________________
દેહ અને આત્મા (અજીવ-જીવ)નું ભેદજ્ઞાન કરાવવું ખૂબ જ અનિવાર્ય છે. એકવાર આત્માનું ભેદ વિજ્ઞાન સમજાઈ જશે પછી તેના માટે મુક્તિના ઉપાયરૂપ ધ્યાન સહજ છે અને ધ્યાનનું ફળ જ મુક્તિ છે.
પૂ. આચાર્ય ગુરુદેવે આપણા ઉપર અસીમ કૃપા કરી આ ગહનમાં ગહન વિષયને ખૂબ જ સરળતાથી સમજાવી આત્મા અને દેહને છૂટા પાડવાની પ્રક્રિયાને એટલી સહજ રીતે વિવિધ પાસાઓ દ્વારા સમજાવેલ છે કે આપણા જેવા અતિ અલ્પમતિવાળાને પણ આ ભેદવિજ્ઞાન સમજતા વાર ન લાગે અને સ્પષ્ટ રીતે અરીસાની માફક “દેહ એ જ આત્મા છું” તેવો અનાદિથી થયેલો ભ્રમ ભાંગી જશે અને “દેહથી ભિન્ન એવો આત્મા છું” તેની પ્રતિતી થશે. ક્રોડો ભવે પણ આ દેહ અને આત્માનો ભેદ થવો દુષ્કર હતો તે વાતની સમજણ પૂ. ગુરુદેવની જ્ઞાનગર્ભિત, વૈરાગ્યદક્ષ તથા સરળ શૈલીમાં થયેલ વાંચનાથી થઈ શકે છે તેમાં બિલકુલ શંકા નથી. એકવાર આ ભેદવિજ્ઞાન જીવનમાં ઉતરી જાય તો મોક્ષમાર્ગ સરળ બની રહેશે.
આ નવતત્ત્વની ગ્રંથમાળાના બીજા મણકારૂપ અજીવતત્ત્વ ગ્રંથ જિજ્ઞાસુ વર્ગને જિવાદિ નવ તત્ત્વને ખૂબ જ ઊંડાણથી અને વિશેષ વિસ્તારપૂર્વક સમજવામાં અતિ ઉપયોગી નિવડશે તેવી આશા છે. આ પુસ્તક થકી મુમુક્ષુ આત્માઓ મોક્ષમાર્ગ પર સહેલાઈથી પ્રયાણ કરે તેવી જ શુભભાવના.
આ પુસ્તક તૈયાર કરવામાં મહત્વનો ફાળો આપનાર મુનિ શ્રી ઈન્દ્રશેખર વિજયજી મ.સા. તેમજ સાધ્વીશ્રી કેવલ્યરત્નાશ્રીજી તેમજ રાજકોટવાળા કમલેશભાઈ દામાણી તથા નિતીનભાઈ ચોકસી આદિ ઘણા મહાનુભાવોની સહાયને અમે ભૂલી શકતા નથી.
અમારો પ્રયત્ન પુસ્તક મુદ્રણકાર્યમાં ક્ષતિરહિત છપાવાનો હોવા છતાં કોઈપણ ક્ષતિ રહી ગઈ હોય તો જાણ કરશો જેથી ભવિષ્યમાં તે દૂર કરી શકાય.
-YSIQIS