________________
અરે, આટઆટલાં મોટાં રાજ કુળો ને શ્રેષ્ઠી કુળો તરછોડી, મહારાજા શતાનિક ને મહારાણી મૃગાવતીની વિનંતીને ઠોકર મારી, એક હીન, દીન તરછોડાયેલી પેલી દાસીના હાથના બાકળા સ્વીકારવામાં શું મહત્ત્વ ! અરે, એ દાસીને તો નીરખો ! માથું મૂડાવેલું છે, પગે બેડીઓ પડેલી છે ! ક્ષુધા-તૃષાએ મોં પર કેવી ગ્લાનિ ફેલાવેલી છે ! બિચારીને કેટકેટલે દિવસે આટલા બાકળા ખાવા મળ્યા હશે ! એ બાળ કમાંથી ભાગ પડાવીને શું સાધ્યું ! ક્યો ધર્મ ને કઈ સાધુતા દર્શાવી ! અરે, એની આંખોમાંથી વહેતાં આંસુ હજી પણ સુકાયાં નથી !
જ્ઞાતપુત્ર પાછા ફરતા હતા. પેલી દાસી જેનું નામ ચંદના હતું. એ હવે રડતી નહોતી, હસી રહી હતી. જ્ઞાતપુત્રે એ હાસ્ય સામે એક આછું સ્મિત કર્યું. એ સ્મિતમાં તપસ્વીની દંતપંક્તિઓ ચમકી રહી, જાણે હજાર હજાર હીરાઓનું તેજ નિર્માલ્ય બન્યું ! આટઆટલાં મણિમુક્તા, આટઆટલાં ભેટોપહાર નિરર્થક બન્યાં ! અને કરપાત્રમાં રહેલા બાકળા જાણે કૌશાંબીની તમામ રસવતીને ફિક્કી પાડવા લાગ્યા.
વિવેક ધર્મના ઉપાસકે આટઆટલી અવમાનના કૌશાંબીને માથે શા માટે લાદી ? જગતે જાણશે ત્યારે શું કહેશે ? કૌશાંબીના એકે ઊજળા કુળમાં ભાવના ને ભક્તિનો અંશ જ નહીં હોય ?
જ્ઞાતપુત્ર પુનઃ નીચી નજરે સ્વસ્થાન તરફ પાછા ફરતા હતા. સ્વસ્થ પગલે ને સ્કૂર્તિદાયી ચાલે ચાલતાં ચાલતાં એમણે બેએક વેળા ચારે બાજુ જોયું.
રે ! દૃષ્ટિમાં કેવી સ્વસ્થતા ! કેટલી મોહની ! કેવું તપોબળ ! કુમાર મેતાર્ય ભક્તિભાવભર્યા વદને એ પુરુષ પુંગવને જતા નિહાળી રહ્યો. આજની એની સૃષ્ટિમાં જાણે લક્ષ્મી, દ્રવ્ય, સત્તા, ડહાપણ, વિદ્વત્તા બધું ઓસરી ગયું હતું; અને દિલમાંથી કોઈ અનાહત નાદ જાગી રહ્યો હતો કે આ બધું ખોટું ! આ બધો મિથ્યાભાસ ! દુન્યવી દૃષ્ટિ સિવાય એની કશી કિંમત નહીં !
મેતાર્યની દૃષ્ટિ ધીરે ધીરે દૃષ્ટિપથની બહાર જતી એ તેજમૂર્તિ પર વળગી રહી, પ્રકાશનું એક વર્તુળ યોગીના દેહની આસપાસ ઘૂમી રહ્યું હતું. અલંકારહીન. વસ્ત્રવિભૂષણહીન એ મૂર્તિ જાણે શરીરસૌષ્ઠવનો નમૂનો લાગતી હતી. અસ્થિ, ચર્મ, મજ્જા, માંસમય એ દેહ હતો કે પ્રકાશનો સાકાર દેહધારી પુંજ હતો ! એનો નિર્ણય કરવો સામાન્ય જન માટે અશક્ય હતો.
