________________
(૧૦)
ભગવાન મહાવીરે ધર્મનું શાસન ચલાવવા માટે ચતુવિધિ સંઘની સ્થાપના કરી. એમણે સંઘને તીર્થ જેટલું કે તીર્થકર જેટલું ગૌરવ આપ્યું, એટલે ખુદ ભગવાન સમવસરણમાં દેશના આપે ત્યારે “નમો સંઘમ્સ', “નમો તીથ્થસ્સ” કહીને, સંઘને નમસ્કાર કરીને પછી પોતાની દેશના ચાલુ કરે છે.
જૈન ધર્મમાં ચતુવિધિ સંઘનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું કે જેથી આ શાસન લેખિત બંધારણ વગર અઢી હજાર વર્ષથી અખંડ ચાલ્યું આવ્યું છે, એનું મહત્ત્વનું કારણ એ છે કે એક બાજુ સાધુ-સાધ્વી અને બીજી બાજુ શ્રાવક-શ્રાવિકા એ બન્નેને પરસ્પરાવલંબી બનાવ્યાં છે. ઉપદેશ, માર્ગદર્શન ઇત્યાદિ માટે શ્રાવક-શ્રાવિકા સાધુ-સાધ્વી પાસે જાય છે અને આહાર, નિવાસ ઇત્યાદિ માટે સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા પાસે જાય છે, એટલા માટે શ્રાવકશ્રાવિકાને સાધુ-સાધ્વીનાં માતાપિતા–અમ્માપિયા કહેવામાં આવ્યા છે. સાધુ-સાધ્વી માટે વિહાર અને ગોચરીના નિયમો બનાવવામાં આવ્યા છે. સાધુ-સાધ્વી માટે આશ્રયસ્થાન અને ગોચરીની વ્યવસ્થા કરવાની જવાબદારી શ્રાવકોના સંઘની છે. એક દિવસ પણ કોઈ સાધુ કે સાધ્વીને આહાર ન મળે અને ભૂખ્યા રહેવું પડે (ઉપવાસની વાત જુદી છે.) તો તે માટે દોષ તે તે સંઘને એટલે કે શ્રાવક-શ્રાવિકાને લાગે. દુકાળના વખતમાં પણ સંઘોએ આ નિયમ સાચવ્યો છે.
આમ વણલખ્યા બંધારણ (Unwriten constitution) અનુસાર અઢી હજાર વર્ષથી મહાવીર ભગવાનનું શાસન ચાલ્યા કરે છે અને ચાલ્યા કરશે.
ભાઈ શ્રી નંદલાલ દેવલુકે આ ગ્રંથનું ચાર મોટા વિભાગમાં આયોજન કર્યું છે. (૧) જિનશાસનના આધારસ્તંભો, (૨) જિનશાસનની આધારશિલા, (૩) જિનભક્તિ પરાયણ શ્રાવકો અને (૪) જૈન પરંપરામાં શ્રાવિકાઓ. આ વિષયોમાં ભાઈ નંદલાલભાઈએ અગાઉ કેટલુંક કાર્ય કર્યું છે. આ ગ્રંથમાં એ ચાર વિશે એકજ સ્થળે સવિગત માહિતી આપી છે. આ રીતે એક જ ગ્રંથમાં જિનશાસનની મહદ્ અંશે માહિતી સંકલિત કરવામાં આવી છે. (આ માહિતી મુખ્યત્વે શ્વેતામ્બર મૂર્તિપૂજક સમુદાયની છે. અન્ય સમુદાય માટે આવો જ બીજો દળદાર ગ્રંથ જોઈએ.)
આ ચાર વિભાગોમાં પ્રતાપી પૂર્વાચાર્યો, વ્યાકરણ વિદ્યાવારિધિઓ, ચૌદ પૂર્વના પારગામી, સૂરિમંત્રના વિશિષ્ટ આરાધકો, યોગ અને ન્યાય ગ્રંથના રચનાકારો, પદર્શનના જ્ઞાતાઓ, અવધૂત યોગીઓ, શ્રમણીરત્નો, આર્યાનો, સમતામૂર્તિ સાધ્વીઓ, મહાવીરશાસનના દશ શ્રાવકો, ધર્મસંસ્કૃતિના રક્ષકો, નવકારમંત્રના આરાધકો, શાસનના દાનેશ્વરી જૈન અગ્રેસરો, તીર્થકરોની માતાઓ, સેવા-સંયમની મૂર્તિઓ, દાનગંગા વહાવનાર શ્રાવિકાઓ, શ્રાવિકારત્નો વગેરે ઘણા બધા વિભાગોમાં આ માહિતી આપવામાં આવી છે. આ બધા વિભાગો પરસ્પર ભિન્ન (Mutually Exclusive) નથી. એમ થઈ પણ ન શકે, કારણ કે એક વ્યક્તિ સૂરિમંત્રના આરાધક હોય અને સાહિત્ય સર્જક પણ હોય. અલબત્ત કોઈક નામો રહી પણ ગયાં હશે, પરંતુ આ ગ્રંથ વાંચતાં એમની પોતાની જાણકારી કેટલી બધી છે એ જોઈ આશ્ચર્ય થાય છે! એ માટે એમને ધન્યવાદ ઘટે છે. શ્રી દેવલુકે આ બધી માહિતી ઠેઠ વર્તમાન કાળ સુધી સમાવી લીધી છે. આ | શ્રી નંદલાલ દેવલુકનો આ ગ્રંથ સામાન્ય વાચકો અને વિદ્વાનો સર્વને ઉપયોગી એવી માહિતીનો ભંડાર છે. એ એક આકર ગ્રંથ છે, એક મૂલ્યવાન સંદર્ભગ્રંથ છે. આ ગ્રંથમાં જૈન શાસનના ચતુર્વિધ સંઘની તેજસ્વી પરંપરાનો માહિતીસભર આલેખ છે. એની રૂપરેખા એક સુપરફાસ્ટ ટ્રેન જેવી છે, જેમાં મહત્ત્વનાં સ્ટેશનો આવે છે. પેસેન્જર ટ્રેનનાં સ્ટેશનો જેવાં કેટલાંયે ચરિત્રો અહીં જોવા નહીં મળે, એની અપેક્ષા પણ નથી.
આવા દળદાર, માહિતીપૂર્ણ, બહુમૂલ્ય ગ્રંથને હું આવકારું છું અને ભાઈશ્રી નંદલાલ દેવલુકની ચાલીસ વર્ષની આ ક્ષેત્રની તપશ્ચર્યાને ભાવપૂર્વક બિરદાવું છું. મુલુંડ, મુંબઈ
રમણલાલ ચી. શાહ અષાઢી એકાદશી, વિ.સં. ૨૦૬૧
તંત્રી-પ્રબુદ્ધજીવન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org