Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 49
________________ સાચું વ્હેવું : સાચી રીતે કહેવું s રહીએ અને પારકા ચોપડે સાચો હિસાબ ન હોવાની ફરિયાદ કરીએ તેમાં સત્યનું અપમાન થાય છે. સાચને જીવી જાણો એ પછી જ સાચની વાતો કરો. બીજાને પ્રભાવિત કરવા, બીજાને અપમાનિત કરવા માટે સત્યનો ઉપયોગ ના કરશો. સત્ય કહેવાની, હિતકારી વચન કહેવાની વાત નીકળે ત્યારે એક કહેવત યાદ આવતી હોય છે : સત્ય હંમેશા કડવું હોય છે. આ કહેવત બનાવનારે સત્યનું બહુ મોટું અવમૂલ્યાંકન કર્યું છે. તમે શ્વાસ લઈ રહ્યા છો અને જીવી રહ્યા છો આ સત્ય છે, એમાં કડવાશ નથી. તમે વાંચી શકો છો, સાંભળી શકો છો, બોલી શકો છો આ સત્ય છે, એમાં કડવું શું છે ? તમે સત્ય સાંભળીને તમારી ભૂલનો સ્વીકાર કરી ન શકો તો સત્ય કડવું છે, બાકી સત્ય જેવી ખૂબસૂરત શક્તિ દુનિયામાં બીજી કોઈ નથી. ગુલાબનું સૌન્દર્ય અદ્ભુત છે - આ સત્યમાં કડવો છાંટો શોધ્યો નહીં જડે. રાતરાણીની સુવાસ માદક હોય છે આ સત્યમાં એક અંશ પણ કડવાશ નથી. આપણાં મોઢે બોલાતું સત્ય ગુલાબનું સૌન્દર્ય અને રાતરાણીની સુવાસ લઈને આવે છે. અલબત્, દરેક સત્યને આ નિયમ લાગુ નથી પડતો. કાંટા વાગે જ છે, ભલે પછી એ ગુલાબના છોડ પર ઉગ્યા હોય - આ પણ સત્ય છે, નરદમ કડવું. ઝેરનો ઘૂંટડો ભરનાર મરે છે - આ સત્ય છે, એકદમ ભયાનક. સવાલ એટલો જ રહે છે કે તમારી ફરજનો ભાગ બનતું સત્ય કેવું હોવું જોઈએ. સત્યની રજૂઆતને સ્યાદ્વાદ લાગુ પડશે. સત્ય કહેવા માટે તમારે કડવા થવું જ પડશે તેવો નિયમ નથી. સત્ય કહેવા માટે સુંવાળી સુવાંગ ભાષા જ વાપરવાની તેવો પણ નિયમ નથી. તમારે સામી વ્યક્તિ પોતાનું હિત ન ચૂકે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. તમારા શબ્દો તેને હિતની દિશા ચીંધે તે તમારે જોતા રહેવાનું. તમારા શબ્દો સાંભળે છે તમારી આસપાસના લોકો. તમારા દેશના લાખો અને કરોડો લોકો તમારા શબ્દો સાંભળતા નથી. તમારા શબ્દો થોડાક જ લોકો સાંભળવાના છે. એમાંથી પણ તમારા શબ્દો પર ધ્યાન આપનારા બહુ ઓછા લોકો છે. તમે કહો તે સાંભળે, તમારી વાતને વજન આપે અને તમારો મુદ્દો સ્વીકારવા તૈયાર થાય એટલા નજીક તો ગણતરીના જ માણસો છે. તેમની સમક્ષ રજૂ થનારા શબ્દોને તમે નાણીને વાપરો. તમારો શબ્દ અનહદની આરતી કસીને વપરાતો હશે તો સામી વ્યક્તિને તે યાદ પણ રહેશે અને ગમશે પણ ખૂબ. ૮૮ સાચી વાત, હિતકારી વાત કહેવાનું સત્ત્વ કેળવતાં પહેલાં, સાચી અને હિતકારી વાત સાંભળવાનું સત્ત્વ કેળવવું જોઈએ. તમને ન ગમે તેવી વાત જો હિતકારી હોય તો હસતાં મોઢે સાંભળવી જોઈએ. તમને ગમે તેવી વાતમાં હિતકારી તત્ત્વ ન હોય તો એ વાતને સ્વીકારવી જોઈએ નહીં. તમે સાંભળવામાં કાચા હશો તો બોલવામાં સાચા નહીં બની શકો. તમારી પર આક્રોશપૂર્વક હિતવચનનો પ્રહાર થાય તેને સામી છાતીએ વીરની જેમ ખમી લેજો . હિતવચનનાં જનોઈવઢ ઘા જનયોજનમનું અસત્ ટાળે છે. તમને કહેલું હિતવચન તમે ધ્યાનમાં નથી લેતા અને એ વાતને તમે ટાળી દો છો, તમારી કાળજી રાખનારાની હિતશિક્ષાનો તમે સ્વીકાર નથી કરતા, તમારી ભૂલનો તમે બચાવ કરો છો, ભૂલના ઉટપટાંગ બચાવ કરો છો, તમને સમજાવ્યા હોય તો પણ તમે હિતવચન તરફ બેદરકાર રહો છો, તમારી ભૂલ બતાવનારને ચૂપ કરવા તમે એમની ભૂલની યાદ આપો છો. આવું કર્યા બાદ તમે પોતાને જાતે જ સજ્જન માનો છો તે દંભ છે. આવું કરતા રહીને તમે હિતકારી વાત ઉચ્ચારવાની પાત્રતા ગુમાવી રહ્યા છો. હિતકારી વચન બોલવાની આવશ્યકતા મોટી છે તો હિતકારી વચન સાંભળવાની આવશ્યકતા અનિવાર્ય છે. હિતકારી વચન સાંભળતા આવડતું હશે તો હિતકારી વચન બોલતી વખતે કડવાશ આવશે નહીં. હિતકારી વચન સાંભળીને સ્વીકારવા જોગી યોગ્યતા કેળવી હશે તો એ યોગ્યતાની તાકાત આપણાં કહેલાં હિતવચનોને સ્વીકાર્ય બનાવશે. આપણાં જીવનમાં હિતકારી વચનને લીધે પરિવર્તન આવી શકે તે આપણી ઉત્તમતા. આપણાં હિતકારી વચનને લીધે સામી વ્યક્તિનાં જીવનમાં પરિવર્તન આવી શકે તે આપણી સફળતા.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54