________________
થોડીવારમાં તો નગરમાં ઢંઢેરો પિટાતો સંભળાયો : મહાન પરાક્રમી મેતારજ સાથે રાજ કુમારી સુવર્ણાનાં લગ્ન થશે. પ્રજા ઘરો શણગારે, શેરીઓ સંમાર્જન કરે ! કુમારિકાઓ ને પુત્રવધૂઓ મણિમુક્તાનો વરસાદ વરસાવે !”
મહાનગરીની પ્રજાઓનાં ભાગ્ય સદા આત્માશ્ચર્યવન્તી ઘટનાઓ સાથે સંકળાયેલાં હોય છે. એકરસ બનેલી પ્રજાએ ઉત્સવ આરંભ્યો. પ્રજાએ આગળ-પાછળની વાતો ભૂલી મેતારજને પોતાનો નગરશ્રેષ્ઠી બનાવ્યો.
ગોરજ સમયે લગ્નવિધિ પતાવીને પાછો ફરતા મેતારનાં જે સ્વાગત થયાં એની દેવો પણ ઈર્ષ્યા કરે તેમ હતું.
મગધરાજે રાજકુમારી સાથે નવનિર્મિત દેવવિમાન-પ્રાસાદ પણ અર્પણ કર્યો હતો. નવવધૂ સાથે મેતારજે એમાં પ્રવેશ કર્યો ત્યારે સાતે સુંદરીઓએ બંનેનું સહર્ષ સ્વાગત કર્યું.
આ દૃશ્ય દેવોની પુરી અલકાની યાદ આપે તેવું હતું.
23
પતિતપાવન
એક વાર ભૂલેચૂકે અગ્નિ સ્પર્શી જાય અને ભાગ્યયોગે એને પવનનો સાથ મળી જાય, પછી એ આગ બુઝાવી શક્ય નથી. એવી જ રીતે ગમે તેવા ઘોર પાપીના દિલમાં કોઈ નવીન પ્રકાશનું એકાદ કિરણ પ્રવેશી ચિરંજીવ બની જાય છે.
દુર્ગચંડ બની રાજગૃહીની અભેદ્ય ઉઘાડી આંખે થાપ આપીને પાછા વળતા રોહિણેયના દિલમાં અવનવીન જે તોફાન જખ્યું હતું, તે દિવસો વીતવા છતાં એવું જ મનોમંથન જમાવી રહ્યું હતું. એ ગુફાઓ ભમ્યો, શિખર-શંગોએ ભટક્યો, પણ એને ક્યાંય ચેન ન પડ્યું. એને ખરે વખતે નાજુક બનેલા પોતાના દેહ પર ક્રોધ ઊપજી રહ્યો હતો. પોતાની સ્તુનવિદ્યા, સંમોહની શક્તિ ને શસ્ત્રાસ્ત્ર વાપરવાની કુશળતાની નિષ્ફળતા એને ડસી રહી હતી.
અરે, આવા દેહનો ભરોસો શો ? આવી શક્તિઓની વિશ્વસનીયતા શી ? રોહિણેયની નજર સામે એના દાદાની, એના પલ્લીવાસીઓની મૂર્તિઓ ખડી થઈ. વેર, વેર ને વેર ! બદલો લેવાની ભાવનામાં ન જાણે કેટકેટલી જિંદગીઓ ધૂળધાણી થઈ ! દદો બિચારો પળવાર શાંતિથી ન જીવ્યો. એની શક્તિએ. એના શસ્ત્રસામર્થ્ય ઊલટો એને ઝનૂની બનાવ્યો. લૂંટફાટ, હત્યા, ચોરી, ખૂન, કલેઆમ ! જાણે રોજના વ્યાપાર !
અને રોહિણેયના શ્રવણ પર આશ્રાવ્ય રીતે કોઈ મધુર અવાજ સ્પર્શવા લાગ્યો... ઊકળેલા એના દિલને સહેજ શાતા વળી.
એને પેલા જ્ઞાતપુત્રની યાદ આવી. અમારા વંશનો એ મહાન શત્રુ ! પણ યાદ કેમ પ્રિય લાગે છે ? એનું સ્મરણ કરવું નથી, છતાં એ વારે વારે સ્મરણપટમાં ક્યાંથી ઊભરાય છે ? સાધુ થયો એટલે અમારો સમોવડિયો નહિ. બાકી એય રાજપુત્ર છે.
192 D સંસારસેતુ