Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 76
________________ “એમ વાત ઉડાવશો મા ! વિચાર વિચારમાં અંતર હોય છે. મંત્રીરાજના સદા સ્વસ્થ હૃદયને સતાવી રહેલ વિચાર સ્વાભાવિક કે સામાન્ય ન હોય.” “મેતાર્ય, સાચું છે. મુખ તો માણસના મનનું દર્પણ છે. વિચાર તો બીજો કંઈ નહિ, પણ આ રાજજીવનનો છે. દિવસે દિવસે એમાંથી છૂટવાનો પ્રયાસ કરતો જાઉં છું, તેમ તેમ વધુ ને વધુ એમાં ગૂંથાતો જાઉં છું.” “એટલે તમે રાજગાદીનો ત્યાગ કરવા ઇચ્છો છો ?” મેતાર્ય આશ્ચર્યમગ્ન બની પ્રશ્ન પૂછી રહ્યો. “રાજગાદીના ત્યાગનો નિર્ણય થઈ ચૂકેલો છે.” “મગધનું સામ્રાજ્ય નાનું પડ્યું ?” “નાનું નથી પડ્યું. એ જીવનનો રસ જ મારામાં રહ્યો નથી. ગૃહસ્થાશ્રમનું જીવન ગાળવા જેમ અમુક રસની આવશ્યકતા છે, એમ રાજવી જીવન ગાળવા માટે પણ અમુક રસ અનિવાર્ય છે. મને તો બધું જ નીરસ ભાસે છે. ખાર પર લીંપણ જેવું લાગે છે.” “તો શું કરશો ?" “જ્ઞાતપુત્રના શરણે જઈશ.” “સાધુ થશો ?” મેતાર્ય અત્યંત આશ્ચર્ય અનુભવી રહ્યો. મહાઅમાત્યના જલકમલવત્ જીવનનો અને નિષ્કામ વૃત્તિનો એ પૂરો પરિચિત હતો પણ એ વૃત્તિ આટલી હદે આગળ વધી હશે, એનો એને ખ્યાલ નહોતો. મગધનું આટલું મહામૂલું સામ્રાજ્ય, છતાં શક્તિ-સામર્થ કોણ આ કીર્તિવંત પદને તજવા સ્પપ્ન પણ સેવે ? મહાઅમાત્ય મગધનાથ બને તો આજના લોકપ્રિય મગધનાથને પ્રજા ક્ષણમાત્રમાં ભૂલી જાય, એટલી તો એમની મોહની હતી. “અદ્ભુત ત્યાગ !” મેતાર્યથી એકાએક બોલી જવાયું અને એ ઊંડા વિચારમાં ઊતરી પડ્યો. મહાઅમાત્ય મેતાર્યની પ્રકૃતિ જાણતા હતા. ત્યાગની અત્યંત અભિરુચિ હોવા છતાં ભોગથી ન છટકી શકનારા આ જુવાનની વૃત્તિ તરફ તેમને અત્યંત માન હતું. તેઓએ જરા વધુ નજીક ઘોડો લીધો ને કહ્યું : “મેતાર્ય, એ ત્યાગની વાત આજે મૂકો. તમને ખબર છે, કે મને બેચેન બનાવી રહેલ તો મારી રોહિણેયને પકડવાની પ્રતિજ્ઞા છે. દિવસો વીતતા ચાલ્યા છે, પણ કંઈ થઈ શક્યું નથી." “અદ્ભુત લૂંટારો !” પરગુણપ્રશંસાના સ્વભાવવાળા મેતાર્યે કહ્યું : “મહાઅમાત્ય, જો કે એણે મગધની કીર્તિ સામે બાથ ભીડી એટલે તમને રોષ છે : બાકી સુંદર યુવાન 134 D સંસારસેતુ છે. શૌર્ય સાથે સંસ્કારની સુંદર છાંટ પણ એનામાં છે. તમારા અનુગામી તરીકે...” “પણ વારુ, મેતાર્ય ! તમારાં તો લગ્ન લેવાયાં છે. દેશદેશની અજોડ સૌંદર્યભરી સાત કુમારિકાઓ તમારી