________________
દોષ અને દ્વેષ : ગુણ અને રાગ
ઓળખ થાય તેનાથી પણ નુકશાન થતું નથી. તેનો સંપર્ક થાય અને સંપર્ક સંબંધમાં પરિણમે, પછી નુકશાન થવા માંડે છે. આવું અકસર બને છે તેથી જ ગુણવાન અને દોષવાનને જુદા પાડીને જોતા શીખવાનું છે. ગુણવાનને જોયા બાદ આપણાં મનમાં આપણે ચોક્કસ પ્રતિભાવનું નિર્માણ કરવાનું છે. દોષવાનને જોયા બાદ પણ આપણે ચોક્કસ પ્રતિભાવનું નિર્માણ કરવાનું છે. આપણો સંસાર આપણાં મનમાં સર્જાતા પ્રતિભાવો દ્વારા ચાલે છે. આલંબનની અસર આત્મા પર પડે છે તે સારી કે નરસી હોઈ શકે છે. એ પ્રતિભાવ અને એ અસર કેવી હોઈ શકે તેની પૂર્વધારણા મંત્રીશ્વર બાંધી શક્યા છે. ગુણવાનને જોયા બાદ મનમાં જાગતો પ્રતિભાવ સારો જ હોય તેવું નક્કી કહી શકાય નહીં. ગુણવાનને જોયા બાદ તેના ગુણની ઇર્ષા થાય તેવું પણ બને. ગુણવાનના ગુણનો અણગમો પણ થઈ શકે છે. આપણે નક્કી કરવાનું છે, કેવો પ્રતિભાવ મનમાં જાગવા દેવો તે ? આપણી કક્ષા સારી છે. ગુણ જોઈને પ્રમોદનો અનુભવ થાય છે તે એક સારા પ્રતિભાવની નિશાની છે. ગુણવાનને જોયા બાદ તેની માટે જાગનારા પ્રતિભાવ અનેક પ્રકારના હોય છે તેમ દોષવાનને જોયા બાદ મનમાં જાગનારા પ્રતિભાવ પણ અનેક પ્રકારના છે. દોષવાનના દોષને જોઈને તે દોષનું આકર્ષણ જાગી શકે છે. નીતિમત્તા જાળવીને ધંધો કરનારા ગરીબ માણસને, શ્રીમંત માણસની અનીતિ જોયા બાદ અનીતિનું આકર્ષણ જાગી શકે છે. દોષ જોયા બાદ દોષતરફી બનવું તે તો આપણી અનાદિસિદ્ધ આદત છે. આ પ્રતિભાવ જોખમી છે માટે જ દોષવિરોધી માનસિકતાનો સંસ્કાર ધર્મ આપે છે. દોષને જોયા બાદ દોષવિરોધી માનસિકતા જાળવી શકાય તે માટે દોષનો દ્વેષ સતત જીવતો રાખવાનો છે. મજાની વાત એ છે કે દોષ પરનો દ્વેષ મનમાં જીવતો રાખીને પણ અંતે તો બીનજરૂરી દ્વેષથી બચવાનું છે. જો દોષ જોઈને દોષ પર દ્વેષ થાય તો દોષ પરનો દ્વેષ, દોષવાન પર દ્વેષ કરાવી શકે છે. દોષનો દ્વેષ તાત્ત્વિક દ્વેષ છે. દોષવાન પરનો દ્વેષ વ્યક્તિગત દ્વેષ છે. તાત્ત્વિક દ્વેષ વાસ્તવિક રીતે જાગૃતિ સ્વરૂપ હોય છે. વ્યક્તિગત દ્વેષ મોટેભાગે ભાવનાની તીવ્ર વિકૃતિ સ્વરૂપ હોય છે. સંસારમાં રઝળપાટ નથી કરવાનો. સંસારના સામે પાર વહેલાસર પહોંચવાનું છે. મનમાં જાગતા પ્રતિભાવનો પરિણામ સુયોગ્ય હોય તો સંસાર
94
અનહદની આરતી
