________________
ગયો, ક્ષણવારમાં એમનું મન પણ આલોચના કરવા લાગ્યું કે મારા અને કયૂરમાં કયો તત્ત્વની ખામી છે, કે જેથી લૂંટારો કહેવાય ને હું મહામંત્રી કહેવાઉં ?
મહાઅમાત્ય થોડી વાર ઊંડા વિચારમાં ઉતરી ગયા. બીજી ક્ષણે તેમણે હુકમ કર્યો :
વારુ, સંદેશવાહ કોને કહો કે મગધરાજને ખબર આપે કે રોહિણેય સિવાય બધા લૂંટારાઓ પકડાયા છે, ને બાકી રહેલા એ લૂંટારાને પકડવા મહામંત્રી સ્વયં પોતાના થોડાએક સાથીદારો સાથે આગળ વધ્યા છે.”
સંદેશવાહકો મારતે ઘોડે રાજ ગૃહી તરફ ગયો.
મગધરાજે આ સમાચાર સાંભળી ધન્યતાના શબ્દો ઉચ્ચાર્યા. પ્રજાને પણ પોતાના મહાઅમાત્યની શક્તિ વિશે માન ઊપસ્યું. મગધની સેના કુમાર મેતાર્ય ને માતંગની સાથે લૂંટારાઓને લઈ રાજગૃહીમાં પ્રવેશી.
15
જ્ઞાતપુત્રને ચરણે
પારિજાતકના છોડને ગમે ત્યાંથી ઉપાડી લાવીને વાવો : એ ઊગશે ને ખીલશે ત્યારે તો ગમે તેવો પ્રદેશ ને ગમે તેવું વાતાવરણ હશે, તોપણ એની એ જ સુગંધ વહાવશે. વાતાવરણને મુદિત કરશે ને સશક્ત ધ્રાણેન્દ્રિવાળાની આપોઆપ પ્રશંસા પામી ઊઠશે.
પરમયૌવનના – મહારાજ ચેટકની પુત્રી રાણી ચેલ્લણા માટે પણ એવું જ બન્યું. આર્યાવર્તના એ પરમ સંસ્કારી રાજવીની પુત્રીનું હરણ કર્યું, એ વેળા મગધનાં ઘણાં માનવીઓને લાગ્યું હતું કે ઠીક થયું, રાજા ચેટકની સંસ્કાર-બડોશને ભલી ઠોકર વાગી. પણ એ લાગણી વિશેષ વખત ન જીવી શકી.
રાણી ચેલ્લણાની સુવાસ આપોઆપ અંતઃપુરને મુદિત કરી ઘેરી વળી. ધીરે ધીરે એ સુવાસ અંતઃપુરમાંથી બહાર નીકળી, ને રાજસભા, કર્મચારીઓ ને આમ પ્રજા સુધી પહોંચી. મંત્રીરાજ અભયકુમાર ને અભયકુમારની માતા સુનંદાએ આ પ્રવૃત્તિના વેગમાં સુંદર સહાય કરી.
મગધના વયોવૃદ્ધ નાગરથિક મહાશયનો આશીર્વાદ સાચો પડતો લાગ્યો. બત્રીસ બત્રીસ પુત્રોનાં મૃત્યુને કર્માધીન સ્થિતિ લખી સંતોષ માનનાર શાણી સુલતાને હૈયે પણ રાણી ચેલણાના આ સંસ્કારપરિમલથી પુત્ર-બલિદાનની સફળતાનો ઉલ્લાસ વ્યાપતો ચાલ્યો, સમસ્ત મગધના અંતર-સંસ્કારમાં રાણી ચેલ્લણા જે વી એક સુકોમલ સુંદરી અજાણી રીતે નવી ભાત પૂરી રહી.
આ નવી ભાતમાં અવનવા રંગોની પુરવણી કુમાર મેતાર્યો કરી. એના પુણ્યપ્રવાસમાં સંસ્મરણોએ અનુકુળ વાતાવરણની હવા સર્જી. આ સર્વની સ્થાયી અસર મગધરાજ પર ધીરે ધીરે કાબૂ લેવા માંડી. રાત ને દહાડો બૌદ્ધ સાધુઓના
116 D સંસારસેતુ