________________
“શિક્ષા !” માતંગ હજી સ્વસ્થ નહોતો : “વિરૂપાને – મારી વિરૂને શિક્ષા ?’’ માતંગ મોટા ડોળા ચારે તરફ ઘુમાવવા લાગ્યો. વિરૂપાના અંતરમાં ભયની આછી કંપારી વહી ગઈ.
“શિક્ષા ! બરાબર શિક્ષા કરીશ ! આમ આવ વિરૂપા !”
દૂર સરેલી વિરૂપા સહેજ નજીક ગઈ.
“આ તારી શિક્ષા !” ને મોટે અવાજે બોલતા માતંગે વિરૂપાને છાતી સાથે
દાબી દીધી.
આકાશના પટ પરથી સંધ્યા વિદાય લઈ ગઈ હતી, ને નિશાતારકો આછું અજવાળું વેરી રહ્યા હતા. દંપતીના આ પ્રેમમય જીવનમાં વિક્ષેપ નાખે એવી વસતિ અત્યારે કુમાર મેતાર્યનો લગ્નોત્સવ જોવા ગઈ હતી.
બેએક ક્ષણ વિરૂપાને ભુજપાશમાં જકડી રહેલા માતંગે, છૂટવા મથતી વિરૂપાના સ્વાભાવિક શ્રમથી લાલ થયેલા સ્નિગ્ધ ગાલ પર મુખ દાબી દીધું. “ઓ ઘેલા ! જરા સાંભળ તો ! વાજિંત્રોના સ્વર બેવડાયા. અરે, ખૂબ મોડું થયું. કન્યા શિબિકાઓ નગરના મધ્યભાગમાં આવી ગઈ. હવે તો આખો સમૂહ મગધેશ્વરના રાજમહાલય તરફ વળ્યો હશે, ચાલ ચાલ !”
માતંગે વિરૂપાને મુક્ત કરી. વિરૂપા હાંકી રહી હતી. પણે વાદ્યોનો સૂર વધતો જતો હતો. બંને જણાં એકદમ તૈયાર થઈ તે તરફ ચાલી નીકળ્યાં.
વરઘોડો મધ્યચોકમાંથી રાજમહાલય તરફ જ ધપતો હતો.
જીવનમાં જવલ્લે જ જોવાનું સદ્ભાગ્ય સાંપડે એવો આ પ્રસંગ હતો. આખોય માર્ગ ફૂલ, અક્ષત ને કંકુમછાંટણાંથી છવાયેલો હતો. ચાલવાનો માર્ગ મહામહેનતે મળી શકે તેમ હતું. વિરૂપા ને માતંગ માર્ગ કરતાં કરતાં આગળ વધ્યાં.
૨થમાં બેઠેલો મેતાર્ય અમરાપુરીના ઇંદ્ર જેવો શોભતો હતો. પાછળ સાત શિબિકાઓમાં આરૂઢ થયેલી, એકને જોઈએ અને એકને ભૂલીએ તેવી સુંદરીઓ ઇંદ્રાણીના રૂપયૌવનને પણ ઝાંખી પાડતી હતી.
રાજમહાલય પાસે મૈતાર્યનો રથ આવીને થોભ્યો. તરત જ છડીદારે ખમા’ સ્વરનો મોટો ઉચ્ચાર કર્યો. મગધરાજ સામેથી મેતાર્યનું સ્વાગત કરવા ચાલ્યા આવતા હતા. ઉત્સવઘેલી પ્રજા પોતાના મહાન રાજવીને આવતા નિહાળી ઘેલી થઈ ગઈ. જોરજોરથી ‘ખમા ખમા' ધ્વનિ થવા લાગ્યો.
મગધરાજની પાછળ મહામંત્રી અભય હતા. એમની પાછળ મગધનાં સંનિધાતા, સમાહર્તા ને દુર્ગપાલ હતા. બાજુમાં મહારાણીઓ પણ આ નગરસુંદર મેતાર્યને વધાવવા આવી હતી.
