________________
ભાષાવિજ્ઞાન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર, ડૉ. રાટર્નરના માર્ગદર્શન હેઠળ મુનિશ્રી જિનવિજયજીએ સૂચવેલા તરુણપ્રભસૂરિ ત ષડાવશ્યક બાલાવબોધ વૃત્તિના વિષય પર સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરનાર, પ્રાકૃત ભાષા, ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન તથા ‘વ્યાકરણ : અર્થ અને આકાર' જેવા ગ્રંથો આપનાર ડૉ. પ્રબોધ પંડિતનું મૂલ્યવાન યોગદાન તો અનિવાર્યપણે આપણે સ્વીકારવું જ રહ્યું.
એવા જ મોટા ગજાના ભાષાવિદ્ વિવેચક, સંપાદક અને ગુજરાતી ભાષા - વ્યાકરણના ઊંડા અભ્યાસી, વિદ્વાન અધ્યાપક જયંત કોઠારી હતા જેમણે ‘ભારતીય કાવ્યસિદ્ધાંત', પ્લેટો –એરિસ્ટોટલની કાવ્યવિચારણા' જેવા ભારતીય સાહિત્યમીમાંસાના ગ્રંથો; ‘ઉપક્રમ', “અનુક્રમ', 'વિવેચનનું વિવેચન', મધ્યકાલીન સાહિત્યમાં જૈનોનું પ્રદાન, જયવંતસૂરિ કૃત “શૃંગારમંજરી', “સાહિત્યિક તથ્યોની માવજત', અને “સંદર્ભ' જેવા વિવેચન સંગ્રહો; “જૈન ગૂર્જર કવિઓ', “આરામશોભા રાસમાળા' જેવાં સંપાદનો અને વ્યાકરણ સંદર્ભગ્રંથ તરીકે સર્વસ્વીકૃત બનેલું પુસ્તક “ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ' લખીને વ્યાકરણના અભ્યાસીઓની અને ભાષાસાહિત્યની ઘણી મોટી સેવા કરી છે.
૧૯મી અને ૨૦મી સદીના સર્જકો, સંશોધકો અને ચરિત્રલેખકોનાં નામ યાદ કરીએ તો કેટલાય નાના-મોટા વિદ્વાનોએ ઓછા-વધતા પ્રમાણમાં લેખનકાર્ય કર્યું જ છે. એમાંના કેટલાકનો નામોલ્લેખ કરવો હું અનિવાર્ય સમજું છું. એમાં પંડિત લાલન, સુશીલ (ભીમજી હરજીવન પારેખ), પ્રભુદાસ બેચરદાસ પારેખ, પંડિત ટોડરમલજી, ડૉ. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ, ડૉ. એ. એન. ઉપાધ્ય, પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહ, અમૃતલાલ સવચંદ ગોપાણી, તપસ્વી નાન્દી વગેરે છે. આ સિવાય પણ જૈનસાહિત્યક્ષેત્રે યથાશક્તિ પ્રદાન કરનાર ઘણા અભ્યાસીઓ છે જેમણે સાહિત્યના કોઈ ને કોઈ ક્ષેત્રમાં પોતાની વિદ્વત્તાનો પરિચય કરાવ્યો હોય. જૈન શાસ્ત્રોના અને શબ્દના સૌ ઉપાસકોના પ્રદાનના મૂલ્યને સ્વીકારીને, જૈન યુવક સંઘના આ ૨૨મા સમારોહની ઉપલબ્ધિને અહીં અંકે કરી લઈએ. અસ્તુ.
સુધા નિરંજન પંડ્યા સી/, ડૉ. સી. એસ. પટેલ એન્કલેવ
૩, પ્રતાપગંજ વડોદરા-૩૯૦૦૦ર સંપર્ક : ૯૪૨૭૫૩૯૨૭૯