________________
પ્રાર્થના-૧
3. દર્શનથી દેશના સુધી
પરમાત્મા જીવતા હતા. લોકો પ્રભુ પાસે આવીને બે રીતે લાભ પામતા. દર્શન દ્વારા અને દેશના દ્વારા. પ્રભુને જોઈને પાપનાશનમ્ થતું. પ્રભુને સાંભળીને મોક્ષસાધનમ્ થતું. પ્રભુ મોક્ષમાં ગયા. એમનાં દર્શન અને એમની દેશનાનો અસ્ત થઈ ગયો..
શ્રી શુભવીર મહારાજા લખે છે : દુષમકાળ જિનબિંબ જિનાગમ ભવિયણકું આધારા. આ પડતો કાળ છે. તેમાં બચાવે તો બે જ તત્ત્વ બચાવે. જિનમૂર્તિ અને જિનવાણી. પ્રભુનાં દર્શનની ખોટ જિનમૂર્તિનાં દર્શનથી પુરાય છે. પ્રભુની દેશનાની ખોટ જિનવાણીનાં અવગાહન અને આચમનથી પુરાય છે. પ્રભુની હાજરીમાં જે લાભ દર્શન અને દેશના દ્વારા લેવાતો તે આજકાલ જિનમૂર્તિ અને જિનવાણી દ્વારા લેવાનો રહે.
પ્રભુનાં દર્શન તો રોજ કરવાનાં હોય, કરીએ છીએ. પ્રભુના શબ્દોને રોજ જુહારવાનું. નથી બનતું. પ્રભુના શબ્દો જુહારવા હોય તો પ્રાકૃતભાષા અને સંસ્કૃત ભાષાનું ભણતર હોવું જોઈએ, આપણને તો ગુજરાતીનાં ફાંફાં છે. હૃસ્વ અને દીર્થની ભૂલો થાય છે. પરમાત્માનો મહિમા તેમના શબ્દોને લીધે છે. પ્રભુ કેવલી બનતાવેંત તીર્થંકર નામકર્મનો રસોદય સંવેદનાની દશાએ પહોંચે છે. દેશના આપે પ્રભુ અને એમનું તીર્થંકર નામકર્મ ભોગવાતું જાય, પ્રભુની દેશના એ જ પ્રભુનો વાસ્તવિક તીર્થંકરભાવ છે. વીતરાગદશા એ તીર્થંકરભાવનું અવિનાભાવી કારણ છે. તીર્થંકરની દેશના માટેનો નિયમ છે કે – એ દેશના સાંભળ્યા પછી પર્ષદામાં દીક્ષા લેનારા અવશ્ય જાગી નીકળે છે. પ્રભુની દેશનામાં જ ગણધરોના આત્માનો પ્રતિબોધ થાય છે ને ચતુર્વિધ સંઘનાં મંડાણ થાય છે. પ્રભુની દેશના એ પ્રભુનો ભગવદ્ભાવ છે. પ્રભુની
અનહદની આરતી દેશના સર્વાંગસ્પર્શી અને સત્યસુવાસિત હોય છે માટે પ્રભુ પૂજા-પાત્ર છે. પ્રભુ દેશનામાં આતમાની અંતરંગ ઓળખ આપે છે માટે પ્રભુનાં દર્શન પુણ્યકારી છે. પ્રભુનું વ્યક્તિત્વ તેમની દેશના વિના અધૂરું લાગે. પ્રભુનું વ્યક્તિત્વ તેમની દેશના દ્વારા સંપૂર્ણ અભિવ્યક્ત થાય. પ્રભુ જીવંત હોય ત્યારે શ્લોક આ રીતે બોલવો જોઈએ.
देशना देवदेवस्य देशना पापनाशिनी ।
देशना स्वर्गदा दिव्या देशना मोक्षसाधिका ।। અને, આ દેશનાનો જે મહિમા છે એ જ મહિમા આજે શાસ્ત્રોનો અને સારાં પુસ્તકોનો છે. પ્રભુની પ્રતિમાનો આજે જે મહિમા છે તેથી સવાયો મહિમા પ્રભુની વાણીનો થવો જોઈએ. દેરાસરો એ દર્શનગૃહો છે તો ઉપાશ્રય એ દેશનાગૃહ બનવા જોઈએ. દર્શન માટે અને પૂજા માટે દેરાસરમાં ભીડ થતી હોય તેમ ઉપાશ્રયમાં ધાર્મિક અભ્યાસ માટે, વ્યાખ્યાન સાંભળવા માટે અને સહવાંચન કરવા માટે ભીડ થતી હોવી જોઈએ. પ્રભુનાં દર્શન કરનારા પ્રભુની દેશના તરફ બેદરકાર રહેતા હોય તો ધર્મ માટીપગો સમજવો.
પ્રભુની મૂર્તિ શ્રદ્ધાનું આલંબન છે, જગતનું સર્વોત્તમ આલંબન. પરંતુ પ્રભુની મૂર્તિ વિચારોનું ઘડતર નહીં કરે, પ્રભુની મૂર્તિ સારા શબ્દોની ધારા વહેતી નહીં મૂકે. મૂર્તિ પાસે તો અઢળક મૌન છે. પ્રભુ દ્વારા વિચારોનું ઘડતર અને સંસ્કારોનું પરિવર્તન જો ઝંખતા હોઈએ તો શાસ્ત્રો અને સારાં પુસ્તકોનો સહારો જ લેવો પડશે.
જીવન પૈસાથી નથી જીવાતું. જીવન ઘરબાર કે પરિવારથી નથી જીવાતું. જીવન વિચારથી જીવાય છે. પૈસા, ઘરબાર કે પરિવાર વિચારને પ્રભાવિત કરે છે ને જીવનની દિશા બંધાતી જાય છે. વિચાર એ જ જિંદગી છે. વિચાર એ જ આત્મા છે. વિચાર એ જ આપણું ખરું અસ્તિત્વ છે. જો વિચાર સારા હોય તો જિંદગી કે આત્મા કે અસ્તિત્વને સારાં કહી શકાય. વિચાર સારા ન હોય તો જિંદગી કે આત્મા કે અસ્તિત્વને સારાં નહીં કહી શકાય. જીવનને સુધારવા માટે વિચાર સુધારવા જોઈએ. અને તે માટે શાસ્ત્રો અને સારાં પુસ્તકો સાથે પાકી દોસ્તી કરવી પડે.