________________
આધાર, મેરો પ્રભુ
39
પસ્તાવો કેળવ્યો હોય. પ્રભુ સમક્ષ આ પાપોથી બચવાની પ્રાર્થના કરતા હોઈએ. પાપોની આલમમાં ખળભળાટ મચે જ. સંસાર પાસે જઈને પાપો દ્વારા આત્માને ધક્કા માર્યા છે. હવે પરમાત્મા પાસે જઈને પસ્તાવા દ્વારા પાપને ધક્કા મારવાની જરૂર છે.
પાપપરિહારની ભાવના પ્રભુને નમસ્કાર કરવાની સર્વાંગીણ પાત્રતા આપે છે. પાપનો પસ્તાવો પ્રભુ માટેનું અપરંપાર આકર્ષણ પેદા કરે છે. પાપની પહેચાન પ્રભુનો મહિમા સ્ફુટ કરે છે. ભગવાન હથિયાર છે. ઢાલ છે, પાપો સામે. ભગવાન સારથિ છે, પાપ સામેનાં યુદ્ધમાં. લડવૈયા આપણે છીએ. પાપો સામેનો જંગ આપણે જ ખેડવાનો છે. પ્રભુ જીતાડશે.
પ્રાર્થના-૨
૮. પ્રભુજી સામું જુઓ
પરમ તત્ત્વની સંવેદના પામવાનો એક માત્ર માર્ગ છે પરમાત્મવંદના. પરમાત્માની સમક્ષ બેસીને જગતને ભૂલી શકે તે વંદનાનો હકદાર. પરમાત્મા પાસે આવીને સ્વાર્થને વીસરી શકે તેને વંદનાની અનુભૂતિ સાંપડે. પરમાત્માને જોવાના અને ઓળખવાના બે માર્ગ છે. પ્રભુના ગુણોની ઓળખ પામવી તે એક. પ્રભુના ઉપકારોને સમજવા તે બીજો. ધર્મસાધના એટલે ગુણ નિર્માણની પ્રક્રિયા. હકીકતમાં ગુણોનું નિર્માણ નથી હોતું. ગુણો અંદર છે જ. ગુણોનું પ્રકટીકરણ થાય છે. પ્રભુમાં ગુણો જોવાની સૂક્ષ્મ દૃષ્ટિ કેળવવાની.
પ્રભુની પ્રતિમા પથ્થરમાંથી પ્રકટી છે. હવે, પથ્થરને પ્રતિમામાં ફેરવી કે પથ્થરમાંથી પ્રતિમા નીપજી ? બંને સવાલ મજાના છે. પથ્થર તો પત્થર જ હતો. અખંડ કે તોડેલો. પથ્થર પ્રતિમા નથી બનતો. પથ્થરમાં પ્રતિમા છુપાયેલી હોય છે. પ્રતિમા સિવાયનો ભાગ કાઢી નાંખો એટલે મૂર્તિ નીખરી આવે. શિલ્પી મૂર્તિને નથી બનાવતો. શિલ્પી પ્રતિમાને નથી ઘડતો. શિલ્પી વધારાનો ભાગ ઉતારી દે છે. મૂર્તિ જાતે પ્રકાશિત થાય છે. આત્મા માટે આવું જ બને છે. આત્માની ભીતર પરમાત્મા છૂપાયો છે. શરીર અને કર્મોએ મળીને સંસારનું કોચલું આત્મા પર બાંધ્યું છે તેમાં પરમાત્મા ઢંકાઈ ગયા છે. એ કોચલું ખરી જશે તે દિવસે પરમાત્મા જાતે બહાર આવવાના છે. પ્રભુ સમક્ષ આ કોચલું તોડવા જવું છે. પ્રભુનો સૌથી મોટો ગુણ આ છે. પ્રભુ કોચલાની બહાર છે. પ્રભુની મુખમુદ્રા પર અપૂર્વ આભા છે તે કર્મો અને શરીરની બાદબાકીમાંથી નીપજી છે. પ્રભુનાં દર્શન કરતી વખતે શરીર વિનાની જીવનચેતના અને કર્મો વિનાની આત્મચેતનાનો સાક્ષાત્કાર થવો જોઈએ.