Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 108
________________ “મગધવાસીઓ, તમારું લૂંટેલું દ્રવ્ય વૈભાર પર્વતની ગિરિકંદરાઓ, પર્વતકુંજો, સરિતાઓ અને સ્મશાનમાં પડ્યું છે. મારે મન હવે એ આ માટીથી પણ ઓછા મૂલ્યનું છે. મગધના કારાગૃહમાં રહેલા મારા વીર સાથીદારો એ જાણે છે. પણ મારી આજ્ઞા વિના એ મુખમાંથી ઉચ્ચાર પણ નહિ કરે ! મારી આજ્ઞાથી તેઓ તમને તમામ ધન-વિત્ત બતાવશે. તમે તેમને બોલાવો. હું માનું છું કે તેઓ કદી મારી આજ્ઞા નહિ ઉથાપે. તેઓ પણ મારા માર્ગે જ વળશે !” “તેઓ પણ તરતમાં જ મુક્ત થશે.” મહામના મગધરાજ આ વીરની દરેક રીતે કદર કરવા તૈયાર હતા. “અને તમે ઇચ્છશો તો રાજ તેઓને સેવાચાકરી પણ આપશે.” મેતારજે કહ્યું. “કૃપા છે તમારી, પણ હવે તો મેં અનેકાનેક રાજવીઓની સેવાને બદલે એક રાજરાજેશ્વરની જ સેવા કરવાનો નિર્ણય કર્યો છે." “શું સાધુ બનશો ?” બધેથી એકદમ પ્રશ્ન ઊઠ્યો. રોહિણેયે મસ્તક નમાવી હા કહી. બધા શાન્તિથી ઉપદેશ શ્રવણ કરવા બેઠા. દોડતા અશ્વોએ ગયેલા સવારો રોહિણેયના વીર સાથી કેયૂર અને બીજા સાથે ત્યાં આવી પહોંચ્યા. જ્ઞાતપુત્ર મહાવીરની દેશના પણ પૂરી થઈ હતી. રોહિણેયે કેયૂરને પોતાનું તમામ દ્રવ્ય બતાવી દેવા સૂચવ્યું ને સાથે સાથે પલ્લીવાસીઓની વીરતાને આવે રસ્તે વાળી તે માટે તેઓની માફી માગી અને કહ્યું, “હું તો અહિંસા-સત્યનો પૂજારી સાધુ થવા ઇચ્છું છું." આવા વિનય-વિવેકથી જંગલવાસી કેયૂર અજાણ્યો હતો. એને લાગ્યું કે પોતાનાથી અપરાધ થયો, જેથી સરદારને ખોટું લાગ્યું. એની લાલઘૂમ આંખોના ખૂણા ઠરડાયા. એણે ગળગળે અવાજે કહ્યું : “મહારાજ રોહિોય, હજાર મગધરાજો અમને તમારી વફાદારીમાંથી આ જન્મમાં તો ચળાવી નહિ શકે. સેવકોનાં માથાં માગો ત્યારે તૈયાર છે. પછી આવી વાતો શા માટે ? અને આપ સાધુ થશો તો અમે ઘેર બેસી નહીં રહીએ. જ્યાં તમે ત્યાં અમે " “કેયૂર, તું ન સમજ્યો ? અરે, તારા જેવા વીરોને કેવળ કુળના કારણે દૂર હડસેલાયેલા જોઈને જ મને સામ્રાજ્ય હાથ કરવાની લે લાગી હતી. પણ હવે તો એ સામ્રાજ્ય નાનું લાગે છે. હું જ્ઞાતપુત્રનો શિષ્ય બન્યો છું.” અને રોહિણેયે પોતાની આપવીતી કેયૂરને કહી સંભળાવી. પરિષદામાંથી સહુ સ્નેહભર્યાં અંતરે પાછાં ફર્યાં. એમનું નૂર અને એમની સિકલ જ બદલાઈ ગયાં હતાં. શરીરબળનો મહારથી કેયૂર આ બધી વાતોમાં કંઈ 198 D સંસારસેતુ ન સમજી શક્યો. એણે રોહિણેયની આજ્ઞાનુસાર વૈભાર પર્વતમાં છુપાયેલી તમામ દોલત બતાવવા માંડી. ધનદોલતની કંઈ કમીના નહોતી. શકટનાં શકટ ભરાવા લાવ્યાં. પ્રજા આનંદમાં આવી ગઈ. એ તો જ્ઞાતપુત્રના પગલે શા શા નિધિ ન પ્રગટે, એનાં ગુણગાન ગાવા લાગી. ધન અને ધર્મનાં જાણે રાજગૃહીમાં પૂર આવ્યાં ! ઉદાર રાજવીએ જેનું જે હતું તેને તે પહોંચાડ્યું. મહાન રોહિણેય મુનિ બન્યો. રાજગૃહીએ એ પ્રસંગને છાજે તેવો ઉત્સવ રચ્યો. જ્ઞાતપુત્રના પગલે નગરી ધન્ય બની. પતિતપાવન – 199

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122