________________
પ્રાર્થના-૩
૧૦. વધુ સારા બનાવે છે સજ્જનો
તમારી પાસે થોડાક સારા વિચારો છે. તમે થોડા ગુણો મેળવી ચૂક્યા છો. તમારા હાથે થોડાં સત્કાર્યો પણ થઈ રહ્યા છે. હજી વધુ સારા વિચારો મેળવવા છે. હજી વધુ ગુણો પામવા છે. હજી નવાં સત્કાર્યો કરવા છે. તમે સારા છો. તમે હજી વધુ સારા બનવા માંગો છો.
સારા હોવાની એક ટકાવારી હોય છે. ૬૦ ટકા સારા હોવું, ૭૦ ટકા કે ૮૦ ટકા કે ૯૦ ટકા સારા હોવું અને છેવટે ૧૦૦ ટકા હોવું. તમે સારા છો. તમારી ટકાવારી શું છે ? સારા હોવું એ આજનો તબક્કો છે. વધારે સારા બનવું તે આવતી કાલનો તબક્કો છે. સારા બનવા અંગે ત્રણ મુદા છે.
૧. હું અત્યારે જેવો છું તેનાથી મારે વધારે સારા થવું છે. ૨, મારે ઉત્તમ પુરુષોની જેમ ખૂબ જ સારા બનવું છે. ૩. મારે ભગવાનની જેમ સો ટકા સારા થવું છે.
પહેલા મુદાને લીધે બીજા મુદાને અવકાશ મળે છે. મારી પાસે મારા વિચારો છે. પરંતુ જેમની પાસે મારાથી વિશેષ સારા વિચારો છે તે મારા આદર્શ પુરુષ બનશે. મારી પાસે થોડા ગુણો છે પરંતુ જેમની પાસે મારાથી વિશેષ સારા ગુણો છે તે મારા આદર્શ પુરુષ બનશે. ધર્મસાધના એ આત્મવિકાસની પ્રક્રિયા છે. સતત નવું પામતા રહેવું, સતત આગળ વધતા જવું. સતત પ્રગતિ સાધતા રહેવું. જયાં છીએ ત્યાં અટકી રહેવું નથી. જેવા છીએ તેવા જ રહેવાનું નથી.
નવા વિચારો, નવા ગુણો અને નવાં સત્કાર્યો પામવા છે. આજે આપણી પાસે જે નથી તે મેળવવું છે. આપણામાં જે ખૂટે છે તેની પૂર્તિ કરી
પ0
અનહદની આરતી લેવી છે. એ ખૂટતી કડી મેળવવા કોઈનો સંગાથ જોઈશે. આપણાથી આગળ હોય, આપણા કરતાં ઊંચાં સ્તરે પહોંચ્યા હોય તેવા ઉદાત પુરુષકને પહોંચવું પડશે.
મંત્રીશ્વર વસ્તુપાળની ત્રીજી માંગણી છે : મારે સજ્જનોનો સત્સંગ કરવો છે. મારે સાધુપુરુષોની સંગતમાં રહેવું છે. મારો સંબંધ સારા માણસો સાથે જોડાય.
મંત્રીશ્વર પોતે સર્વોત્તમ વ્યક્તિમત્તા ધરાવે છે. તેમને સારા સંબંધની માંગણી કરવાનું મન થાય છે તેની કોઈ ભૂમિકા તો હશે જ. પોતે ખરાબ માણસ હોય ને સારા બની જવા માટે સત્સંગની અપેક્ષા રાખતા હોય તેવું તો છે જ નહીં. મંત્રીશ્વર વધુ સારા બનવા માંગે છે. પોતે કેટલા સારા છે તેની પોતાને ખબર છે. પોતે કેટલા સારા બનવું જોઈએ તેની કલ્પના તેઓ કરી શકે છે. પોતાનામાં શું ખૂટી રહ્યું છે તે બીજા જાણી શકવાના નથી. પોતે તો સમજે જ છે.
વાત સંબંધની છે. સંબંધો ઘણા હોય છે. જન્મજાત સંબંધ. એમાં માબાપ - ભાઈબહેન - કાકા-કાકી-મામા-મામી - દાદાદાદી – નાના-નાની આવે. આપણો જન્મ થયો ત્યારના આ બધા આપણા બનીને બેસેલા છે. સામાજીક સંબંધ. પાડોશી-પરિચિતો-જ્ઞાતિજનો - મિત્રો. આ બધા સાથે લેવાનો અને દેવાનો સંબંધ હકડેઠઠ રહે છે. વ્યાવસાયિક સંબંધ ભાગીદાર - મેનેજર - બૉસ - કારકુન-શેઠ - ઘરાક, આ બધા લગભગ રોજ મળે છે. આ સંબંધો ઉપર વિચાર્યા બાદ સારા સંબંધની માંગણી મંત્રીશ્વર કરે છે. જન્મજાત, સામાજીક કે વ્યાવસાયિક સંબંધમાં વિશ્વાસ રાખવાનો હોય છે તેમાં કોઈ બાંધછોડ નથી, નવા સંબંધની તલાશ કરતી વખતે લક્ષ્ય સ્પષ્ટ છે. પોતાની ભીતરમાં તાકવાનું જેમને ફાવે છે તેમને સગુણોની નવી નવી ખરીદી કરવામાં ખૂબ રસ પડે છે. સદ્ગુણો જેમનામાં જોવા મળે છે તેમની પાસે જવાનું, તેમની સાથે રહેવાનું જેમને ગમે તે આત્મરસિયો હોવાનો. આપણે શું મેળવ્યું છે તે આપણું ભાગ્ય છે. આપણે શું મેળવવું છે તે આપણો પુરુષાર્થ છે.