પાર્શ્વનાથ સંપ્રદાયના અનેક સાધુઓનો પરિચય એ પામ્યો હતો. જ્ઞાતપુત્રના પૂજક ને પ્રશંસક શ્રમણોને પણ એ મળ્યો હતો. જન્મજાત ઉચ્ચ-નીચતાને ધિક્કારનારા શ્રમણોના ઉપદેશો તરફ એને ભાવ હતો. એમનાં તપ, ત્યાગ ને નિસ્પૃહતાથી એ પૂરો પરિચિત હતો : ઘણાના વ્યક્તિત્વથી એ અંજાયો હતો, કેટલાયને એણે પૂજ્યા, માન્યા ને સત્કાર્યા હતા : પણ વગર પરિચયે કેવલ દર્શનમાત્રથી માનવીની બાહ્ય
102 D સંસારસેતુ
ચેતના મૂછિત થઈ જાય એવું વ્યક્તિત્વ તો એ આજે જ નીરખવા પામ્યો હતો.
- આ વ્યક્તિનો સ્પર્શ પામી તુ પણ જાણે ખુશનુમા બની બેઠી હતી. બન્ને પહોર વીતી ગયા હતા. તોય જાણે કોયલ ટહુકા કરતી હતી; વૃક્ષો મંજરીઓ વેરતાં હતાં, અને દ્વાર દ્વાર પર વાતો વાયુ જાણે નવીન સંદેશા લાવતો હતો.
અરે ! અન્યની શી વાત ! અજાણી, થોડે દ્રવ્ય ખરીદાયેલી પેલી દાસીની દશા નીરખવા જેવી હતી. એના નાના અધર પરની સુકાયેલી લાલી ફરીથી ઝળકી ઊઠી હતી. સિવાયેલી એની જીભ કંઈક મિષ્ટ સંગીત ગાઈ રહી હતી. દુ:ખમાં સુખનું સંગીત ! ધરતી ને મેઘના મિલનનું સંગીત ! રે મેઘ ! મેલી ધરતીના સ્પર્શે તું થોડો મેલો થયો હોઈશ. પણ ધરતી કેવી પવિત્ર થઈ !
દાસી ચંદના ?” રાજા શતાનિકે એને બોલાવી.
એ ઘેલી બાળકી બધી સુધબુધ વીસરી ગઈ હતી. એ તો અંતરીક્ષમાં કંઈ જોતી મિષ્ટ સ્વરે ગણગણતી જ રહી.
મહારાજ ! ચંદના મારી દાસી છે. કૌશાંબીના બજારમાંથી મેં ખરીદી છે. એક સુભટ એને તાજેતરના ચંપાનગરીના યુદ્ધમાંથી લૂંટના માલ તરીકે ઉપાડી લાવ્યો હતો.”
- “સ્ત્રી લૂંટની-વેચાણની એક વસ્તુ ! આર્યોનું આ કલંક ક્યારે ધોવાશે ?” મેતાર્ય વચ્ચે બોલી ઊઠ્યો. ચંદના એને મન અત્યારે મહાન ભાગ્યશાળી પવિત્ર નારી બની ગઈ હતી.
હા, દાસદાસીઓનાં વેચાણ ક્યાં નવાં છે ? એ તો શાસ્ત્રસિદ્ધ છે. પુરાણપવિત્ર છે, હિરણ્ય, મણિ, માણેકની જેમ દાસદાસી પણ પરિગ્રહ જ છે ને ? અને યુદ્ધ ચાલુ હોય ત્યાં સુધી એ પરિગ્રહની ખોટ નહીં પડવાની. આજ તો મોટાં દાસબજારો ચાલી રહ્યાં છે.”
“પશુની જેમ સ્ત્રી એ વેચાણની વસ્તુ ! એને માન-સ્વમાન, સુખદુ:ખ કશું જ નહિ ? સ્ત્રી તો માતાની જાત !” મેતાર્યના શબ્દોમાં વેધક ટંકાર હતો. મહારાજા શતાનિકના દિલમાં નવું તોફાન જાગતું હતું, એ વિચારતા હતા :
“મારા વિજયની સુંદર તેજસ્વી છાયા નીચે કેટકેટલાં સ્ત્રી-પુરુષ ગુલામ બન્યાં હશે ! કેટકેટલાં ભૂખે મર્યો હશે ! બળાત્કારને આધીન થયાં હશે ! એક યુદ્ધ એટલે શું ? સબળને નિર્બળ પર અત્યાચાર-અનાચાર ગુજારવાનો હક, વેરની ભયંકર ખાઈમાં હજારો કીમતી પ્રાણનું બલિદાન. આ ઘૂરકાધૂરકી ક્યારે શમે ? વેરની આ પરંપરા શું વેર લેવાથી શમશે ? કાલે ચંપાની હિણાયેલી પ્રજા મારી પર તક મળે તો જુલમ ગુજારવામાં શું મણા રાખે ?”
ધરતી અને મેઘ 1 103