Book Title: Amrut Yognu Prapti Mokshni
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના જૈન યોગના ગહન વિષયને આલેખતો “અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની’ એ ગ્રંથ પ્રકાશિત થાય છે, ત્યારે દીર્ઘ સમયના સ્વાધ્યાય પછીની ફળપ્રાપ્તિનો આનંદ અનુભવી રહી છું. બાલ્યાવસ્થાથી માતા પાસેથી ધર્મના સંસ્કારો પ્રાપ્ત થયા. પછી ગૃહસ્થજીવનમાં પણ એવા અનુકૂળ સંજોગો સાંપડ્યાં કે જેને કારણે ધર્મસંસ્કારોમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી ગઈ. ત્યારબાદ પીએચ.ડી ની પદવી નિમિત્તે કોઈ વિષયનો ગહન ઊંડો અભ્યાસ કરવાની સુવર્ણ તક ઊભી થતાં મેં જૈન યોગના વિષયમાં મહાનિબંધ લખવાનું નક્કી કર્યું અને એ મહાનિબંધ આજે શુદ્ધિ-વૃદ્ધિ સહિત ગ્રંથરૂપે પ્રગટ થઈ રહ્યો છે. માનવ જીવનનું અંતિમ સાધ્ય તે આત્મવિકાસની પૂર્ણતા અથવા તો નિર્વાણ કે મોક્ષ છે. સર્વ ભારતીય દર્શનોનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે. મોક્ષને સર્વ દર્શનોએ અંતિમ સાધ્ય કે ધ્યેય તરીકે સ્વીકાર્યું છે, પછી ભલે એ જૈનદર્શન હોય કે વૈદિકદર્શન, પાતંજલ યોગદર્શન અથવા બૌદ્ધ દર્શન હોય. આ સાધ્યના સાધનરૂપ શમપરાયણ યા શમનિષ્ઠ એવો યોગમાર્ગ છે. શમ્ એટલે નિષ્કષાય આત્મપરિણતિ યા રાગદ્વેષરહિતપણું કે સમભાવ. સામ્યમાં અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં સ્થિતિ થવી, સ્વસ્વરૂપને સમજી સ્વરૂપમાં રમણતા કરવી, એ જ શમ છે. પરભાવ-વિભાવમાંથી નીકળી આત્મભાવમાં સ્થિર થવું, તે જ શમનિષ્ઠ માર્ગ - મોક્ષમાર્ગ – છે. આત્માના શુદ્ધ સ્વભાવમય મોક્ષનો યોગ પ્રાપ્ત કરાવે તેનું નામ જ યોગ છે, આથી જ “ોક્ષે યોગનાલ્યો:' એવી એની વ્યાખ્યા મળે છે. જૈનદર્શનમાં આ મોક્ષમાર્ગ, યોગમાર્ગ એ આ શુદ્ધ રત્નત્રયરૂપ અર્થાત્ સમ્ય દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપ છે. અનાદિકાળથી આ સંસારચક્રમાં ફરતા જીવોને ભવભ્રમણમાંથી બચાવનાર અને મોક્ષપ્રાપ્તિ કરાવનાર આ યોગમાર્ગ છે. જૈનદર્શન મુજબ પ્રત્યેક આત્મામાં પરમાત્મા બનવાની ક્ષમતા છે. તે પોતાના પુરુષાર્થથી અર્થાત્ સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયની સાધના કરીને અર્થાત્ યોગમાર્ગને અનુસરીને પરમાત્મપણું પ્રાપ્ત કરી શકે છે. પ્રાચીન સમયથી માંડીને અર્વાચીન સમયના જૈન ધર્મના જુદા જુદા આચાર્યોનાં દૃષ્ટિકોણ તેમજ આત્માના આધ્યાત્મિક વિકાસ માટેની જુદી જુદી ભાવના-વિભાવના જેમકે ગુણસ્થાનક, ભાવના ઈત્યાદિનો આધાર લઈને આ વિષયવસ્તુનું નિરૂપણ કરવાનો આ ગ્રંથમાં પ્રયત્ન કર્યો છે. મારી આ શોધનિબંધની અભ્યાસયાત્રા દરમ્યાન જેમણે મને માર્ગદર્શન અને સાથ-સહકાર આપ્યો તેમના પ્રત્યે હું કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરું છું.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 347