Book Title: Uttaradhyayan Sutra Commentary
Author(s): Chandraguptasuri
Publisher: Lakshmiben Mangaldas Ghadiyal

View full book text
Previous | Next

Page 221
________________ એવા જેઓ સંયમમાં વીર્ય ફોરવે છે તેઓ જ પોતાનાં કર્મોને દૂર કરવા માટે સમર્થ બને છે. કર્મનિર્જરાનું સાધન સાધુપણામાં જેટલું છે એટલું ગૃહસ્થપણામાં નથી. તેથી સાધુ થવું છે ને ? ચારિત્રમોહનીય નડે છે માટે દીક્ષા નથી લેતા - એવું પણ કહી શકાય એવું નથી. ચારિત્રમોહનીય નડે છે એવું પણ તે જ બોલી શકે કે જેને ચારિત્ર જોઇતું હોય અને જે ચારિત્ર લેવા મહેનત કરતો હોય. જેને આગળ જવું હોય તેને અવરોધ નડે. આપણને તો ચારિત્ર જોઇતું જ નથી ને ? જેને ચારિત્ર લેવાનું મન જ થતું નથી તેને ચારિત્રમોહનીય નહિ, મિથ્યાત્વમોહનીય નડે છે. જે સાધુ સંયમમાં વીર્ય ફોરવે તે કર્મમળને કાઢવા માટે સમર્થ બને છે. કર્મનિર્જરા માટે સાધુપણા સિવાય બીજો કોઇ ઉપાય નથી. આ રીતે જે સાધુ ઋજુ અને અર્થાત્ ઋજુતાપૂર્વક સંયમની સાધના કરે છે તેને આત્મશુદ્ધિની પ્રાપ્તિ થાય છે, આ રીતે કર્મનિર્જરા દ્વારા જેનો આત્મા શુદ્ધ થયો હોય તેવા આત્મામાં શુદ્ધ ચારિત્રધર્મ કાયમ માટે રહે છે. આવો સાધુ, ઘીથી સિંચાયેલો અગ્નિ જેવો નિર્મળ અને દેદીપ્યમાન હોય છે તેવી દેદીપ્યમાન અને નિર્મળ યશરૂપી કાંતિ જેણે તપ દ્વારા પ્રાપ્ત કરી છે એવો બનીને પરમ એવા નિર્વાણપદને પામે છે. આ જ દીક્ષાનું વાસ્તવિક ફળ છે, દેવલોકની પ્રાપ્તિ એ દીક્ષાનું ફળ નથી. સ0 એને વિસામો તો કહેવાય ને ? જેને ઇષ્ટ સ્થાને પહોંચવાની ઉતાવળ હોય તેને વિસામો લેવો ગમે ખરો ? ખેતીનું ફળ અનાજ કે ઘાસ ? દેવલોકના દેવતાઓ પોતાના સુખને ઘાસથી પણ તુચ્છ માને છે અને તમારે દીક્ષાના ફળરૂપે આ ઘાસ જોઇએ છે ? વિસામો લેવો પડે તો લઇએ પણ એની ઇચ્છા તો ન હોય ને ? તમારા ઘર કરતાં સ્ટેશન ઘણું મોટું છે, ત્યાં બધી જ જાતની ખાવાપીવા, સૂવાની અનુકૂળતા પણ રાખેલી હોય છે છતાં સ્ટેશન ઉપર રહેવું ગમે ખરું ? જે ફળમાં વિલંબ કરાવે તેનું નામ વિસામો. વિસામો એ વિરામ નથી. આપણે વિસામાને વિરામ માની લીધો છે ને ? આગળ વધીને તેને આરામનું સ્થાન માન્યું છે ને ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અહીં જણાવે છે કે – આ રીતે કર્મના હેતુઓને કાબૂમાં લઇને કર્મના આશ્રવને દૂર કરી નિર્જરા માટે પ્રયત્નશીલ બનનારો સાધુ ક્ષમા વગેરે દસ પ્રકારના યતિધર્મના પાલન દ્વારા નિર્મળ યશનો સંચય કરીને આ પાર્થિવ શરીરનો ત્યાગ કરવા દ્વારા ઊર્ધ્વગતિમાં પ્રયાણ કરે છે. હવે જેને આ રીતે નિર્વાણપદની પ્રાપ્તિ એ જ ભવે પ્રાપ્ત ન થાય તેને પણ કેવા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે જણાવતાં ફરમાવે છે કે – જેની સંયમની સાધના એ ભવમાં પૂરી નથી થતી તેઓ દેદીપ્યમાન કાંતિથી યુક્ત એવા વૈમાનિક દેવપણાને પ્રાપ્ત કરે છે. આના ઉપરથી પણ એ સમજી શકાય છે કે સંયમની સાધનાથી દેવલોક મળે છે - એવું નથી, અધૂરા સંયમના કારણે દેવલોકમાં જવું પડે છે. આ દેવલોકનું આયુષ્ય પૂરું થાય ત્યાર પછી પણ દસ પ્રકારના અંગથી યુક્ત એવા મનુષ્યપણામાં જન્મ મળે છે. અહીં સંયમની સાધનાથી નિર્જરાની સાથે જે પુણ્ય બંધાયેલું તે દેવ ભવમાં પૂરું થવા છતાં શેષ રહેલા પુણ્યના પ્રભાવે બાકી રહેલી સંયમની સાધના પૂરી કરવાની અનુકૂળતા સારામાં સારી મળે તેવા સ્થાનમાં આનો જન્મ થાય છે. જેમાં ક્ષેત્ર એટલે જમીન, વાસ્તુ એટલે મકાન, હિરણ્ય - સોનું વગેરે ધાતુઓ, પશુઓ (ઘોડા હાથી બળદ), દાસદાસી વગેરે અનુકૂળ મળે છે. આજે તમને ઘાટી નથી મળતો એની ચિંતા છે ને ? એવી ચિંતા એમને રહેતી નથી તેથી ધર્મારાધના સારી રીતે કરી શકાય છે. તેમ જ આળસનો ત્યાગ કરવાપૂર્વક વર્ષોલ્લાસની પણ કુદરતી રીતે પ્રાપ્તિ થાય છે. મિત્રજનો, સ્વજનપરિવાર અનુકૂળ મળે છે. ઉચ્ચગોત્રમાં જન્મ મળે છે, એટલું જ નહિ સાથે વિશાળ એવી પ્રજ્ઞા પણ મળે છે. બીજી સામગ્રી ગમે તેટલી સારી મળે પણ આપણામાં જ અક્કલ ન હોય. તો તેની શી કિંમત ? ત્યાર બાદ જણાવે છે કે નીરોગી શરીર મળે છે, કોઇ પણ અવર્ણવાદ કરે એવો અપયશ નથી મળતો, તેમ જ વિનયસંપન્નતા પ્રાપ્ત થાય છે. તેમ યશ અને બળ જેના ઉત્તમ કોટિના છે તેવો તે સાધક પોતાના આયુષ્યકાળમાં મનુષ્યપણાના ભોગોને ભોગવી ४३४ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૪૩૫

Loading...

Page Navigation
1 ... 219 220 221 222