________________
હોય તોપણ એકલો હોય. માત્ર વિહાર કરવો એ વિહારચર્યાપરીષહ નથી. વિહારમાં સાધુપણાની રીતે જીવવું અને જે કાંઇ તકલીફ પડે તે શાંતિથી સહી લેવી તેનું નામ ચર્યાપરીષહ. આ તો ગૃહસ્થની જેમ અનેક જાતની વસ્તુઓ એક દિવસ માટે પણ ભેગી કરે ! આપણે સાધુ છીએ – એ વાત ક્યારે ય ભૂલવી નહિ. સાધુ પણ ગૃહસ્થની જેમ જીવે અને એક પછી એક અનુકૂળતાનાં સાધનો ભેગાં કર્યા કરે તો તે ચાલે? સુખશીલતા ભોગવવા માટે વિહાર નથી. દુઃખ ભોગવવાની તૈયારી કરવા વિહાર છે. વિહારમાં જેવું મકાન મળે તેમાં શીત કે ઉષ્ણ વગેરે પરીષહ વેઠવા તૈયાર થવું. સ0 ઘણી ઠંડી હોય અને અસમાધિ થાય તો ધાબળો વગેરે ઓઢે ને ?
ઘણી ઠંડી હોય તોપણ ધાબળો ન રાખે. દુ:ખ આવવાના કારણે કે ભોગવવાના કારણે અસમાધિ નથી થતી. દુ:ખ ભોગવવાની તૈયારી ન હોવાથી અસમાધિ થાય છે. સુખ મેળવવાની અને દુઃખ ટાળવાની ઇચ્છાના કારણે અસમાધિ થાય છે. ઇચ્છાના અભાવના કારણે સમાધિ મળે છે. દુ:ખ ભોગવવા માટે પરીષહ વેઠવાના છે. આથી જ જણાવે છે કે સાધુ એકલા - રાગાદિથી રહિતપણે – ગામમાં, નગરમાં કે રાજધાની વગેરેમાં વિહાર કરે અને શીતાદિ દરેક પરીષહોનો પરાભવ કરીને વિહાર કરે. અહીં જણાવે છે કે સાધુ અપ્રતિબદ્ધપણે વિહાર કરે. આજે અમે તો વિહારનું લિસ્ટ છપાવીએ કે અમુક દિવસે અમુક ઠેકાણે હોઇશું. પાછા નીચે તાજા કલમમાં છપાવીએ કે અનિવાર્ય સંયોગોમાં ફેરફાર થઇ શકે છે માટે તપાસ કરીને આવવું. આટલું છપાવવું એના કરતાં પહેલેથી જ તપાસ કરીને આવવું હશે તો આવશે - એમ સમજીને ન છપાવીએ તો ન ચાલે ? અમે વર્તમાનમાં જે કરીએ છીએ તે શાસ્ત્રમાં નથી અને શાસ્ત્રમાં જે જણાવ્યું છે તે અમે કરતા નથી. આમ છતાં માર્ગ કેવો હોય તે જણાવવાનું કામ અમે કરીએ છીએ કે જેથી તમને કયા માર્ગે જવાનું છે તે ખ્યાલ આવે અને અમને પણ અમારી ખામીઓ સુધારવાનો પરિણામ જાગે. કમસે કમ જ્યાં ઊભા છીએ ત્યાંથી નીચા ન ઊતરીએ તે માટે પણ આ બધું જ્ઞાન-સ્વાધ્યાય જરૂરી છે.
શ્રાવકના કોઇ કામ માટે સાધુ દોડાદોડ કરે નહિ. સાધુ જયાં હોય ત્યાં જઇને અંજનશલાકા, ઉપધાન, દીક્ષા વગેરેનાં કાર્યો કરવા અને પ્રતિષ્ઠા કે અતિકા વગેરે તો સાધુની નિશ્રા વિના થઇ શકે. તેથી સાધુ અપ્રતિબદ્ધપણે વિચરે. હવે જણાવે છે કે સાધુ અસમાનપણે વિચરે. ગૃહસ્થની સમાનતા થાય તે રીતે વિહાર ન કરે. ગૃહસ્થ જેમ આયોજન કરીને, વસતિ-ભોજનની વ્યવસ્થા કરીને જાય તેમ સાધુ ન જાય. તેમ જ અન્ય સંન્યાસી વગેરે સાથે ન વિચરે. સાથે કોઇ પરિગ્રહ ન રાખે. વિહારમાં પણ ગૃહસ્થનો સંબંધ - પરિચય ન કરે, કોઇ ઠેકાણે નિકેત એટલે કે પોતાનું ઘર-ધામ ન બંધાવે. સર્વત્ર મમત્વરહિતપણે વિહાર કરે.
પરીષહોની વિચારણા આપણે એટલા માટે શરૂ કરી છે કે – સુખ દરેકને પોતપોતાના પુણ્ય પ્રમાણે જ ભોગવવા મળે છે. છતાં પણ સુખ મેળવવા માટે જીવો પાપ કરવાનું કામ કરતા હોય છે. આ પાપના ઉદયમાં આવનારું દુઃખ જો પુણ્ય છોડીને સાધના કરવા નીકળેલાને અકળાવી મૂકે તો તેઓ સાધનામાર્ગથી પાછા ફરવાના. આવું ન બને તે માટે પરીષહ જીતવાની વાત કરી છે. આપણે જે કાંઇ પાપ ભેગું કર્યું છે તે સુખની લાલચે કર્યું છે. સુખની લાલચે જે કાંઇ પુણ્ય ભોગવવાનું કામ કરીએ છીએ તે પણ પાપના ઉદયમાં જ કરીએ છીએ. આ સંસારમાં જે કાંઇ સુખ ભોગવવાનું બને છે તે અવિરતિસ્વરૂપ પાપના ઉદયમાં ભોગવાય છે. જેને આપણે સુખનું સાધન માનીએ છીએ તે અસલમાં પાપ છે. પાંચમે પરિગ્રહ એ પાપ છે, દશમે રાગ એ પાપ છે અને અગિયારમે દ્વેષ એ પાપ છે. છતાં આ પરિગ્રહમાં, રાગમાં અને દ્વેષમાં જ આપણી દુનિયા સમાઇ છે ને ? તમને તમારા પુણ્યોદયની સાથે રહેલો પાપોદય દેખાતો નથી ને ? સ, તમે પણ અમને પુણ્યશાળી કહો છો ને ?
અમે તમને પુણ્યશાળી કે ભાગ્યશાળી કહીએ છીએ તે તમે સુખ ભોગવો છો માટે નથી કહેતા, સુખ છોડીને ધર્મ કરવા માટે તૈયાર થયા છો માટે ભાગ્યશાળી કહીએ છીએ અને તમને સુખની સામગ્રી મળી છે માટે નહિ, ધર્મની સામગ્રી મળી છે માટે પુણ્યશાળી કહીએ છીએ. જો
૨૮૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૮૩