________________
ગુરુવિરહ: આ તરફ આ. શ્રી હીરસૂરિજી મ. સ. ૧૬૫૧નું ચોમાસું ઉનામાં કર્યું. ચાતુર્માસમાં તેમનું સ્વાસ્થ બગડયું. તેથી સંઘે તેમને વિહાર ન કરવા દીધો અને સં. ૧૬૫રનું ચોમાસું પણ ઉનામાં કરાવ્યું. આ ચોમાસામાં તેમની તબિયત વધારે નરમ બની. આથી પોતાના કાળધર્મનો સમય જાણી તેઓશ્રીએ અનશન સ્વીકાર્યું. સં. ૧૬૫૨ ભા. સુ. ૧૧ના રોજ કાળધર્મ પામ્યા. પોતાના ગુરુદેવની તબિયત વધારે નરમ બની છે એ સમાચાર જાણીને આ. શ્રી સેનસૂરિજી મ. ચોમાસામાં પણ વિહાર ચાલુ રાખીને ઉગ્ર વિહાર કરતાં ભા. , સુ. ૧૩ના રોજ પાટણ પધાર્યા. ત્યાં ગુર મહારાજના કાળધર્મના સમાચાર મળ્યા. તેમને સખત આઘાત લાગ્યો. સંઘે તેમને સ્વસ્થ કર્યા.
હવે આ. શ્રી સેનસૂરિજી ગચ્છનાયક થયા. જૈન ગ્રંથકારો આ. શ્રી હીરસૂરિ મ.ને અને આ. શ્રી સેનસૂરિ મ.ને શ્રી સુધર્માસ્વામી અને શ્રી જંબૂસ્વામીની જોડીની ઉપમા આપે છે. કેમકે તેમના શાસનમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની સર્વતોમુખી વૃદ્ધિ થઈ હતી અને શ્રમણ સંઘની ઉન્નતિ થઈ હતી.
આ. શ્રી સેનસૂરિજી મ. મુનિશ્રી વિદ્યાવિજયને સં. ૧૬૫૬ મ.સુ. પના રોજ અમદાવાદના સિકંદરપરામાં પંન્યાસ પદવી અને ૧૬૫૬ હૈ. સુ. ૪ ખંભાતમાં ઉપાધ્યાય પદ આપીને તુરત આચાર્યપદ આપ્યું, અને નામ વિજ્યદેવસૂરિ રાખ્યું. પ્રભાવ: આ. શ્રીસેનસૂરિજી મહારાજે અનેક સાધુઓને પંન્યાસ વગેરે પદવીઓ આપી હતી. તેમના પરિવારમાં ૧ આ. શ્રી વિજ્યદેવસૂરિ, ૮ ઉપાધ્યાયો, ૧૫૦ પંન્યાસો અને ૨00 સાધુ-સાધ્વીઓ હતા. તેઓશ્રીએ અનેક પ્રતિષ્ઠાઓ કરી હતી. તેઓશ્રીના ઉપદેશથી અનેક સ્થળે મંદિરોના જીર્ણોદ્ધાર થયા હતા. તેઓશ્રીની નિશ્રામાં છ'રી પાળતા અનેક સંઘો નીકળ્યા હતા. તેઓશ્રીએ અનેક રાજાઓને અને શ્રેષ્ઠીઓને બોધ પમાડ્યો હતો. તેઓશ્રીએ સંખ્યાબંધ પુરુષ-સ્ત્રીઓને દીક્ષા આપી હતી. તેઓશ્રી શ્રમણ સંઘમાં શ્રીગૌતમસ્વામીના અવતાર સમા ગણાતા હતા. આવા મહાન શાસન પ્રભાવક આચાર્ય શ્રી વિજયસેનસૂરિમહારાજા ૬૭ વર્ષની ઉમરે સં. ૧૬૭ર જે. વ. ૧૧ ના રોજ સૂર્યોદય વેળાએ ખંભાતના મહમ્મદપરામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓશ્રીની પાટે આચાર્ય વિજ્ય દેવસૂરિજી મહારાજ બિરાજમાન થયા.