સાથે પાણિગ્રહણ કરશે. મગધનાથ વાત કરતા હતા; કે આ ઉત્સવ અત્યંત ભવ્ય થશે. જોજો મેતાર્ય, સાત સાત સૌંદર્યવતીને પામી જીવનના મહાન આદર્શોને વીસરી ન જાઓ ! મહાઅમાત્ય અભયે વાત બદલી. “મહાઅમાત્ય, બહુ મોટી દુવિધામાં છું. એક તરફ તમને જોઉં છું, જ્ઞાતપુત્રને નીરખું છું, મહાસતી ચંદના ને સુલસાને સ્મરું છું : ત્યારે આ બધું ફિક્કું લાગે છે. એમ લાગે છે કે બધુંય નીરસ છે. રસ છે કેવળ ત્યાગ, વૈરાગ્ય ને અર્પણમાં ! પણ ક્ષણવારમાં પડદો હટે છે, ને પેલાં મદભર્યાં નયનો ને માધુર્યની મૂર્તિઓ જોઉં છું, ત્યારે કેફ ચડી જાય છે. જાણે એમ લાગે છે કે આ સુંવાળો સહચાર જ જીવનસર્વસ્વ છે ! એને ન છોડી શકાય ! જીવનની બહાર એમાં છે." “કુમાર, કેટલાક જીવનનું નિર્માણ જ એવું હોય છે, પ્રેરો કે ન પ્રેરો, પણ એ ભોગ તરફ જ ધસવાનું. એવાને ભોગ ભોગવાનું ન કહેતાં વૈરાગ્ય તરફ ખેંચી જવામાં ઘણું જોખમ છે. એવે ટાણે તમને ઊપજતી દુવિધા ઉપયોગી છે. ભોગના કીચડમાંથી એક દહાડો એ યોગ તરફ પ્રેરી જાય છે. કુમાર, હવે મારે જુદા પડવાનો વખત આવી પહોંચ્યો છે. જતાં પહેલાં એક જ વાત કહું છું કે ભોગને પણ મર્યાદા છે, વખત આવ્યે એને પણ છોડી દેજો !'' “મહાઅમાત્ય, ભલે રોજના ગુનેગારને દંડ દેવા આજે સિધાવો, પણ મારા લગ્નમાં અવશ્ય હાજર રહેવું પડશે. એ વિના લગ્નક્રિયા નહીં થાય." “લગ્નક્રિયામાં વિલંબ પણ નહીં પોસાય કુમાર, મહાઅમાત્યને સાથે જ લઈ લો ! ગજરાજ પર આરૂઢ મગધનાથ આ સંવાદ સાંભળી રહ્યા હતા. તેમણે વચમાં કહ્યું. “પણ મહારાજ, મહાઅમાત્ય તો આજ્ઞાધીન છે. મગધનાથની આજ્ઞાની વાર છે.” મેતાર્થે મહાઅમાત્ય કંઈ હા-ના ભણે, તે પહેલાં તેમને યુક્તિથી બાંધી લીધા. “કુમાર મેતાર્યના લગ્ન હોય એ વેળા હાજર રહેવાનાં વગર કહ્યે જ આજ્ઞા કે આમંત્રણ માનવાનાં. મગધના રક્ષકોના બાહુ મજબૂત હશે, તો રોહિણેય જેવો જગનો ચોરટો શું પાતાળમાં જઈને છુપાશે ?” “બેની વાતચીતમાં ત્રીજો માથું ન મારી શકે એવી ઠીક ચાતુરી વાપરો છો ! પણ કુમાર ! ગુનેગારને જેટલી મોડી શિક્ષા થાય તેટલી પ્રજાને પોતાની વિશેષ નિરાધારતા ભાસે. રાજ્યો શક્તિ પર નિર્ભર છે. જેની દંડશક્તિ જેટલી પ્રબળ એટલી એની પ્રજા નિર્ભય.” “મગધની પ્રજાને મગધપતિ કે મગધના મંત્રીને હવે નવે નામે નથી મૂલવવાના ! મોહપાશ – 135

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122