________________
તુમ ચરણોની સેવા
અનહદની આરતી
બહાર ફૂલો વેચાય છે. એક દિવસ હું દેરાસરની બહાર ઊભો રહીને ફૂલો વહેંચીશ. દરેક પૂજાર્થીને મારા હાથે છાબડી ભરીને ફૂલ આપીશ. કહીશ : લાભ આપો. ભક્તિનો લાભ. ચૈત્યવંદન તો રોજ એક જ કરું છું. બધા ભગવાન અલગ સમયે કેવલી થયા ને અલગ સમયે મોક્ષમાં ગયા. મારે એક જ ચૈત્યવંદનમાં બધાને સાચવી લેવાના ? આવું નહીં કરું. દરેક ભગવાનનાં ચૈત્યવંદન થાય તો ઉત્તમ. નહીં તો રોજ મૂળનાયક ઉપરાંત બીજા એક ભગવાન સમક્ષ ચૈત્યવંદન કરીશ. મૂળનાયક સમક્ષ હોઉં તેવા જ ભાવથી સ્તવન
ગાઈશ. જ પ્રભુભક્તિ માટેનાં સ્તવનો હજારો છે. મારાથી બધાં કંઠસ્થ નથી થઈ
શકવાનાં. હું સ્તવનોનો સ્વાધ્યાય કરીશ. સારા અને સ્વચ્છ મુદ્રણમાં પ્રકાશિત થયેલાં સ્તવનો વાંચીશ. તેના રાગ શીખીશ. સ્તવનના રચયિતા મહાપુરુષો કેટલા બધા છે. શ્રી આનંદઘનજી મ., શ્રી માનવિજયજી મ., શ્રી ન્યાયસાગરજી મ., શ્રી શુભવીરજી મ., શ્રી રૂપવિજયજી મ., શ્રી ભાણવિજયજી મ., શ્રી પદ્મવિજયજી મ.. શ્રી જિનવિજયજી મ., શ્રી વીરવિજયજી મ., શ્રીકીર્તિવિમલજી મ., શ્રી વિનયવિજયજી મ., શ્રી મેઘવિજયજી મ. નામોનો પાર નથી. એકેક મહાપુરુષોએ સંખ્યાબંધ સ્તવનો લખ્યાં છે. બધાં સ્તવનો ગોખવાં મુશ્કેલ છે. કબૂલ. મારે તો એ વાંચવાં છે, વાગોળવાં છે. સ્તવને સ્તવને અવનવા મધુર ભાવો નીતરે છે તેમાં ભીંજાવું છે. પૂજાઓ અઢળક છે. ચોસઠ પ્રકારી પૂજા. એકથી વધુ સ્નાત્રપૂજાઓ. નવપદની પૂજાઓ. નંદીશ્વર દ્વીપની પૂજા. નવાણું અભિષેકની અને નવાણું પ્રકારી એ બે પૂજા. પંચજ્ઞાનની પૂજા. સત્તરભેદી પૂજાઓ. એકવીસ પ્રકારી પૂજા, અષ્ટપ્રકારી પૂજાઓ. પિસ્તાળીસ આગમની પૂજાઓ. આ સૂચિ ઘણી લાંબી થશે. આ દરેક પૂજાઓના ઢાળ છે, તેમની દેશી છે ને તેમના શાસ્ત્રીય રાગ છે. મારે તે શીખવા છે. ગાતાં નથી આવડતું. વાંધો નથી. પૂજાના અર્થો તો સમજું. એ પૂજાની કડીઓ વાંચું તો સહી. પ્રભુની પૂજાના ભાવભર્યા આંદોલનો મેળવવા પૂજાના
શબ્દોથી ઉત્તમ બીજું શું હોઈ શકે ? સ્તોત્રો છે. સંસ્કૃત ભાષામાં અપરંપાર. ભક્તામર અને કલ્યાણમંદિરની જેવાં અગણિત સંસ્કૃતસ્તોત્ર છે. સંસ્કૃત ભણીને તે તમામ સ્તોત્રો વાંચું. આ જ રીતે બેહિસાબ સ્તુતિઓ મળે છે પ્રભુની પ્રાચીન અને નવીન. બધી વાંચવી છે. પ્રભુને વિનવણી કરવાના શબ્દો પાસે ભક્ત નહીં જાય તો કોણ જશે ? ચોવીસ પ્રભુ વર્તમાન ચોવીશીના. અતીત ચોવીશી અને અનાગત ચોવીશી અલગ. મહાવિદેહના વીસ તીર્થકરો. દરેકનાં નામ વાંચવાં છે. મોઢે જ કરવાં જોઈએ. ઓછામાં ઓછાં વાંચું તો જરૂર. દરેક પ્રભુનાં જીવનની કથા મેળવું. વાંચું. યાદ રાખું . પ્રભુના માબાપ અને પરિવારનાં નામો. પ્રભુના શિષ્ય પરિવારની સંખ્યા. પ્રભુનો વિચાર કરવામાં આ અજોડ અક્ષરો અવ્વલ ફાળો આપે. તીર્થોની યાત્રા કરું. તીર્થે તીર્થે પ્રભુ જુદા. પ્રભુમાત્રનો ઇતિહાસ જેમ જુદો એમ તીર્થમાત્રનો ઇતિહાસ જુદો. દરેક તીર્થનો ઇતિહાસ જાણું. ખાંખાખોળાં કરું. ગ્રંથોનાં પાનાં ઉકેલું. ઇતિહાસ વાંચીને પછી તીર્થયાત્રા થાય તો આનંદ અનેરો નીવડે. તીર્થયાત્રા શાંતિથી કરું. દિવસો વધુ કાઢે યાત્રા માટે. ઉતાવળ કદી ના કરું. પ્રભુને મળવાનું નિરાંતે જ. પ્રભુની પૂજાનાં વસ્ત્રો, વાસણો અને સાધનો ઉચ્ચ કોટિનાં રાખું. બને તો દેરાસરનાં બધાં કામ માથે ઉપાડી લઉં. એક ટીમ બનાવું ભક્તોની. જે કેવળ પૂજાવસ્ત્રધારી બનીને દેરાસરની જવાબદારી ઉપાડી લે. આમ ન બની શકે તો ? પૂજારી સાથે દોસ્તી જમાવું. તેનાં સુખદુ:ખ સમજું. પૂજારી તો પ્રભુનો પડછાયો. તેને રાજી રાખવામાં પ્રભુભક્તિની પરોક્ષ પ્રાક્ષિકી મળે. વહીવટ અને ટ્રસ્ટીશીપ તેની રીતે ભલે કામ કરે. મારે તો પૂજારીનો લાભ લેવો છે. પૂજારીને ઘેર જમવા બોલાવું. તેની માંદગીમાં સંભાળ લઉં. નાનામોટા પ્રસંગોમાં તેની પડખે રહું. પૂજારી રાખવા તે તો મજબૂરી છે આપણી, પણ જો રાખ્યા જ છે પૂજારીને, તો એ પ્રસન્ન રહેવા જોઈએ.