________________
છે કે આ શિષ્યોને હિતશિક્ષા આપવા છતાં તેઓ મારા નિમિત્તે ક્રોધાદિને આધીન થાય છે તેથી તેમની દુર્ગતિમાં નિમિત્ત બનું છું અને હું વ્યર્થ ખેદ પામું છું. તેથી હું આ અયોગ્ય શિષ્યોને છોડીને જતો રહું. આ
પ્રમાણે વિચારીને તેઓ શય્યાતરને કહીને નીકળ્યા. પોતાના શિષ્યના શિષ્ય સાગર નામના આચાર્ય અવંતીનગરીમાં રહેતા હતા ત્યાં ગયા. જતી વખતે શય્યાતરને જણાવ્યું કે આ અવિનીત શિષ્યોના કારણે હું ઉદ્વેગ પામ્યો છું તેથી જઉં છું. જો આ શિષ્યો પૂછવા આવે અને તેમને તેમના અવિનયનો પશ્ચાત્તાપ થાય તો જ હું ક્યાં ગયો છું તે જણાવજો. આ પ્રમાણે જણાવીને
શિષ્યો ઊંઘતા હતા ત્યારે નીકળી ગયા. અવંતીનગરીમાં સાગરાચાર્ય પાસે ગયા. પરંતુ સાગરાચાર્યે કાલિકાચાર્યને જોયેલા ન હતા તેથી ઓળખી શક્યા નહિ અને કાલિકાચાર્ય પોતે તો પોતાની જાતની ઓળખાણ આપે નહિ. સાગરાચાર્યની અનુજ્ઞા લઇ મકાનમાં આવ્યા. સાગરાચાર્યે તે વૃદ્ધપુરુષને એક ખૂણો ખાલી છે - એમ કહીને ખૂણામાં ઉતાર્યા. પેલા વૃદ્ધ ગોચરી જાતે લાવે છે. આ તો શિષ્યપરિવારને વાચના વગેરે આપે છે. આ બાજુ પેલા શિષ્યોએ સવારે ઊઠીને ગુરુને ન જોયા તો આઘાત પામી ગુરુને શોધવા નીકળ્યા. ક્યાંય મળ્યા નહિ એટલે શય્યાતરને આવીને પૂછ્યું કે - ‘અમારા ગુરુને જોયા ? ક્યાં ગયા છે તે તમને કહીને ગયા છે ?’ ત્યારે શય્યાતરે બનાવટી ગુસ્સો કરીને કહ્યું કે - ‘તમારા અવિનયના કારણે જ તે ક્યાંય જતા રહ્યા લાગે છે. જે ગુરુએ તમને દીક્ષા આપી, હિતશિક્ષા આપી, આહારાદિ દ્વારા તમારું પોષણ કર્યું તેવા પણ ગુરુનો તમે અવિનય કર્યો, તેમનું કહ્યું માન્યું નહિ, તેમને સંતાપ્યા. આથી તમને છોડીને જતા રહ્યા લાગે છે. તમારા ગુરુ ક્યાં ગયા એની ખબર તમને હોય, મને ક્યાંથી હોય ?' આ સાંભળીને શિષ્યોને પોતાની ભૂલ સમજાઇ. તેઓ લજ્જા પામ્યા અને પશ્ચાત્તાપપૂર્વક કહ્યું કે ‘અમે હવે ફરી આવી ભૂલ નહિ કરીએ, પણ અમારા ગુરુ ક્યાં ગયા છે તે કહો. અમારા ગુરુ ચોક્કસ તમને કીધા વગર ક્યાંય જાય જ નહિ.’ આ રીતે તેમને પશ્ચાત્તાપ થયેલો જાણીને શય્યાતરે જણાવ્યું કે અવંતીનગરીમાં સાગરઆચાર્યને ત્યાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૭૮
ગયા છે. તેથી બધા શિષ્યો ત્યાં જવા નીકળ્યા. રસ્તામાં લોકો પૂછે કે ‘કોણ જાય છે’ તો તેઓ કહેતા કે કલિકાચાર્ય પરિવાર સાથે જઇ રહ્યા છે. ગુરુના નામે જ શિષ્યની કિંમત હોય ને ? આથી જ આજે આપણે ગુરુના નામે ચરી ખાવાનું શરૂ કર્યું છે ને ? લોકો આગળ ગુરુ પ્રત્યેનું બહુમાન વ્યક્ત કરવા વારંવાર ગુરુનું નામ દેવું - એ તો એક માયા છે. ગુરુનું નામ દેવાની જરૂર ન પડે અને હૈયામાંથી ગુરુ ભૂંસાય નહિ – તેનું નામ બહુમાન. માથા ઉપરથી ખરી પડેલા વાળ જેમ શોભા ન પામે તેમ ગુરુ વગરના શિષ્યો શોભા ન પામે. આ રીતે વિહાર કરતા તેઓ અવંતીનગરીમાં આવી રહ્યા છે - આ સાંભળીને સાગરાચાર્ય પણ પોતાના દાદાગુરુ મળશે - એવી આશાથી પ્રસન્ન થયા. દાદાગુરુ પોતાના મકાનમાં જ હોવા છતાં ઓળખતા નથી. પ્રજ્ઞાના ગર્વને લઇને તેમનું નામ પણ પૂછ્યું નહિ. નહિ તો નામ સાંભળતાંની સાથે પણ ઓળખી જાત. આ શિષ્યો આવી પહોંચ્યા અને સાગરાચાર્યને પૂછે છે કે ‘અમારા ગુરુ અહીં આવ્યા છે ?’ ત્યારે પેલા ના પાડે છે અને કહે છે કે થોડા દિવસ પહેલા એક વૃદ્ધ સાધુ આવ્યા છે, બીજું કોઇ આવ્યું નથી. ત્યારે શિષ્યોએ ખૂણામાં જઇને જોયું તો પોતાના ગુરુ જ હતા. તેથી સાગરાચાર્યને કહ્યું કે ‘આ જ અમારા ગુરુ છે.’ આ સાંભળીને સાગરાચાર્ય પણ લજ્જા પામ્યા અને દાદાગુરુનાં ચરણોમાં પડીને કહ્યું કે ‘અજ્ઞાનરૂપ પ્રમાદના કારણે મેં આપ પૂજ્યની આશાતના કરી તે મારું પાપ મિથ્યા થાઓ.’ આ રીતે ગુરુને ખમાવ્યા. પેલા શિષ્યોએ પણ ગુરુના પગમાં પડીને ક્ષમાપના કરી. પરસ્પર વંદનાદિ કરીને બેઠા ત્યારે સાગરાચાર્યે પોતાના દાદાગુરુને પૂછ્યું કે ‘ભગવન્ ! હું વાચના કેવી આપું છું ?' આવો પ્રશ્ન જ્ઞાનના ગર્વના કારણે જ પુછાય ને ?
સ૦ આપણી કંઇ ભૂલ થતી હોય તો જાણવા માટે પણ પુછાય ને ?
ભૂલ થતી હશે તો ગુરુ પોતે જ કહેશે, બાકી આપણે પૂછીએ ત્યારે તો આપણા માટે બે શબ્દ સારા સાંભળવાની ઇચ્છાથી જ પૂછતા હોઇએ છીએ. આપણે આપણી જાતને છેતરવાની જરૂર નથી. ગુરુએ કહ્યું કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૭૯