સામે જીતી શકાશે. પ્રતિભાવનો પરિણામ અયોગ્ય હોય તો સંસાર સામે હારી જવાશે. દોષનો દ્વેષ મનમાં જીવતો હોય તો દોષવાનને જોયા બાદ કરુણાનો ભાવ જાગે છે. દોષનો દ્વેષ કમજોર કે અસ્પષ્ટ હોય તો દોષવાનને જોયા બાદ દ્વેષનો ભાવ જાગે છે. દોષવાનમાં દ્વેષ જાગે તેને લીધે નુકશાન શું થાય છે તે શોધીએ. દોષવાનમાં દ્વેષ થાય તેની અભિવ્યક્તિમાં તીવ્રતા કે ઉગ્રતા વ્યક્તિલક્ષી હશે. વ્યક્તિ માટે જાગેલો આવેશ તે વ્યક્તિ સુધી પહોંચાડ્યા વિના આપણને જંપ વળતો નથી. એ દ્વેષ સૂક્ષ્મ રીતે આપણા અભિમાનને પંપાળશે. બહુ નાજુક ફરક છે. સામી વ્યક્તિ તમને ખરાબ લાગે તે એક વાત છે અને સામી વ્યક્તિમાં રહેલી એકાદ કમજોરી તમને ખરાબ લાગે તે બીજી વાત છે. સામી વ્યક્તિને તમે ખરાબ કહી દો તે વ્યક્તિગત દ્વેષ છે. સામી વ્યક્તિની એકાદ કમજોરી સામે તમે સ્વસ્થતાપૂર્વક વાંધો લો તે તાત્ત્વિક દ્વેષ છે. વ્યક્તિ પરનો દ્વેષ તેનાં તમામ પાસાની ઉપેક્ષા કરાવે છે. વ્યક્તિ પરનો દ્વેષ તે વ્યક્તિનાં સારાં લક્ષણોને ભૂલાવી શકે છે. મંત્રીશ્વરે દોષવાદમાં મૌન રાખવાની માંગણી કરી છે.
સામી વ્યક્તિમાં દોષ દેખાય છે તે જોઈને મારાં મનમાં તે વ્યક્તિ માટે દ્વેષ જાગશે તો જ હું તેની બદનામી કરવા પ્રેરાઈશ. હું જેની બદનામી કરતો હોઉં તેની માટે મારાં મનમાં રાગ હોય તેવું બનવાનું જ નથી. દોષવાદ એ વ્યક્તિગત દ્વેષનું ઉચ્ચારણ છે માટે મંત્રીશ્વર તેનાથી દૂર રહેવા માંગે છે. મૌન શબ્દ પણ અર્થસભર છે. ન બોલવું તે મૌન નથી. બોલવાનું ન ગમે તે મૌન છે. મનમાં દ્વેષ હોય અને અભિવ્યક્તિ ન થાય તે મૌન નથી. મનમાં દ્વેષ હોય જ નહીં માટે તેની અભિવ્યક્તિનો પ્રશ્ન જ આવે નહીં તે મૌન છે. દોષનો દ્વેષ વ્યક્તિગત નથી. દોષવાનનો દ્વેષ વ્યક્તિગત છે. ગુણનો રાગ વ્યક્તિગત નથી. ગુણવાનનો રાગ વ્યક્તિગત છે. વ્યક્તિગત દ્વેષ ન હોવો જોઈએ તેમ વ્યક્તિગત રાગ પણ ના જ હોવો જોઈએ આ પ્રશ્ન જાગી શકે છે. આપણે રાગને વિભાજીત કરીશું. વ્યક્તિલક્ષી રાગ. વ્યક્તિકેન્દ્રી રાગ. વ્યક્તિ આશ્રિત રાગ. વ્યક્તિ ગમે છે માટે તેના ગુણ ગમે છે તે વ્યક્તિલક્ષી રાગ. વ્યક્તિ ગમે છે માટે તેના ગુણ ગમે છે અને માટે તે વ્યક્તિ સિવાયની વ્યક્તિના ગુણો પર ધ્યાન આપવાનું મન થતું નથી તે વ્યક્તિકેન્દ્રી રાગ.