________________
“તું અંદર આવ ને !"
વિરૂપા દરવાજો ઓળંગી અંદર ઉદ્યાનમાં ગઈ. વિરૂપાએ ચારે તરફ એક વાર નજર નાખી લીધી. પછી એ ધીમેથી બોલી :
“બા, તમે અનુભવી છો. કહો જોઉં, મને કેવું સંતાન થશે ? રૂપાળું કે કદરૂપું ?” માતા બનતી નારીના દિલમાં સ્વાભાવિક ઊઠે એવો આ પ્રશ્ન હતો. “રૂપાળું ! સુરૂપા, જોતી નથી કે તારું લાવણ્ય કેવું છે ? તારું સંતાન રૂપસુંદર હશે, સાથે ગુણસુંદર પણ હશે.” શેઠાણી પોતાની સખીના ગર્ભસ્થ સંતાનને આશીર્વાદ દેતી હોય એમ બોલ્યાં.
“બા, કેવું રૂપાળું ? તમારા સંતાન જેવું ?”
“અરે, અમારાં સંતાન કરતાંય સારું સુરૂપા ! અમારા સંતાનનાં રૂપ-ગુણ તો અમારી કામવાસનાઓ ચૂસી લે છે, આ ભોગોપભોગ જ એમનાં દૈવત અર્ધા કરે છે.” શેઠાણીના શબ્દોમાં શ્રીમંત જીવનના એક અજાણ્યા અનિષ્ટ પર ધનુષ્યટંકાર હતો.
“બા, ચિડાશો નહિ. કોઈ ભૂલથી તમારા બાળકને મારી ગોદમાં મૂકી દે, ને મારા બાળકને તમારી ગોદમાં મૂકે, તો મારું સંતાન તમારા સંતાન જેવું લાગે ખરું ?” વિરૂપાની આ ઘેલી ઘેલી વાતનો દોર શેઠાણી ન પકડી શક્યાં.
“અરે, પાગલ થઈ ગઈ લાગે છે ? અત્યારથી સંતાન પાછળ આવી ઘેલી થઈ જઈશ તો પછી તારું શું થશે ?”
“બા, ઘેલી થઈ છું, કહો તો પાગલ થઈ છું. પણ જુઓ એક વાત કહું.” વિરૂપા વધુ નજીક ગઈ, ને ચારે તરફ કોઈ જોતું નથી, એની ખાતરી કરી ધીરેથી બોલી : “બા, તમારું બાળક મારું ને મારું એ તમારું ! જેવું હોય તેવું મોકલી આપજો ! બા, અવિનય લાગે તો માફ કરશો.”
“શું કહે છે વિરૂપા ?” શેઠાણી ક્ષણભર આ શબ્દો સાચા માની શક્યાં નહિ. વર્ષોની અભિલાષાઓ અને દિવસો સુધી હાડ-માંસનો ખોરાક ખવરાવી ગર્ભને ઉછેરનાર કઈ માતા દંપતીજીવનની અમૂલખ દોલત સમા પ્રથમ સંતાનને છોડી શકી છે ! સંતાનને માટે પ્રસૂતિની નરકપીડાને સ્વર્ગનું સુખ માનનારી કઈ માતા આટલી સહેલાઈથી આવો એકતરફી સોદો કરી શકે !
“બા, હું બકતી નથી. તમે મને સખીપદ આપ્યું છે. એ સખીપદ ઊજળું કરી બતાવવાની આ તક છે. જો હું જૂઠું બોલતી હોઉં તો તેત્રીસ કરોડ દેવતાની મને આશ છે !”
“મારો સંસાર ઊજળો કરવા તારા સંસારને શા માટે ખારોપાટ બનાવે છે ?” 6 D સંસારસેતુ
“બીજી વાત હું નથી જાણતી. સખીધર્મ અદા કરવાની અમૂલખ પળ જીવનમાં બીજી વાર નથી આવતી ! માતા થવાની પળ તો ઘણી વાર આવશે. હું ઘરડી નથી થઈ.”
“પણ પેલો માતંગ જાણશે તો તને કાઢી નહીં મુકે ?"
“ભગવાનનું નામ લો, બા ! આપણી વાર્તામાં પુરુષ શું સમજે ? એ વહાણવટું ખેડે કે રાજસેવા કરી જાણે. સંસારના વ્યવહાર તો સદા સ્ત્રીએ શોભાવ્યા છે.” વિરૂપાની જીભ પર ત્યાગની વાણી હતી : “અને બા, માતંગ મને કાઢી મૂકે એ વાત ભૂલેચૂકે માનશો મા ! કોઈ બીજી આવે તો ખરી ! તમારી માફક રોઈને રાતો કાઢનારી હું નહીં ! આવનારીના માથે છાણાં થાપું છાણાં !”
“ના, ના, વિરૂપા ! એ મારાથી નહીં બને !”
“ના કે હા. શેઠાણી બા, કશુંય બોલવાનું નથી. હા, એટલું કહું છું કે એને ખૂબ ભણાવજો, ગણાવજો ને બહાદુર બનાવજો ! મારે ત્યાં બિચારો ક્યાં તમારાં જેવાં લાડપાન પામવાનો છે ?"
અને આ પછી બન્ને સુંદરીઓ કેટલીએક વાર સુધી તારામૈત્રક રચીને ઊભી રહી. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં તારામૈત્રક સંસારે જાણ્યાં છે; પણ સ્ત્રી-સ્ત્રી વચ્ચેનાં તારામૈત્રકની મીઠાશ હજી કુશળ કવિજનથી પણ અવર્ણવી છે. દિલનું ઔદાર્ય, હૈયાનું અમી, મનની મીઠાશ : આ બધાંનું એમાં ઘમ્મરવલોણું હતું. સાગરોના સાગરનું એમાં મંથન હતું.
સૂર્યદેવતા પૃથ્વીના પાટલે પધારી ચૂક્યા હતા, બગીચામાં ફૂલ ખીલી ઊઠ્યાં હતાં, ને ભ્રમરવૃંદ પણ ગુંજારવ કરવા આવી પહોંચ્યું હતું. રાજગૃહીના ઊંચા કોટકાંગરા પણ સોનેથી રચાઈ રહ્યા હતા.
રાજમાર્ગ પર કોલાહલ સંભળાયો. થોડી વારમાં રાજસેવકો જોરથી છડી પોકારતા સંભળાયા. રાજહાથી ઉપર મણિમુક્તા-જડેલી અંબાડીમાં બેસીને મહારાજા બિંબિસાર ભગવાન બુદ્ધદેવનાં દર્શને જતા હતા. હાથીઓના ઘંટારવ અને ઘોડાઓના દાબલાએ આ બંને સખીઓને જાગ્રત કરી.
વિરૂપા શેઠાણીની રજા લઈ ઉતાવળે પગલે પડખેની ગલીકૂંચીઓમાં અદૃશ્ય થઈ ગઈ.
પૂર્વ અને પશ્ચિમ D 7