હોય તે સાધુ ન હોય, વેષધારી હોય. જે અવિરતિને સેવે, જે મિથ્યાત્વને ધારે તે છઠ્ઠા ગુણઠાણે ન હોવાથી તેને સાધુ ને કહેવાય. જે સંસારના સુખની વાત કરે તેની પાસે સમ્યકત્વ હોય એવું લાગતું નથી – એમ સમજીને ઊઠી જવું. આપણે સુખનો ભોગવટો છોડીને દુ:ખ ભોગવવાનું શીખવા માટે સાધુ પાસે જઇએ ને ? એના બદલે જો દુઃખ ટાળવાની ને સુખ મેળવવાની વાત કરે તો તેની પાસે સમ્યક્ત્વ નથી – એમ માનવું પડે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૯૩