________________
૧૮
જેનું કથન જિનેશ્વર ભગવાનના વચનને અનુસરતું ન હોય કે તેનાથી વિપરીત હોય તેને માનવું એ અશુદ્ધ માન્યતા છે.
પ્રશ્ન—– જિનેશ્વર ભગવાને શું કહ્યું છે ?
ઉત્તર-(૧) પરલોક છે. દરેક જીવ પોતાના શુભાશુભ કર્મ પ્રમાણે સુખદુઃખ અનુભવે છે. (૨) સંસાર દુઃખરૂપ છે. સંસારનું સુખ પણ ક્ષણિક અને પરિણામે દુઃખ આપનારું છે. આથી સંસારમાં સાચું સુખ નથી. સાચું સુખ મોક્ષમાં જ છે. (૩) મોક્ષ મેળવવા જિનોક્ત પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરીને ત્યાગમય જીવન જીવવું જોઇએ. જિનેશ્વર ભગવાને મુખ્યતયા આ ત્રણ બાબતો કહી છે. બીજું જે કંઇ કહ્યું છે તે આ ત્રણ બાબતોને અનુસરીને જ કહ્યું છે.
મોટા ભાગના જીવો આ ત્રણ બાબતોને માનતા નથી. કેટલાક જીવો પરલોક છે, જીવો પોતપોતાના શુભાશુભ કર્મ પ્રમાણે સુખ-દુઃખ અનુભવે છે, એ બાબતને માને છે, પણ બીજી બે બાબતોનો સ્વીકાર કરતા નથી. કેટલાક જીવો પહેલી બાબત ઉપરાંત સંસાર દુઃખરૂપ છે... મોક્ષમાં જ સાચું સુખ છે એ બીજી બાબતને પણ માને છે. પણ ત્રીજી બાબતને માનતા નથી. આ ત્રણેય બાબતોને જે માને તે જ ‘જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે.' એવું માનનારો છે.
પ્રશ્ન– જિનેશ્વર દેવે કહેલી દર્શન-પૂજન આદિ ધર્મક્રિયા કરનારા ‘જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે' એમ માનનારા હોય ને ?
ઉત્તર– એકાંતે તેમ ન કહેવાય. જિનેશ્વર દેવે કહેલી ધર્મક્રિયા કરનારા બધા જ તેવું માનનારા હોય એવું ન કહેવાય. તેવા જીવોમાં પણ ઉપર કહ્યું તેમ કોઇ જીવો પહેલી બાબતને જ સ્વીકારનારા હોય છે, તો કોઇ જીવો પહેલી બે બાબતોને જ સ્વીકારનારા હોય છે. ત્રણેય બાબતોને સ્વીકારનારા તો બહુ જ થોડા હોય છે.
પ્રશ્ન– એનો અર્થ એ થયો કે જિનેશ્વર દેવે કહેલી ધર્મક્રિયા કરનારા પણ પહેલા ગુણસ્થાને હોઇ શકે છે. આ સમજણ બરાબર છે ?
૧. આની વિશેષ સમજણ માટે આ ગ્રંથમાં પહેલા અધ્યાયના પહેલા સૂત્રનું વિવેચન જુઓ. ૨. પાંચ મહાવ્રતોની માહિતી માટે આ ગ્રંથમાં સાતમા અધ્યાયના પહેલા વગેરે સૂત્રનું વિવેચન જુઓ.