Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 26
________________ ૪૨ અનહદની આરતી પ્રભુજી સામું જુઓ આકાશ છે, દિવસ અને રાત વિનાનું. પ્રભુ દરિયો છે, ભરતી અને ઓટ વિનાનો. પ્રભુ નદી છે, ઉગમબિંદુ અને સંગમભૂમિ વિનાની. પ્રભુ ફૂલ છે, ઋતુનાં બંધન વિનાનું. પ્રભુ પડઘો પાડતા નથી. પ્રભુ પાસે પ્રતિભાવ કે પ્રતિક્રિયા છે જ નહીં. પ્રભુ શરીરધારી હોય ત્યારે શરીરથી અળગા હોય છે. શરીરની કશી અસર તેમના ભાવજગત પર નથી હોતી. પ્રભુનું આત્મતત્ત્વ તદ્દન મિરરપૉલિડ હોય છે. પાણી સરકી જાય તેમ નિમિત્તો સરકી જાય છે. પાણીમાં પથ્થર પડે તો વમળ સર્જાય પરંતુ થીજેલાં બરફમાં વમળ નથી સર્જાતાં કેમ કે પથ્થર ડૂબતો નથી. પ્રભુનો આત્મા નિમિત્તના પથ્થરને અંદર ડૂબવા દેતો નથી. વમળો સર્જાય ? પ્રભુના અનંતાનંત ગુણો છે. કિતને ગાઉં, કિતને દેખું? તો પ્રભુના ઉપકારો. આપણને મળેલાં સુખનાં મૂળિયાં ધર્મ સુધી પહોંચે છે. ધર્મ વિના સુખ મળી શકતું નથી. ધર્મની આરાધના કરો એટલે ભવિષ્યમાં સુખ આવશે તે નક્કી થઈ જાય. આજે તમારી પાસે સુખસામગ્રી છે એટલે ભૂતકાળમાં તમે ધર્મ કર્યો છે તે નિશ્ચિત બની જાય છે. આ ધર્મનું વહેણ પ્રભુ દ્વારા મળ્યું. પ્રભુ ધર્મનો ઉબોધ કરે. સૌ એ ધર્મ સ્વીકારે. પ્રભુ નહીં તો ધર્મ નહીં. ધર્મ નહીં તો સુખ નહીં. આપણને મળેલાં સુખના મૂળમાં ધર્મના સ્થાપક ભગવાન છે. આ પ્રભુનો અંગત ઉપકાર. આ સુખથી વિશેષ ઊંચું સુખ આત્મા પાસે છે. તેનો ઉપદેશ પ્રભુએ આપ્યો તે પ્રભુનો જગજાહેર ઉપકાર. કર્મને વશવર્તી રાખનારાં સુખોથી દૂર ભાગવાની પ્રેરણા વીતરાગપ્રભુએ આપી. સુખોનું આકર્ષણ આત્મશક્તિનું અવરોધક છે તેનો બોધ પ્રભુએ આપ્યો. આત્મસુખની દિશામાં તાકવાનું પ્રભુએ શીખવું. આત્માની આગળ પરમ લખીએ તો પરમાત્મા થાય. આપણું એ સાચું રૂપ. સુખની આગળ પરમ લખીએ તો પરમસુખ થાય. આપણે એ સાચું સુખ. ખોટું રૂપ છોડવા માટે ખોટાં સુખથી ચેતવાનું કહીને પ્રભુએ ઉપકારની હદ વાળી દીધી. બીજા ઉપકારો યાદ જ આવતા નથી. આ એક ઉપકાર જ રોમરોમ પર છવાઈ રહે છે જાણે. કોઈ આત્મા સિદ્ધિગતિ પામે તે વખતે અવ્યવહારરાશિનો એક જીવ વ્યવહાર રાશિમાં આવે. ધર્મની પહેલી રેખા તો હજી અંકાતી નથી પરંતુ ધર્મ સુધી પહોંચવા માટેનું પહેલું પગથિયું આ હોય છે. વ્યવહારરાશિમાં પ્રવેશ સિદ્ધભગવંતનો ઉપકાર. આપણે વ્યવહારના જીવ થયા. તીર્થંકર ભગવંતો દેશના આપે. ધર્મતીર્થની સ્થાપના થાય. ગણધરો સંચાલક બને. ગણધરોની પરંપરામાં સૂરિભગવંતોની આખેઆખી પરંપરા ચાલે. આજે આપણને અનેક અનેક તારક મુનિભગવંતોનાં દર્શન થાય છે તે ધર્મતીર્થની સ્થાપનાનો વારસો છે. ગુરુવંદન કરીએ, વ્યાખ્યાન સાંભળીએ કે નિશ્રાવર્તી બની આરાધના કરીએ તે વેળાએ યાદ આવે ધર્મતીર્થની સ્થાપનાનો મૂળભૂત ઉપકાર. પ્રભુના ઉપકારો અનંત છે. આવે નાહીં અંત. ગુણો અને ઉપકારોની જીવંત સંવેદના સાથે પ્રભુ સમક્ષ બેસવું તે ભક્તિ. પ્રભુના ગુણો મને મળે તેવી ઉત્કંઠા હોવી જોઈએ. પ્રભુના શબ્દો દ્વારા ધર્મ ઘડાયો છે તે સમજીને પ્રભુને ભેટવાનું છે. પ્રભુનાં મંદિર અને પ્રભુનાં બિંબ આતમાનો વિસામો છે. રોજ પ્રભુ પાસે જવાનું. સમય ઘણોબધો ફાળવવાનો પ્રભુભક્તિમાં. મારાથી જે થઈ શકે તે બધું જ કરવાની મારી તૈયારી છે તેમ લાગવું જોઈએ. એક દેરાસરનાં દરેક જિનબિંબો. એક ગામનાં દરેક દેરાસરો. સમય મુજબની આ દેવયાત્રા ચાલે. દેવદ્રવ્ય કેટલો સરસ શબ્દ છે ? મારું દ્રવ્ય હતું તે હવે દેવદ્રવ્ય થયું. પ્રભુની માલિકીનું બન્યું. મારું ધન ભગવાનનાં ખાતે જમા. મારી મહેનતનો પૈસો પ્રભુની સ્વીકૃતિ પામ્યો. મારા પરિગ્રહને વધારનારો પૈસો મારા ધર્મને વધારનારો બની ગયો. દેવદ્રવ્ય શબ્દ અદ્ભુત છે. દેરાસરમાં ગુંજતો આ શબ્દ આપણા જીવનને અડવો જોઈએ. ધન જો દેવદ્રવ્ય બને તો મારું શરીર દેવનું દ્રવ્ય ન બની શકે ? આ મારો આત્મા દેવનું દ્રવ્ય ન બની શકે ? દેવદ્રવ્ય ભગવાન સિવાય બીજે કશે ન વપરાય તેમ મારું શરીર અને મારો આત્મા ભગવાન સિવાય બીજે ક્યાંય કામ ન કરે. ભક્તની આ દેવ-દેહ-ભાવના અને દેવ-આત્મ-ભાવના તીવ્ર થવી જોઈએ. પ્રભુની ભક્તિ માટે રોજ નવું સપનું આવે. પ્રભુની ઉપાસનામાં રોજ નવો ઉમેરો થાય. પ્રભુનાં નામે થનારી આરાધનામાં નવી ભરતી અને નવું પૂર ઊમટે. પ્રભુની વાણી અને પ્રભુની ભક્તિ એ ડાબી-જમણી આંખ.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54