________________
૧૯
શાઓ : શબ્દોથી ભાવ સુધી આત્માને સંસારમાં બાંધી રાખનારાં કર્મોની અજાયબ દુનિયા. કર્મોને લીધે આત્મા રખડે છે તેનું ચોગાન જે જગત બને છે તેનો અપરિસીમ વિસ્તાર. પદાર્થ એટલે વસ્તુતત્ત્વ. સાચી વાતોનો સરવાળો.
ભગવાનની આજ્ઞા પાછળનાં ઊંડાં રહસ્યો. ભગવાને સ્થાપેલા ધર્મનાં એક એક અંગોની મહત્તા. ભગવાને પ્રરૂપેલી વિશ્વવ્યવસ્થા સામેના પડકારોનો ઠોસ જવાબ. દાર્શનિકક્ષેત્રે ચાલતી દુરૂહશૈલીની અપરંપાર ચર્ચાઓ. આ પદાર્થલક્ષી શાસ્ત્રો છે.
જોકે, શાસ્ત્રો તે કેવળ શાસ્ત્રો છે. તેમને ચોક્કસ સીમાડામાં બાંધી શકાય નહીં. જે શાસ્ત્ર જીવનલક્ષી હોય તે ભાવનાલક્ષી અને પદાર્થલક્ષી પણ હોઈ શકે છે. જે શાસ્ત્ર પદાર્થલક્ષી છે તે જીવનલક્ષી અને ભાવનાલક્ષી પણ હોઈ શકે છે. જે શાસ્ત્ર ભાવનાલક્ષી છે તે પદાર્થલક્ષી અને જીવનલક્ષી પણ હોય શકે છે. આપણે આપણા અરીસાથી જોઈએ છીએ. આપણે નાનકડો સ્વાર્થ સાધવો છે. માટે શાસ્ત્રોને આ રીતે વહેંચ્યાં છે.
ભાવનાલક્ષી શાસ્ત્રોમાં આ નામો આવશે.
શાંત સુધારસ, ઉપમિતિભવપ્રપંચા, સંવેગરંગશાળા, અધ્યાત્મકલ્પદ્રુમ, પ્રશમરતિ, જ્ઞાનસાર, ઉપદેશમાલા, ઇત્યાદિ.
જીવનલક્ષી શાસ્ત્રોમાં આ ચાર નામો આવશે. શ્રાદ્ધવિધિ પ્રકરણ, ધર્મસંગ્રહ, ધર્મબિંદુ, આચારોપદેશ.
શ્રીપંચપ્રતિક્રમણ સૂત્રો તથા ત્રણ ભાષ્યનો સમાવેશ આ શાસ્ત્રોમાં થશે. ઉપરાંત યોગશાસ્ત્ર, નવપદપ્રકરણ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, ઇત્યાદિ.
પદાર્થલક્ષી શાસ્ત્રોમાં ઘણાંબધાં નામો થશે. જીવવિચાર. નવતત્ત્વ. છ કર્મગ્રંથ. દંડક અને સંગ્રહણી.
તત્ત્વાર્થસૂત્ર. લોકપ્રકાશ. શ્રીહરિભદ્રસૂરિજી મ.ના ગ્રંથો. શ્રી યશોવિજયજી મ.ના ગ્રંથો.
આ નામો લખ્યા તે સિવાય અગણિત નામો છે. આપણે જાત સમક્ષ પાઠ્યક્રમ મૂકી રહ્યા છીએ. આટલાં નામો તો ઉપયોગમાં લો. આગે આગે ગોરખજી જાગવાના જ છે.
૨૦
અનહદની આરતી હવે વિચારીએ. ભાવનાલક્ષી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે ? આ શાસ્ત્રોમાંથી કેટલાં વાંચ્યાં ? જીવનલક્ષી અને પદાર્થલક્ષી શાસ્ત્રોમાંથી પણ કેટલાં વાંચ્યાં છે? આ વાંચન દ્વારા જે ભાવ ઊઠે તે અનુભવ્યા કે કેમ ?
મંત્રીશ્વર વસ્તુપાળની માંગણીનું ફલક આ સ્તરે વિસ્તર્યું છે. આપણને આ શાસ્ત્રો વાંચવાની ઇચ્છા હોવી જોઈએ. ગુરુભગવંત સમક્ષ બેસીને એક પછી એક શાસ્ત્રોમાંથી પસાર થવાનું છે. જીવનની સાર્થકતા આમાં છે. આ દેશનાની પૂજા છે. મગજને શ્રમ પડે તે રીતે શાસ્ત્રો ભણવાથી ઊંડા સંસ્કારો ઘડાય છે
આપણે ભણતર શીખ્યા જ નથી. આપણું શાસ્ત્રજ્ઞાન વ્યાખ્યાનોમાં સમાઈ ગયું છે. સવારે નવથી દેશ-માં સાંભળ્યું તે શાસ. વ્યાખ્યાન એ શાસ્ત્રોનો અર્થવિસ્તાર છે. વ્યાખ્યાન એ સાક્ષાત જિનવાણી છે. વ્યાખ્યાન કદી ન ચૂકાય. તે સાચું. પરંતુ શાસ્ત્રનો અભ્યાસ તો વ્યાખ્યાનથી વિશેષ સ્થાને છે. વ્યાખ્યાનમાં કોઈ એક શાસ્ત્રવચનનો અર્થવિસ્તાર હોય છે. મૂળ સૂત્રનો અર્થ વ્યાખ્યાનની ધરી. અર્થ આધારિત વિચારવિસ્તાર તે વ્યાખ્યાનનો વ્યાસ. મુદ્દાની વાત એ છે કે શાસ્ત્રો ભણવાં જોઈએ તે અપેક્ષા, કેવળ વ્યાખ્યાન સાંભળી લેવાથી સંતોષાતી નથી. વ્યાખ્યાનમાં શાસ્ત્રો ભણવાની પાત્રતા કેળવાય. પાત્રતા પછીનું ભણતર તો અભ્યાસથી જ આવે. ભાવનાલક્ષી અને જીવનલક્ષી અને પદાર્થલક્ષી શાસ્ત્રો આપણે ભણીએ તે માટે રચાયાં. આપણે તે ભણવાનું ભૂલી ગયા. ભણ્યા નહીં માટે એવા ભાવો પણ ન પામ્યા.
ચોક્કસ રીતે આપણે ધર્મના અભ્યાસની આદત પાડવી જોઈએ. રોજેરોજ ત્રણેય પ્રકારનાં શાસ્ત્રનું અધ્યયન થવું જોઈએ. અથવા ગુરુભગવંત પાસે એક શાસ્ત્ર પણ એ રીતે ભણવું કે ભાવના, જીવન અને પદાર્થનો નવતર બોધ અવશ્ય મળે. શાસ્ત્રોના મૂળ શબ્દો પાસે જવાથી આપણે સાક્ષાત્ તે શાસ્ત્રકારના સંપર્કમાં આવીએ છીએ. એ શાસ્ત્રનો અભ્યાસ ચાલુ રહે ત્યાર સુધી એ પુરાતન મહર્ષિનો સત્સંગ ચાલુ રહે છે. શાસનાં મૂળમાં અરિહંત પરમાત્માની દેશના છે. શાસ્ત્રનું અધ્યયન કરતી વખતે આપણને એ દેશનાનો વારસો મળે છે. ગૃહસ્થ અવસ્થામાં ભણી શકાય એવા અનેક અનેક શાસ્ત્રો આપણી પ્રતીક્ષા કરે છે. આવે છે કોઈ આગળ ?