Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 22
________________ ત્યારે તો ફૂલની જેમ બાળકની સંભાળ થશે !” વિરૂપાના મુખ પર અવર્ણનીય આનંદની સુરખી ઊભરાઈ રહી હતી. “સાત ખોટના દીકરા માટે તો એવી જ સંભાળ શોભે ને ! વિરૂપા, અમાપ સંપત્તિના એકમાત્ર અધિકારીને માટે આ કંઈ વધુ નથી. પણ, હા ! આ બીજી બીજી બાબતોમાં ખરી વાત કહેવી તો ભૂલી જ ગઈ. અલી, બારમે દિવસે તો મોટી ધમાલ મચી, નામસંસ્કરણનો દિવસ એટલે સવારથી જ્ઞાતિજનો, સ્વજનો, મિત્રો અને આત્મીયોથી ઘર ઊભરાઈ રહ્યું હતું. મોટા મોટા જોશી પણ આવ્યા હતા. જોશીઓએ જોશ જોયા અને નક્ષત્ર, રાશિ ને કારણનો મેળ મેળવ્યો. તેઓ તો નાચી ઊઠ્યો ને બોલ્યા : “શ્રેષ્ઠીવર્ય, આ બાળક મહાન પદવીને પામશે. ધર્મ, અર્થ અને કામને પ્રાપ્ત કરી, સંપૂર્ણ રીતે એ ત્રણે પદને ભોગવીને અંતે માનવજીવનના અંતિમ પુરુષાર્થ મોક્ષને પણ સાધશે. એની નામના દિગદિગન્તમાં વ્યાપશે. એનું નામ...” પણ તેઓ કંઈ પણ નામવિધિ કરે તે પહેલાં જ પાસે બાળકને લઈને ઊભેલી એક ધાત્રી બોલી ઊઠી : જોશીજી મહારાજ ! એનું નામ રખે પાડતા ! એની રાશિ પણ જોશો મા ! શેઠાણીબાએ કહેવરાવ્યું છે કે હમણાં નામ નથી પડવાનું. થોડા વખત પછી કોઈ શૂદ્ર કે મેત પાસે પડાવવા વિચાર છે. આટઆટલાં સંતાન પછીય અછતની અછત રહી; એમાં ખોળાનો ખુંદનાર માંડ આ એક આવ્યો, તો આત્યારે નામ પાડવાની ઉતાવળ શી ?” “બિચારા જોશી મહારાજને નકામા ઝાંખા પાડ્યા !” વિરૂ પાએ વચ્ચે ટીકા કરી. ના પાડે તો શું કરે ? એ તો તારા નામની માળા લઈ બેઠા છે. કહે છે, નામકરણ તો વિરૂપા પાસે જ કરાવવું છે. આજ સવારમાં ઊઠતાં વેંત જ તને બોલાવવા મને મોકલી છે.” નામ નહોતું પાડવાનાં ને ?” એ તો બહાનું. પણ હવે જલદી ચાલ. વાતમાં ને વાતમાં બહુ મોડું થઈ ગયું. શેઠાણીબા તારી રાહ જોઈને બેઠાં છે. અને મેં અહીં મારું પારાયણ ચલાવ્યું ! આજ નક્કી ઠપકો મળશે.” બાળકને જોવાની અદમ્ય લાલસા દિલમાં ઘોળાતી જ હતી. એમાં અચાનક આવો અણધાર્યો પ્રસંગ પ્રાપ્ત થયેલો જોઈ વિરૂપા એકદમ લાગણીવશ બની ગઈ. ધીરે હાથે કેશ સમારી, ઉત્તરીય બદલી એ નંદાની પાછળ ચાલી નીકળી. એના હૃદયમાં આજે લાગણીનું એક અજબ તોફાન જાગ્યું હતું. બંને ધનદત્ત શેઠની હવેલી નજીક આવ્યાં ત્યારે અંદરથી મંગળગીતોના સ્વરો 26 1 સંસારસેતુ આવી રહ્યા હતા. સોને રસેલી