150 D સંસારસેતુ
મગધરાજને આવતા નિહાળી મેતાર્ય મંદગતિએ રથમાંથી નીચે નમેલા મેતાર્યની પીઠ પર હાથ ફેરવ્યો ને આશીર્વાદ આપ્યા. મહામંત્રી અને બીજા વર્ષે શુભેચ્છાઓ દર્શાવી.
રાણી ચલ્લણાની આગેવાની નીચે આખા અંતઃપુરે સાતે કન્યાઓને નીરખીને ધન્ય ધન્ય શબ્દો ઉચ્ચાર્યા ને ફૂલ-અક્ષતથી વધાવતાં અખંડ સૌભાગ્ય ઇન્યું. વાજિંત્રોના મંદ મંદ પણ મીઠા સ્વરો હવામાં વહેતા હતા. મેતાર્યને પુનઃ રથમાં બેસાડતાં મગધરાજે ધનદત્ત શ્રેષ્ઠીને કહ્યું :
“શ્રેષ્ઠી ધનદત્ત ! આવા પુત્ર તો ભાગ્યશાળીને સાંપડે છે. ખરેખર તમે ધન્ય છો !"
પ્રજાએ મગધરાજના આ શબ્દો પર હર્ષના પોકારો કરી પોતાની પણ સંમતિ જાહેર કરી.
“ધન્ય ધન્ય નગરશ્રેષ્ઠી ધનદત્ત !” ચારે તરફ એક જાતનો ધ્વનિ પથરાઈ રહ્યો. પણ અચાનક વાજિંત્રોના સ્વરને પણ દાબી દેતો એક મેઘગર્જના જેવો અવાજ સંભળાયો. બધા આશ્ચર્યમાં એ તરફ જોઈ રહ્યા.
મેદનીને એક છેડે ઊભેલો કોઈ પડછંદ પુરુષ કંઈ બૂમો પાડતો આગળ ધસવા ઇચ્છતો હતો. કોઈ સ્ત્રી એને અટકાવી રહી હતી, પણ તે નાજુક સ્ત્રીથી ક્યાં સુધી રોક્યો રોકાય ?
એ પુરુષ મોટેથી બૂમો પાડતો મેદનીમાંથી આગળ ધપ્યો. કંઈક તોફાનની આશંકાથી રક્ષકોએ પોતાનાં શસ્ત્ર સંભાળ્યાં. ધનદત્ત શ્રેષ્ઠી મેતાર્યની આગળ આવીને ઊભા રહ્યા. પેલા પુરુષનો સ્વર હવે સ્પષ્ટ સંભળાતો હતો :
“મહારાજ, એ પુત્ર ધનદત્તનો નહિ, પણ મારો છે.”
“અરે, આ કોણ બોલે છે ! જેની ઉપસ્થિતિમાં પૃથ્વીના ચમરબંધીઓ પણ ઊંચો અવાજ કરી શકતા નથી, એવા મગધરાજ ને મહામંત્રીની સમક્ષ જ આવું દુર્વર્તન ચલાવનાર એ બે માથાનો માનવી છે કોણ ?
“અરે, એ તો માતંગ ! રાજ-ઉદ્યાનનો રખેવાળ ! મંત્રોનો રાજા !” માનવમેદનીમાંથી જાતજાતના અવાજો આવવા લાગ્યા.
“મહારાજ ! મુજ માતંગાની ફરિયાદ છે. મેતાર્ય મારો પુત્ર છે !”
“માતંગ, તારું પદ સંભાળ ! પ્રસંગ વિચાર !સોનાની છરી ગમે તેટલી સુંદર હોય તોય ભેટમાં ખોસાય પણ પેટમાં ન નંખાય.” ધનદત્ત શ્રેષ્ઠીના ક્રોધનો પાર નહોતો.
ન
“પદ સંભાળવા જ આવ્યો છું. મેતાર્ય શ્રેષ્ઠીસંતાન નહિ, પણ મેતસંતાન છે : રંગમાં ભંગ – 151