Book Title: Anahadani Arti Author(s): Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 9
________________ અધ્યાતમનું બંધારણ કરી શકે ? મારે ભગવાન બનવાનું છે તે સપનું થયું. મારી પાસે ભગવાન બનવાની યોગ્યતા છે. આ શક્તિ થઈ. બંને ઊંચાં. યોગ્યતા ભગવાન બનવાની છે અને સપનું શ્રીમંત બનવાનું છે તો શક્તિ ઊંચી ખરી પણ સપનું નીચું રહ્યું. યોગ્યતા સાધુ થવાની છે અને સપનું દુકાન બોલવાનું છે તો શક્તિ ઊંચી અને સપનું નીચું. યોગ્યતા બારવ્રતધારી બનવાની છે અને સપનું વિદેશ ફરવા જવાનું છે તો એ જ ઘાટ, શક્તિ ઊંચી, સપનું નીચું. બંનેનો સાંધો બેસાડવો ઘટે. સપનું શક્તિને અન્યાય કરતું હોય તેમાં આપણે કેવળ ગુમાવતા રહેવું પડશે તે નક્કી સમજવું. શક્તિને અનુરૂપ સપનું જોવું. એ સપનાને અનુરૂપ લક્ષ્ય ઘડવા. એ લક્ષ્યને અનુરૂપ આચરણ કરવું. આ જ પ્રગતિનો ક્રમ. મંત્રીશ્વર વસ્તુપાળે સ્ટીફન કૉવીનો જનમ થયો તેનાં સેંકડો વરસો પહેલાં પોતાની જાત માટેનું એક બંધારણ ઘડી લીધું હતું. કોવીનો સિદ્ધાંત પણ સમજવા જેવો છે. આપણે પોતાની માટે ઘડેલું બંધારણ રાખી મૂકવાનું નથી. તે રોજેરોજ વાંચવાનું છે. તેના આધારે રોજેરોજ ગઈકાલ અને આવતીકાલને સરખાવતા રહેવાની છે. બંધારણ એ રોજિંદું આહ્વાન છે. સવારે ઊઠીને વાંચવું. રાત્રે સૂતાં પહેલાં વાંચવું. બંધારણની ભાષા માવજતથી ઘડવી. શક્તિ, સપનાં અને સર્જનનો ત્રિકોણ બંધારણમાં આલેખેલો હોય. વાંચીએ ને નશો ચડે, વાંચીએ તેમ નવો ઉમંગ જાગે. લાંબું મનોમંથન અને ઊંડું આત્મનિરીક્ષણ કર્યા પછી જ બંધારણ ઘડી શકાય. એક વખત તમે તમારી જાતનું બંધારણ ઘડી લીધું પછી તમે જિંદગીના રાજા છો. મંત્રીશ્વર માંગે છે તે આત્મનિવેદન છે. પોતાનું સર્જન, પોતાનું સપનું અને પોતાની શક્તિ અરસપરસને પોષતાં રહે તેવી એમની માંગણી છે. આત્મા માટેની માંગણી છે. આત્મા તરીકેની માંગણી છે. સાત મુદ્દા છે. પહેલો મુદ્દો : શાસ્ત્રનો અભ્યાસ. બીજો મુદ્દો : ભગવાનને વાસ્તવિક નમસ્કાર. ત્રીજો મુદ્દો : સજ્જનોનો સમાગમ. ચોથો મુદ્દો : ગુણવાન જનોની પ્રશંસા. અનહદની આરતી પાંચમો મુદ્દો : દોષવાન જનોના દોષો માટે સંપૂર્ણ મૌન. છઠ્ઠો મુદ્દો : વાણીમાં મધુરતા અને સચ્ચાઈનો સુમેળ. સાતમો મુદ્દો : આત્મતત્ત્વનો વિચાર. આ સાત વાનાં માંગ્યાં. પણ માંગતાં પહેલાં આ સાત જ માંગવા છે તેની વિચારણા લાંબો સમય ચાલી છે. દરેક માંગણી પોતપોતાની રીતે પરિષ્કૃત છે. તારવેલું નવનીત માંગ્યું છે. દરેક મુદો અનન્ય સાધારણ છે. મંત્રીશ્વર માંગે છે : પ્રભુ, મારે તમારા શબ્દો સમજવા છે. તમારી વાણીનાં રહસ્યો મારે પામવાં છે. જિનશાસનના અઢળક શાસ્ત્રો અને ગ્રંથોનો મારે અભ્યાસ કરવો છે. સતત નવું ભણવું છે. સૂત્ર ગોખું, અર્થ સમજું, પરમાર્થ પામે તેવી તમન્ના છે. આજે જેટલાં શાસ્ત્રો ઉપલબ્ધ છે તે મારે સાંભળવાં છે, વાંચવા છે. ગૃહસ્થજીવનમાં વાંચી શકાય તે શાસ્ત્રો ગુરુનિશ્રાએ વાંચવાં છે. સાધુજીવનમાં જ વાંચવા મળે તે શાસ્ત્રો સાધુ બનીને ગુરુમુખે પામવા છે ને વાંચવાં છે. શાસ્ત્રો તમારી વાણી છે. શાસ્ત્રો તમારા સાધુની આંખ છે. મારાં જીવનમાં સતત શાસ્ત્રનો અભ્યાસ ચાલે, સ્વાધ્યાયની સરવાણી અખૂટ વહે તેવી કૃપા કરજો . મંત્રીશ્વર માંગે છે : પ્રભુ, મારે તમને વંદવા છે. પગે પડું ને પૂજા કરું તે વંદના છે. તમારા શબ્દો દ્વારા જીવનમાં સુધારો લાવતો રહું તે સાચી વંદના છે. તમને સાચાં રૂપે ઓળખવા છે. તમારી આરાધનાના તમામ મારગની ઓળખ પામવી છે. તમને મારા બનાવવા માટે મારે તમારા બનવું છે. મને તમારા વગર ચેન ના વળે તેવું પાગલપન ખપે છે. તમારા ધર્મ પાછળ મરી ખૂટવાનો રોમાંચ મને ખપે છે. તમારા શબ્દોનું મારા જીવનમાં અવતરણ થાય તેવી પ્રત્યક્ષાનુભૂતિ ખપે છે. તમારી કૃપાને સંવેદી શકું. તમારી કરુણાને લેખે લગાડું તેવી ઊંચાઈ જોઈએ છે. પધારો, મારા નાથ.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54