દીવાલોને પુષ્પમાળા, ગજરા વગેરેથી શણગારી હતી. સુગંધી ધૂપદાનીઓમાંથી પ્રસરતો સુગંધી ધૂમ આખા વાતાવરણને મઘમઘાવી રહ્યો હતો. પરિચારકો, ગાયકો ને વાદકો આડા-અવળા ફરતા જોવાતા હતા. ગૃહાંગણમાં સુંદર રંગોળીઓ પૂરી હતી. ઘરનાં પશુઓને પણ શણગાર્યા હતાં. બધે આનંદની લહેરો વાઈ રહી હતી, પણ સહુનાં દિલને એક વાત અણછાજતી ભાસતી હતી : ‘વિપુલ સંપત્તિના ધણી ધનદત્ત શેઠના પુત્રનું નામ પાડનાર એક મેત !" બટકબોલી નંદા સાથેની વાતમાં વિરૂપાને આવતાં સહેજ વિલંબ થયો. બધા સ્નેહીઓ જાતજાતનો ગણગણાટ કરી ઊડ્યાં, પણ શેઠાણી મક્કમ હતાં. અને શેઠ હવે કોઈ પણ રીતે શેઠાણીને દુભાવવાની મનોભાવનાવાળા નહોતા. આખરે વિરૂપા દેખાણી. નંદાની પાછળ એ ધીરે ધીરે ચાલી આવતી હતી. દૂરથી જોનારનાં નેત્રોનેય નાથી લે એવો કેશકલાપ, લીંબુની ફાડ જેવાં કાળાભમ્મર નયન, મજબૂત ને સ્નાયુબદ્ધ અંગ-પ્રત્યંગ, સુરેખ નાસિકા વિરૂપાના દેહદર્શને એકવાર બધાંનાં દિલમાંથી નીચ-ઊંચની ભાવના ભુલાવી દીધી. એણે સાદું એવું ઉત્તરીય પહેર્યું હતું, પણ જાણે એ એના અંગો સાથે એકમેળ થઈ ગયું હતું. એનાં ભરાવદાર સ્તનોને સંતાડતું વસ્ત્ર કીમતી નહોતું; પણ જોનારને જાણે કાવ્યની કોઈ શૃંગારપંક્તિઓ ત્યાં શોભતી હોય તેમ લાગતું હતું. જોઈને વિરૂપાને ! લાગે છે ને મારા-તમારા જેવી ?” શેઠાણીથી ન રહેવાયું. “નીચને નખરાં ઝાઝાં !” એક વૃદ્ધ સ્ત્રીએ ઈર્ષાભરી મનોભાવનાનો પડઘો પાડ્યો. કોણ નીચ, કોણ ઊંચ ! જે હલકાં કરમ કરે તે નીચ ને સારાં કરે તે ઊંચ. સહુ પોતપોતાનાં કરમાકરમનો સરવાળો કરે તો સહુ આપમેળે સમજી શકે કે કોણ ઊંચ છે ને કોણ નીચ છે !!” શેઠાણી પણ આજે ચૂપ રહેવા માંગતાં ન હતાં. આ વાત કદાચ ચર્ચાનું ચોગાન બની જાત, કારણ કે આવા વાયરા આજ કાલ ઘેર ઘેર વાતા હતા; કેટલીકવાર તો એ રણમેદાનનું રૂપ ધરી લેતા, પણ વિરૂપા નજીક આવી પહોંચી હતી. એ થોડે દૂર ઊભી રહીને કુશળ પૂછવા લાગી. સુરૂપા, નજીક આવ !” શેઠાણીએ પ્રેમથી કહ્યું. એ અવાજમાં કોઈક અનેરી મમતા ભરી હતી. સ્વજનોને આ મમતા ન રુચી. “ના, બા, હું નજીક નહિ આવું, નજર લાગે.” તારી નજર લાગે માટે જ તને બોલાવી છે. તારી નજર બરાબર લગાડજે !” વિરૂપા સંકોચાતી, સંકોચાતી નજીક આવી. આટલાં સ્ત્રીપુરુષો વચ્ચે એ આવી પરભૂતિકા 27

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122