________________
પ્રાર્થના-ર
૭. આધાર, મેરો પ્રભુ
શબ્દ શબ્દ શાતા
મંત્રીશ્વર મુદ્દાસર માંગે છે. સારા શબ્દો પાસે જવું છે. મનમાં સારા શબ્દો ભરી લેવા છે, પ્રાણવાયુને શ્વાસો દ્વારા ભીતરમાં ભરીએ તે રીતે તે શબ્દો ઘૂંટવા છે. તે શબ્દો પર મંથન કરવું છે. શાસ્ત્રના શબ્દો સાથે લગાવ બાંધવો છે. શાસ્ત્રકારોની ભાષામાં બોલતા થવું છે, શાસ્ત્રકારોની શૈલીથી વિચારતા થવું છે. આપણા આત્મા પાસે કેવળજ્ઞાન છે. છદ્મસ્થતાનો પડદો નડે છે. ઠીક છે. અંદર તો તેજનો ફુવારો છે જ. શાસ્ત્રો એ કેવલ્યવાણી છે. શાસ્ત્રના શબ્દોને આત્મા સુધી મોકલશું. અંદરનું કૈવલ્ય - આ શબ્દોમાં સંનિહિત કૈવલ્યની સ્પર્શના પામશે તો ધરતીકંપ થવાનો જ છે. ભગવાને કૈવલ્ય પામ્યા પછી શબ્દો હાથમાં લીધા, દેશના રૂપે. આપણે એ શબ્દો દ્વારા કૈવલ્ય સુધી પહોંચવું છે, ઢંઢોળવા માટે એને.
ભણવાની મહેનત વધે. ભણવાનો રસ વધે. ક્ષયોપશમ વધે. જ્ઞાનાવરણના પગ ધ્રુજવા માંડે. ભણવામાં શ્રદ્ધા હોય. ભણવાનાં ઊંચાં સપનાં હોય. મોહનીયના પગ ઢીલા પડે.
ન પરણે તે વાંઢો કહેવાય. ન ભણે તે ઘાંઘો કહેવાય. ગુરુ સામસામ છે. શાસ્ત્રો હાથોહાથ છે. જિંદગી સહીસલામત છે. મગજ સાબૂત છે. ખૂટે છે શું? સમયના સાંધા મેળવીને ભણવા માંડો.
અક્ષરે અક્ષરે અજવાળું પામશો. શબ્દ શબ્દ શાતા પામશો.
પ્રભુની ભક્તિ કરનારા મહાપુરુષો. તીર્થંકર નામકર્મ બાંધે છે રાવણ. અજાણ્યા લોકોને પ્રભુદર્શન કરાવવા દેરાસર બંધાવે છે પેથડશાહ. શત્રુંજયગિરિરાજની ટોચ પર બે વાર જીર્ણોદ્ધાર કરાવે છે વાભટ્ટ. પ્રભુ આદિનાથ ભગવાનની નિર્વાણભૂમિને તીર્થ બનાવે છે ચક્રવર્તી ભરતરાજા. આબુ ગિરિરાજને અજાયબી જેવાં જિનાલયોનો મુગુટ ચડાવે છે વિમલમંત્રી અને વસ્તુપાળ-તેજપાળ.
એમની તોલે આવે તેવી પ્રભુભક્તિ આપણે શી રીતે કરી શકવાના હતા ? ભક્તિ માટે ભાવના અને શક્તિ એમ બન્નેનો ખપ પડે છે. આપણી ભાવના એવી ઊંચી નથી કે કુમારપાળના પુત્ર નૃસિંહદેવની જેમ સોનેરી શિખરોવાળાં દેરાસર બંધાવવા રડતા હોઈએ. આપણી ભાવના પ્રભુભક્તિ પર સંપૂર્ણ કેન્દ્રિત થઈ શકી નથી. કદાચ, એવી ભાવના જાગી. શક્તિ હોવી જોઈએ ને ? ભાવના અને શક્તિમાં મંદતા હોય તે હકીકતમાં પુણ્યોદયની મંદતા છે. ભાવનાને ઊંચકી લે તેવું ક્ષાયોપથમિક પુણ્ય મેળવવું જોઈએ. ભાવનાને સાકાર કરે તેવાં ઔદયિક પુણ્યનું બળ હોવું જોઈએ. પ્રભુભક્તિની પ્રવૃત્તિઓ પુણ્યનું નિર્માણ કરે છે.
મંત્રીશ્વર વસ્તુપાળ બીજી પ્રાર્થનામાં – તીર્થકરોને વાસ્તવિક નમસ્કાર કરવાની ભાવના અને શક્તિ માંગે છે. મંત્રીશ્વર પોતાના ધર્મને મૂલવી શકે છે. ધર્માત્મા પોતાનો ધર્મ જોઈને વિચારતો રહે છે. પ્રભુએ ફરમાવેલો ધર્મ ખૂબ ઊંચો છે. હું ધર્મ કરું છું તે કેવળ ઝાંખી છે. વાસ્તવિક ધર્મ તો ખૂબ આગળની ભૂમિકામાં વસે છે, એમ ધર્માત્મા સમજતો હોય. ભગવાનને નમસ્કાર કરવા મળે તેવી માંગણી કરીને મંત્રીશ્વર શું સિદ્ધ કરે છે ? પોતે