________________
અધ્યાતમનું બંધારણ
મંત્રીશ્વર માંગે છે :
પ્રભુ, તમારી સાથે પ્રેમ બંધાયા પછી દુનિયાદારીમાં રસ ના રહે તેવું કરજો . જીવીશ તો લોકોની વચ્ચે રહેવું જ પડશે. બધાને મળવાનો નિયમ જાળવી ન શકાય. કોઈને ના મળવાનો સંકલ્પ જાળવી ન શકાય. વચલો રસ્તો કાઢી આપજો. જેમને મળું તે સારા લોકો હોય, સારા લોક હોય તે મને મળે. મારી આસપાસ સારા માણસ હોય અને હું સારા માણસોની આસપાસ રહું. તમારી પાસેથી મારે જોઈએ છે સારા માણસની ઓળખાણ અને સારા માણસો સાથે સંબંધ.
મંત્રીશ્વર માંગે છે :
મારા બોલ ઊજળા હોય. મારાં વચન વિધાયક હોય. મારા શબ્દો ગુણવાચક હોય. બીજાના ગુણોનો હું પ્રચારક બનું. બીજાએ મેળવેલા સદ્દગુણો જોતા અને ગાતા આવડે. જેમની પ્રશંસા કરું તે સારું જીવન જીવતા હોય. જેમનાં વખાણ કરું તે ખરેખર ઉત્તમ વ્યક્તિ હોય. મારા શબ્દોમાં ગુણાનુરાગ અને ગુણાનુવાદ મહોરે તેવી કૃપા કરજે.
મંત્રીશ્વર માંગે છે :
મારી નજર બંધ રાખું તો રસ્તે ચાલી ના શકું. ખુલ્લી આંખે જ જીવવું પડે છે. જે દેખાય તે જોવું પડે છે. સામે મળનારા માણસો પાપી હોય, દોષિત હોય, હીન હોય કે પંકાયેલા હોય, તેમને જોઈને મને કેવળ દયા આવે એમની, નિંદા અને અપપ્રચારનું માધ્યમ મારી જીભ ન બને. દોષો ગાવાનો વારો મારો ન આવે. બૂરાઈ બોલવાનો મોકો મને મળે જ નહીં. મારા ફાળે ભૂંડી વાતો ન આવે. આવા પ્રસંગે મને મૌન યાદ આવે, ચૂપ રહેવાનું ગમે અને હળવેથી સરકી જતા આવડે તેવી કળા તું શીખવજે, પ્રભુ.
મંત્રીશ્વર માંગે છે :
હું બોલું તેમાં કડવાશ ન હોય, ઉગ્રતા કે આવેશ ન હોય. મારી રજૂઆત તોછડી ન હોય. મારી જબાન ગંદી ન હોય. મારી વાતો સાંભળનારને મીઠાશ અને મહેક મળે. મારી પાસે બેસનારો મધુર સંવેદન પામે. મારી વાણી દ્વારા કોઈ ખટરાગ પેદા ન થાય. સાથોસાથ, કહેવાજોગી,
૧0
અનહદની આરતી સાચી વાત કહેવાની હિંમત મારામાં હોય, ખોટી વાતનો મક્કમ જવાબ આપવાની આવડત મારામાં હોય. પ્રભુ, તારે મારી બોલીને ઘડવાની છે. પ્રિય વચન હિતને નુકશાનકારી ન નીવડે. હિતકારી વચન પ્રિયભાવને ધક્કો ન પહોંચાડી દે. તલવારની ધાર પર ચાલવા જેવી આ વચનસાધનામાં મને વિજયની વરમાળ આપજે.
મંત્રીશ્વર માંગે છે :
જનમતાં પહેલાં હું હતો. મર્યા પછી હું હોઈશ કેમ કે હું આત્મા છું. હું જીવું. હું શરીરનાં સ્તરે તમામ કાર્યો સંભાળ્યું. ભલે. મારો આતમા ભુલાય કે હિજરાય તેવું તું બનવા ના દેતો, પ્રભુ, મારા સંસારને હું આત્માની દૃષ્ટિએ નિહાળી શકું. મારા આત્માને હું તારી દૃષ્ટિએ નિહાળી શકું. તને હું યથાર્થ રૂપે, મારા જ આત્મા તરીકે નિહાળીને જાગરણ અનુભવી શકું તેવું કરજે.
મંત્રીશ્વરના શબ્દોમાં આરતી છે. અનહદની આરતી. સાત પ્રાર્થના છે. સાતેય અદ્ભુત છે. સમજીને સ્વીકારવા જેવી માંગણી છે. ખાસ તો, આ માંગણી એ અધ્યાત્મનું બંધારણ છે. રોજ વાંચવા જેવું.