________________
શાતા પૂછવા આવતો હતો તેથી તેની અઠ્ઠાઇ સારી થતી હતી. એક વાર મંત્રીના કહેવાથી રાજા શાતા પૂછવા ગયો જ નહિ. એ અઠ્ઠાઇ પૂરી કરતા યોગીને નાકે દમ આવી ગયો : આ શું સૂચવે છે ? આપણી સંયમની સાધના આપણા પોતાના હિત માટે જ છે તેમાં વળી માનની શી અપેક્ષા ? આ તો ચોમાસાનો વિહાર કરે ને કોઇ મૂકવા ન આવે તો પોતાનું ચોમાસું નકામું ગયું લાગે ! શાસનની પ્રભાવના કોને કહેવાય - એ જ ખબર નથી ! લોકોના હૈયામાં શાસન વસે એ શાસનપ્રભાવના કે આપણે વસીએ તે ? લોકો વધારે આવે તે માટે ચોમાસાનો પ્રવેશ પણ રવિવારે રાખે તે સત્કાર પરીષહ ક્યાંથી જીતી શકે ? સામાના કલ્યાણની ભાવના હોય અને પોતાના માનની અપેક્ષા ન હોય તે જ ધાર્યું કામ કરી શકે અને પ્રભાવના કરી શકે. સાધુભગવંત જો માન ન ઇચ્છે તો એવા સાધુભગવંત પાસેથી ગૃહસ્થ માનને કેમ ઇચ્છે? આ પરીષહને જીતનારા સાધુ મળે તો સમજવું કે ભગવાનનો સાધુ મળ્યો. સાધુનો જે ઉપાસક હશે તે સાચા સાધુ પાસેથી ક્યારેય નહિ ખસે, પણ વ્યક્તિને જોઇને ખેંચાયેલો હશે તેના પર ભરોસો ન રખાય. વાત્સલ્ય જોઇને ખેંચાવું નથી, માર્ગ જોઇને ખેંચાવું છે. પ્રિય બોલવાથી પ્રિય બનાય છે માટે પ્રિય જ બોલવાનું હોય તો ધર્મ ક્યારે સમજાવવાનો? કોઇના માટે ઘસાતું નથી બોલવું, પણ એનો અર્થ એ નથી કે બધાને ગમે એવું જ બોલવાનું. કોઇનો સ્વભાવ ગમે તેવો હોય તોપણ આપણે આપણો સ્વભાવ બગાડવો નથી. સુલસ પોતાના કસાઈ બાપનું પણ ઘસાતું નથી બોલ્યા. સ્વભાવની વિષમતા જોયા પછી પણ બાપની સેવા ન છોડે તેનું નામ દીકરો. ભરતમહારાજાએ અન્યાય કરવા છતાં બાહુબલીજીએ શું વિચાર્યું ? “મોટા થઈને અન્યાય કરે તો આ જ લાગના થાય ને ?’ એવું ન વિચાર્યું, ઉપરથી વિચાર્યું કે ‘ભલે અન્યાય કર્યો પણ મોટા ભાઇ છે તો તેમને મરાય નહિ જ.’ અને એમ વિચારીને ઉગામેલી મુઠ્ઠીથી લોચ કર્યો.
સાધુસાધ્વી ચોમાસા માટે ગુરુની આજ્ઞાથી આવે, ટ્રસ્ટીની આજ્ઞાથી નહિ. ગુરુની આજ્ઞાથી ચોમાસું કરવા આવવાનું અને ગુરુની આજ્ઞાથી ૩૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
વિહાર કરવાનો, તેમાં કોઇના આવકારની કે વળાવવાની જરૂર જ ક્યાં રહે ? અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન અપાવે એવી સાધનાને સત્કારસન્માન ખાતર વેરવિખેર કરવાની જરૂર નથી. માનની અપેક્ષાના કારણે કેવળજ્ઞાન નથી મળતું. બાહુબલીજીએ માનની અપેક્ષા મૂકી તો કેવળજ્ઞાન તરત મળ્યું ને ? એક વરસ સુધી ટાઢતડકા વગેરે અનેક પરીષહો જીત્યા પણ આ માનપરીષહ ન જીત્યો ત્યાં સુધી કેવળજ્ઞાન ન જ મળ્યું. આપણે ગમે તેટલા મોટા હોઇએ, પણ ભગવાન કરતાં મોટા નથી - એ યાદ રાખવું. વિહાર ભગવાનની આજ્ઞા મુજબ કરવાનો કે લોકોને અનુકૂળ પડે તેવા સમયે રાખવાનો ? ભગવાન એકાકી વિહાર કરે અને અમને વળાવવા માટે લોકો જોઇએ ?! જેની દીક્ષામાં અસંખ્યાત દેવો, અનેક મનુષ્યો હતા તે ભગવાન વિહાર કરતી વખતે એકલા નીકળી પડેલા ને ? તેમને તો તરત પરીષહ-ઉપસર્ગ આવવા માંડ્યા. લોકો ભગવાનને ભગવાન તરીકે પણ ઓળખતા ન હતા. તેથી ભગવાનનો સત્કાર કરવાના બદલે ભગવાનનો તિરસ્કાર કરતા હતા. છતાં ભગવાન કોઇ જાતના સંસ્કારને ઇચ્છતા પણ નથી. સત્કારના કારણે પ્રભાવકતા આવે છે એવું નથી. આજે તમારી પ્રભાવકની વ્યાખ્યા જ જુદી છે ને ? પ્રભાવકને બોલવા કે સમજાવવાનો સમય ન મળે છતાં તે પ્રભાવક અને જે ભણાવવાનો સમય આપે તેનો પ્રભાવ નહિ ને ? માનને નહિ જીતીએ તો બધી જ સાધના એળે જવાની. તમે બધા માન વગર જ પૈસા કમાઓ છો ને ? માન માટે કમાઓ છો કે ખર્ચા કાઢવા? માનમાં મળતું કશું નથી, માત્ર એક સંતોષ મળે કે ચાર માણસ આપણને પૂછતા આવે છે. સ0 ભગવાને નંદીવર્ધનરાજાનું માન રાખ્યું ને ?
આવું અધકચરું ક્યાંથી ભણી આવ્યા ? ભગવાને તો અવધિજ્ઞાનથી જોયું કે કર્મ બાકી છે માટે ઘરમાં રહ્યા હતા. બાકી આદીશ્વર ભગવાને કે નેમનાથ ભગવાને કોઇનું માન ન રાખ્યું ને ? માતા-પિતા આડા પડ્યા તોપણ નેમનાથ ભગવાન ન રહ્યા ને ? તો માન જાય તે સારું કે માન મળે તે સારું ?
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩પ૯